Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

૧૮ વર્ષ પહેલા ફી-વધારાના મામલે વિદ્યાર્થી કાળમાં થયેલ આંદોલનના કેસમાં મેયર પ્રદિપ ડવ સહિતના આરોપીઓનો છુટકારો

રાજકોટ તા.૧૮ : રાજકોટ શહેરના પ્રથમ નાગરીક મેયર પ્રદીપ ડવ વિદ્યાર્થી નેતા હતા ત્યારે ફી વધારાના પ્રશ્નને લઇ અને આંદોલનનું સ્વરૂપ આપી અને ભુતખાના ચોકમાં આવતા જતા વાહનો રોકી ગેરકાયદેસર મંડળી રચી કાયદાનો ભંગ કરતા આજથી ૧૮ વર્ષ પહેલા એ. ડીવી. પી.એસ.આઇ.એસ.બી. પટેલે પ્રદીપ ડવ સહિતના ૧૩ વિદ્યાર્થીની ધરપકડ કરેલ જે કેઇસ જયુ.મેજી.રાયની કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરેલ હતો.

ભુતખાના ચોકમાં વિદ્યાર્થી બસો રોકતા હોય ટ્રાફીક જામ કરતા કંટ્રોલમાં જાણ થતા પ્ર.નગર પોલીસ ઇન્સ્પેકટર પહોંચી ગયેલ અને બાદમાં એ.ડીવી. પોલીસ પહોંચી અને આંદોલન કરતા પ્રદીપ ડવ, મનીષ દામજીભાઇ, કમલેશ કોઠીવાર, દીલીપ ગઢવી, મૌલીક કરશનભાઇ સહીતના ૧૩ વિદ્યાર્થીને પકડી તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ હતી.આ કેઇસમાં પોલીસ ઇન્સ્પેકટર પટેલ, પી.એસ.આઇ. એસ.બી.પટેલ તથા પોલીસના માણસો તપાસ કરનાર પી.એસ.આઇ. ઝાલા સહીતને કોર્ટમાં સાહેદ તરીકે તપાસેલા હતા. મેજીસ્ટ્રેટશ્રીએ ફરીયાદી સાહેદના પુરાવા ઉપરથી આરોપીએ ફરીયાદમાં જણાવ્યા મુજબનો ગુન્હો કરેલ હોવાનું પુરવાર થતું નથી. ફરીયાદ પક્ષ આરોપી સામે કેસ નીશંકપણે સાબીત કરી શકેલ નથી. વાહન વ્યવહાર રોકેલ હોય તેવો કોઇ પુરાવો રેકર્ડ પર લાવેલ નથી. આંદોલન કરનાર આરોપીઓ જ હતા કે નહી તે રેકર્ડ પર લાવી શકેલ ન હોય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપીઓ પ્રદીપ ડવ સહીતના તમામ વિદ્યાર્થીઓ તરફે એડવોકેટ તરીકે શ્રી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ,કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, નીલ શુકલ, જીજ્ઞેશ લાખાણી રોકાયા હતા.

(11:39 am IST)