Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં નવા 220 પોઝિટિવ કેસ નોંધાયા :લોકોમાં ફફડાટ : તંત્ર એલર્ટ

રાજયમાં તહેવાર દરમિયાન કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવાયો છે ,સૌરાષ્ટ્રમાં છેલ્લા 23 કલાકમાં 220 નવા કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે રાજકોટમાં 92 કેસ નોંધાયા છે જેમાં 3 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર 45, જૂનાગઢ 19,જામનગર 22,મોરબી 12,અમરેલી 11,દેવભૂમિ દ્રારકા 3, ગીર સોમનાથ 6,બોટાદ 3 અને ભાવનગરમાં 7 કેસ સામે આવ્યા છે.

રાજયમાં તહેવાર દરમિયાન કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા,સોશિયલ ડિસ્ટન્સ જાણવા અને ખાસ કરીને માસ્ક પહેરી રાખવા માટેની અપીલ કરી રહી છે. અમદાવાદમાં આજે સરકારની ગાઈડલાઈનનું ઉલ્લઘન કરનાર ઘણા એવા એકમો સીલ કરવામાં આવ્યા છે.

 

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. એએમસી દ્વારા ખાણીપીણીની જે જગ્યા પર ભારે ભીડ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે તેને તાત્કાલિક સીલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસજી હાઇવે પર આવેલ બર્ગર કિંગ અને મણિનગરમાં પાણી પુરીઓ પર વધારે ભીડ હોવાથી બંધ કરાવવામાં આવી છે.

અમદાવાદમાં તહેવારોના પગલે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કર્યુ ન હતુ. લોકો બજારોમાં કીડિયારાની જેમ ઊભરાયા હતા. કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પહેલા સરકારી હોસ્પિટલો ફુલ થઈ અને તેના પછી હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. અમદાવાદના હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જ આમ જણાવ્યું છે. ખાનગી હોસ્પિટલના 90થી 95 ટકા બેડ ભરાઈ ગયા છે.

એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં તો બેડ જ ખૂટી પડ્યા છે. અમદાવાદ શહેરની 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ છે. અમદાવાદની હોસ્પિટલોમાં કુલ 2,256 બેડમાંથી 2,085 બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલમાં પણ હવે માંડ 171 બેડ જ ખાલી છે. હોમ આઇસોલેશનમાં હોય તેવા 786 દર્દી છે અને તેમા હવે ખાલી જગ્યા ફક્ત 89 છે. એચડીયુમાં 794ના દર્દી છે અને તેમા 94 બેડ જ ખાલી છે. વેન્ટિલેગર વગરના આઇસીયુ પર 346 દર્દીઓ સારવાર પર છે અને તેમા પણ ખાલી બેડ 20 છે. વેન્ટિલેટર વિથ આઇસીયુ પર 156 દર્દીઓ સારવાર પર છે અને ખાલી બેડ ફક્ત 16 જ છે.

(9:54 pm IST)