Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શ્રાવકના પગ સ્થિર હોય તો પણ મન ચાલતુ હોય, સાધુના પગ ચાલતા હોય તો પણ મન સ્થિર હોયઃ સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટ, તા. ૧૮ :. પ્રત્યેક દેશ અને સમાજના સાંસ્કૃતિક મૂલ્ય હોય છે. સંસ્કૃતિ એક કાલજયી તત્વ છે. તેના અનેક અંગ છે. તેમા ધર્મનું સ્થાન સર્વોપરિ છે. ધર્મની સાધના-આરાધના માનવ જીવનનું મહત્વપૂર્ણ લક્ષ્ય છે. ચાતુર્માસ એ આ જ શ્રૃંખલાની એક મહત્વપૂર્ણ કડી છે. જે આહાર, વિચાર, વ્યવહાર અને વ્યાપારની શુદ્ધિ સાથે જોડીને માનવ જીવનને સમૃદ્ધ બનાવે છે.

વર્ષાઋતુમાં પાણીથી કીચડ, પૂર આદિની સ્થિતિ નિર્માણ પામે અને આ દિવસોમાં જીવોત્પતિની પ્રચૂર માત્રા હોવાથી અહિંસા ધર્મની આરાધના કરનાર શ્રમણ-શ્રમણી વર્ષાઋતુમાં એક સ્થાન પર સ્થિર રહે છે. અષાઢ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા સુધી સ્થિર રહે છે, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે.

ચાર માસનું ચાતુર્માસ તેમા પ્રથમ અષાઢ. આ માસ એમ કહે છે કે આળસ છોડો આળસ તમારી સાધનાને સમાપ્ત કરી દેશે. બીજો શ્રાવણ માસ કહે છે કે સંતોના મુખથી પરમાત્મવાણી શ્રવણ કરો, શ્રમ કરો અને શ્રાવક બનો. ત્રીજો ભાદ્રપદ માસ કહે છે કે, ભદ્ર બનો, પરિણામને નિર્મળ રાખો, ચોથો આસો (અશ્વિન) માસ કહે છે કે જો આળસ ન છોડી, સંતો સમીપે પરમાત્મવાણી શ્રવણ કરી શ્રમણ કે શ્રાવક ન બન્યા, ભદ્ર પરિણામી ન થયા તો શાશ્વત સુખથી વંચિત રહી જશો. જીવન વ્યર્થ ચાલ્યુ જશે. ધર્મથી ભાગ્ય બનશે, ભાગ્યથી અર્થ મળશે, અર્થથી કામ. ધર્મ, અર્થ અને કામથી તૃપ્ત હો તો મુનિ બની સાધના દ્વારા સિદ્ધત્વ મળશે.

મનુષ્યને ત્રણ પ્રકારના રોગ જન્મ, જરા, મૃત્યુ એ ઘેરી લીધેલ છે. ભૌતિક વિજ્ઞાન પણ ત્રણ પ્રકારે રોગની દવા બતાવે છે. એલોપથી જે રોગને દબાવે છે અને નવો રોગ ઉત્પન્ન થાય છે, હોમયોપથી જે રોગથી લડવાનું સાહસ આપે છે. આયુર્વેદિક જે રોગનો મૂળથી નાશ કરે છે. ચાતુર્માસ ભવરોગનો નાશ કરનારી સર્વશ્રેષ્ઠ ઔષધિ છે. ચાતુર્માસ એટલે જીવન પરિવર્તનની સાધનાનો પ્રવેશદ્વાર.

શ્રમણનો વર્ષાયોગનો સમય કષાયરૂપી અગ્નિ અને મિથ્યાત્વરૂપી તાપને ત્યાગ એવું વૈરાગ્યની શીતલધારાથી સ્વાધ્યાય અને ધ્યાનથી જનવૃષ્ટિથી શાંત કરવા માટે હોય છે. ચાતુર્માસમાં આત્માની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણનો વિકાસ થાય છે. શ્રાવક તે છે જેના પગ સ્થિર થાય અને મન ચાલતુ રહે છે. સાધુ તે છે જેના પગ હંમેશા ચાલે છે અને મન સ્થિર રહે છે. ચાતુર્માસ તે છે જેમાં સાધુના પગ અને મન બન્ને સ્થિર રહે છે. ભગવાન મહાવીરે શ્રમણ માટે બતાવેલ ૧૦ કલ્પમાં એક ચાતુર્માસ કલ્પ છે.

(11:40 am IST)