Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

'નેચરોપેથી ડે': ફકત ચિકિત્સા પદ્વતિ નથી તે એક જીવન જીવવાની સરળ પદ્ધતિ છે

નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પધ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિધ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે છે. નેચરોપથીએ પંચતત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીની મદદથી નિસર્ગોપચારનાં માધ્યમથી શરીરમાંથી વિજાતીય દ્રવ્યોને બહાર કાઢવાની પ્રક્રિયા છે. નિસર્ગોપચાર કેન્દ્રમાં, શરીરમાંથી દુષિત તત્વો, વિષતત્વો, શરીરમાંથી દૂર કરવામાં આવે છે અને પોષક તત્વોની રચના અને વૃધ્ધિ પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવે છે. આ પધ્ધતિની મુખ્ય વિશેષતા એ છે કે આ પધ્ધતિનાં કોઈપણ ઉપચારનાં પ્રયોગમાં શરીરને કોઈપણ જાતનું નુકસાન કે આડઅસર થતી નથી.

નેચરોપથીનો પ્રચાર ભારતમાં મહાત્મા ગાંધીજીએ કર્યો છે. તે હંમેશા કહેતા પ્રાકૃતિક ચિકિત્સા કે નેચરોપેથીએ કોઈ ચિકિત્સા પધ્ધતિ નથી એ એક જીવન જીવવાની સરળ પધ્ધતિ છે. નેચરોપેથી કેન્દ્રમાં માત્ર દર્દીના દર્દો અને રોગો પણ ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ તેમના સંપૂર્ણ શરીર અને પહેલા તે કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા. તેમની જીવનશૈલી કેવી હતી. તે શું કામ કરતા હતા તે દરેક વ્યકિત વ્યકિતના વિશે માહિતી એકત્ર કરવામાં આવે છે. તેની ઉપરથી નેચરોપેથી ચિકિત્સક કુદરતી ઉપચાર ચિકિત્સક તેમને કઈ કુદરતી ઉપચાર ચિકિત્સા કરવવી તેન વિશે સંપૂર્ણ માહિતી આપે છે. ઘણા લોકો એવું માને છે કે આયુર્વેદ અને નેચરોપથી બંને સમાન છે પરંતુ એવું નથી. પ્રાચીન સમયમાં આ બંને પધ્ધતિઓને એક ગણાતી હતી. પરંતુ ત્યારબાદ આયુર્વેદમાં જયારે તાજી વનસ્પતિઓને સુકી વનસ્પતિઓનો ઉપયોગ તેમજ વાટી, ઘુટી કે દવાનો પ્રયોગ શરૂ થયો. ત્યારથી નેચેરોપેથી આયુર્વેદથી વિખુટી પડી ગઈ. કુદરતી ઉપચાર પ્રક્રિયામાં ફકત કુદરતી સંસાધનો અને તાજા ફળો, ફૂલો અને શાકભાજીઓનો ઉપયોગ થાય છે.(૩૦.૧૧)

મિતલ ખેતાણી, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(4:05 pm IST)