Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રણછોડદાસજી બાપુના આશ્રમે ગુરૂવારથી હનુમાન ચાલીસાના પાઠ : આખો ભાદરવો માસ થશે રટણ

કોરોના સામે સૌનું રક્ષણ થાય તેવા ભાવ સાથે ૯ લાખ પાઠનો સંકલ્પ : ૧૭  સપ્ટેમ્બરે યજ્ઞ સાથે સમાપન : ઘરે ઘરે પાઠ કરીને વોટસએપ પર નોંધણી કરાવવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટની અપીલ

રાજકોટ તા. ૧૮ : વર્તમાન સમયમાં મનુષ્ય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ત્યારે કઠીન પરિસ્થિતીમાંથી બહાર આવી શકે તે માટે ગુરૂદેવનું શરણ શ્રેષ્ઠ સમજીને સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે તા. ૨૦ ઓગષ્ટના ગુરૂવારથી લઇને તા. ૧૭ સપ્ટેમ્બરના ગુરૂવાર સુધી આખો ભાદરવો માસ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયુ છે. જેમાં ગામો ગામના ગુરૂ ભાઇ બહેનોએ ઘરે ઘરે પાઠ કરીને ઓનલાઇન સામેલ થવા અનુરોધ કરાયો છે. ઘરે ઘરે પાઠ કરીને મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ અથવા મો.૮૪૬૦૯ ૨૮૫૦૮ ઉપર વોટસએપ મેસેજથી જાણ કરવાની રહેશે. કોરોના જેવા સંકટમાંથી સૌ ઉગરી જાય તેવા ભાવ સાથે આખા ભાદરવા માસ દરમિયાન ૯ લાખ હનુમાનચાલસા પાઠ કરવાનો સંકલ્પ કરાયો છે.

પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુને શ્રી હનુમાનજી મહારાજ સદૈવ સાક્ષાત હતા. તેઓને ચાર વખત સાક્ષાત્કાર થયો હતો. જેમાં (૧) શ્રી ચિત્રકુટમાં કોટી દેવાંગના (ર) પરિક્રમા માર્ગમાં શ્રી બહરા હનુમાનજી ચિત્રકુટ (૩) શ્રી રામદાસ હનુમાનજી અનંતપુર (૪) ઉજૈનમાં શ્રી ઉજૈનખેડા હનુમાનજીના દર્શન થયા હતા. એટલે આ ચારેય હનુમાનજીને યાદ કરીને આ પાઠ કરવામાં આવશે. કોઇપણ ભાવિક ભકત પોતાની દુકાને, ઓફીસે કે ઘરે બેઠા આ પાઠ કરી શકશે. આખો ભાદરવો માસ હનુમાન ચાલીસા પાઠ કરાશે. તા. ૧૭  સપ્ટેમ્બરના યજ્ઞ સાથે પૂર્ણાહુતી કરાશે. આ પૂર્ણાહુતિ યજ્ઞમાં યજમાન તરીકે કોઇપણ પરિવારના યુગલો ભાગ લઇ શકશે. તેમ સદ્દગુરૂ સદન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીની યાદીમાં જણાવાયુ છે. વધુ માહીતી માટે કે સાક્ષાત્કાર થયેલ ચારેય હનુમાનજીનો ફોટો મેળવવા માટે ઉપરોકત મોબાઇલ નંબર પર વોટસએપ માધ્યમથી સંપર્ક કરવા જણાવેલ છે.

(3:58 pm IST)