Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સ્‍વ. ભીખુભાઇ નાયાણીના સંસ્‍મરણોને તાજા કરવા રવિવારે વાડોદરમાં શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો

નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ : ચિંતન પટેલની ભજન મંડળીનો કાર્યક્રમ : તલવાર રાસ-મણીયારો રાસ રજુ થશે

રાજકોટ તા. ૧૮ : થનગનાટ આર્ટ એન્‍ડ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન દ્વારા સ્‍વ. ભીખુભાઇ નાયાણીના સંસ્‍મરણોને તાજા કરવા અને વતનપ્રેમ અદા કરવા આગામી તા. ૨૦ ના રવિવારે ધોરાજી તાલુકાના વાડોદર ગામે શ્રી વાડોદરીયા બાપા મંદિરે  સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

તા. ૨૦ ના રવિવારે સવારે ૯ થી ૧ સુધી ગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્‍ક મેગા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ રાખેલ છે. આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં ડો. ચિંતન યાદવ, ડો. ધવલ ગોહીલ, ડો. અશરફ ખાન, ડો. પ્રતિક ગોહિલ, ડો. મિનેષ સિંઘલ, ડો. કિશન પરસાણીયા, ડો. ગૌતમ માંડાણી, ડો. અભિષેક વૈષ્‍ણવ, ડો. આશાક મહેતા, ડો. જનક પટેલ અને આયુર્વેદીક ડોકટરો સેવા આપશે. જરૂરતમંદ દર્દીઓને દવા અને નંબરવાળા ચશ્‍મા ફ્રી અપાશે. લેબોરેટરી રીપોર્ટ પણ વિનામુલ્‍યે કરી અપાશે.

જયારે સાંજે શ્રી વાડોદરીયા બાપા મંદિરે મુગટ અને હારની અર્પણવિધિ થશે. બાદમાં ખુબ જાણીતા બનેલ ચિંતનભાઇ પટેલના કૃષ્‍ણ ભજન મંડળના નોન સ્‍ટોપ ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. પોરબંદર ગ્રુપનો તલવાર રાસ, ગાંધીનગરના રંગોલી ગ્રુપનો મણીયારો રાસ સહીત વિવિધ રાસની પ્રસ્‍તુતી થશે.

સ્‍વ. ભીખુભાઇ નાયાણીના પરિચયની આછેરી ઝલક જોઇએ તો ૧૯૯૩ માં વાડોદર ગામે જન્‍મેલા ભીખુભાઇ નાયાણીએ પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા બાદ રાજકોટ ખાતે કોલેજનું શિક્ષણ મેળવેલ. ૧૯૮૭ માં અમરસિંહભાઇ ચૌધરીના સ્‍નેહસભર નિમંત્રણથી ગાંધીનગરની વાટ પકડેલ અને ચીમનભાઇ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, દીલીપભાઇ પરીખ, સુરેશ મહેતા, નરેન્‍દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણી સહીતનાઓ સાથે પારિવારિક નાતો બનાવી રાખ્‍યો. ગાંધીનગરથી તેઓ ‘અભિમન્‍યુ' નામનું અખબાર ચલાવતા.   ૧૯૯૯ માં હોટલ રેસ્‍ટોરન્‍ટના વ્‍યવસાયમાં પણ ઝંપલાવેલ. આ અરસામાં ગુજરાતી ફિલ્‍મ ક્ષેત્રે ‘યોગી ફિલ્‍મસ' નામથી મલ્‍ટીસ્‍ટાર ગુજરાતી ફિલ્‍મ ‘માણીગર મારા મલકનો' નું નિર્માણ કર્યુ હતુ.આમ સામાજીક, રાજકીય અને વ્‍યવસાયીક ક્ષેત્રે ગઝબની કોઠાસુઝ ભીખુભાઇ નાયાણી ધરાવતા હતા. તા. ૩-૧૦-૨૦૨૦ ના તેમનું અવસાન થયુ. વાડોદરથી સચિવાલય સુધીની તેમની સફર યાદગાર બની રહી.

ત્‍યારે આ સંસ્‍મરણોને તાજા કરવા શ્રી રોહીત નાયાણી (મો.૯૮૨૫૦ ૨૬૮૨૫) અને નાયાણી પરિવાર તથા સમસ્‍ત ગ્રામમજનો દ્વારા તા. ૨૦ ના રવિવારે અવિસ્‍મરણીય કાર્યક્રમ આયોજીત કરાયો છે. જેમાં સૌકોઇને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

(11:47 am IST)