Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

લૂંટ કર્યા પછી લૂંટારાએ કહ્યું-દસ મિનટ તક ચિલ્લાના મત, પુલીસ કમ્પલેઇન કી તો છુટકે સબકો માર ડાલુંગા!

દિકરાને સ્કૂલેથી તેડીને આવ્યા પછી રસોડા તરફના દરવાજાને સ્ટોપર લગાવ્યા વગર તાન્યાબેન ઘરકામમાં પરોવાયા ત્યાં જ દરવાજો ખુલવાનો અવા જ આવતાં પતિ આવ્યાનું સમજ્યા,પણ સામે હાથમાં હથોડા સાથે લૂંટારાને ઉભેલો જોતાં જ હેબતાઇ ગયા : ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસે છ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૃ કર્યોઃ લૂંટારો અલગ અલગ રિક્ષા મારફત કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ થઇ ગોંડલ રોડ ચોકડી સુધી પહોંચ્યાાની વિગતો સીસીટીવી ફૂટેજ પરથી મળતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા : પોલીસે લૂંટ સાથે હત્યાની કોશિષ-ધમકીનો ગુનો દાખલ કર્યો : તાન્યાબેન લોહીલુહાણ હાલતમાં કરગર્યા કે જે જોઇએ તે લઇ લે પણ મને કે મારા દિકરાને મારતો નહિઃ એ પછી લૂંટારાએ કબાટની ચાવી માંગી, ચાવી ન હોઇ હાથમાંથી ૬૫ હજારની કંગન ઉતરાવી લીધી : માથે લાલ ટોપી, મોઢે કાળુ માસ્ક, બ્લુ જીન્સ, બ્લુ શર્ટ પહેરીને આવેલા લૂંટારાના એક હાથમાં થેલો અને બીજા હાથમાં હથોડો હતો

રાજકોટ તા. ૧૮: 'દસ મિનટ તક ચિલ્લાના મત, અગર પુલીસ કમ્પલેઇન કીયા તો છુટકે ભી સબકો માર ડાલુંગા'...ગઇકાલે નિર્મલા રોડ પર નિર્મલા સ્કૂલ સામે જ આવેલા પારિજાત બંગલામાં એક લૂંટારૃએ ઘુસી જઇ સિંધી અગ્રણી શ્રીચંદભાઇ બાલચંદાણીના પુત્રવધૂ તાન્યાબેન વિવેકભાઇ બાલચંદાણી (ઉ.વ.૪૦)ને માથામાં હથોડીના ઘા ફટકારી હત્યાનો પ્રયાસ કરી તેની સવા તોલાની આશરે ૬૫ હજારની બંગડીની લૂંટ કરી લીધા પછી ભાગતી વખતે આવી ધમકી આપી હતી. પોલીસે હત્યાનો પ્રયાસ, લૂંટ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.  ક્રાઇમ બ્રાંચ અને ગાંધીગ્રામ પોલીસે અલગ અલગ છ ટીમો બનાવી તપાસ શરૃ કરતાં લૂંટારાના સીસીટીવી ફૂટેજ મળી ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની પોલીસને આશા છે.

ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં તાન્યાબેન બાલચંદાણીની ફરિયાદને આધારે અજાણ્યા લૂંટારા સામે આઇપીસી ૩૦૭, ૩૯૭, ૪૫૫, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ઘરમાં ઘુસી હત્યાનો પ્રયાસ કરી ધાકધમકી આપી લૂંટનો ગુનો નોંધ્યો છે. તાન્યાબેને સમગ્ર હકિકત જણાવતાં કહ્યું હતું કે હું પતિ અને બે પુત્ર સાથે રહુ છું.  સાથે સસરા શ્રીચંદભાઇ પણ રહે છે. પતિ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અન્નપુર્ણા માર્ટ ચલાવે છે. સસરા જવાહર રોડ પર એમ્પાયર ફલોર મીલ પ્રા.લિ. નામે ઓફિસમાં બેસે છે. સવારે સવા આઠેક વાગ્યે પુત્ર શોૈર્ય (ઉ.૭)ને સ્કૂલ બસ લેવા આવી હતી. ત્યારબાદ નાના દિકરા દિવ્યાંશ (ઉ.૩)ને  મારા પતિ સ્કૂલે મુકીને ઓફિસે જતાં રહ્યા હતાં. બપોરે બાર વાગ્યે હું નાના પુત્રને જે લીંબુડવાડી રોડ પર લિટલ મિલેનિયમમાં ભણે છે તેને તેડવા ટુવ્હીલર લઇને ગઇ હતી.

ઘરે આવી વાહન પાર્ક કરી પુત્રને લઇ રસોડાના દરવાજેથી ઘરમાં ગઇ હતી. દરવાજાને સ્ટોપર લગાવ્યા વગર હું ઘરના કામમાં વળગી ગઇ હતી ત્યાં જ દરવાજો ખુલવાનો અવાજ આવતાં મને થયું કે પતિ આવ્યા હશે. પણ નજર કરતાં એક મોઢે કાળુ માસ્ક પહેરેલો શખ્સ હતો. જેથી બ્લુ કલરનો આખી બાંહનો શર્ટ અને લાઇટ બ્લુ જીન્સ પહેર્યુ હતું. માથે લાલ ટોપી પણ હતી. તેના હાથમાં એક કપડાનો થેલો હતો.

આ અજાણ્યા શખ્સને જોઇને હું ગભરાઇ ગઇ હતી. તેના હાથમાં એક હથોડો પણ હતો જેથી તેને ધક્કો મારી બહાર કાઢવાનો પ્રયાસ કરી મેં ચીસો પાડતાં તે મારા પર ગુસસે થઇ ગયો હતો અને મારવાનો પ્રયાસ કરતાં હું પાછળ ખસી જતાં હથોડાનો ઘા તેણે મારા માથા ઉપર કર્યો હતો. મને ઉપરા ઉપર ઘા મારતાં લોહી નીકળવા માંડતા દિકરો દિવ્યાંશ પણ ખુબ ડરી ગયો હતો. મેં એ શખ્સને 'તારે શું જોઇએ છે? જે જોઇતું હોય તે લઇ જા, મને અને મારા દિકરાને મારીશ નહિ' તેમ કહેતાં તેણે કબાટની ચાવી માંગી હતી. પણ ચાવી મારી પાસે ન હોઇ ના પાડતાં તેણે હિન્દી ભાષામાં કહેલું કે-તુમ્હારે પાસ જો ગહને હો વો મુજે દેદો, તેમ કહી મારા હાથમાંથી બંગડી (કંગન) રૃા. પાંસઠ હજારની મને મારનો ડર હોઇ કાઢીને આપી દીધી હતી.

ત્યારબાદ તેણે ફરીથી હિન્દી ભાષામાં ધમકી આપી હતી કે-દસ મિનટ તક ચિલ્લાના મત, વરના મૈં વાપસ આકે તુમ્મે ઓૈર તુમ્હારે બચ્ચેકો ભી માર ડાલુંગા. તેમ કહી તે રસોડાના દરવાજેથી જતાં જતાં ફરી બોલ્યો હતો કે-પુલીસ કમ્પલેઇન મત કરના, અગર કિયા તો છુટકે ભી સબકો માર ડાલુંગા. આ ધમકી આપી તે જતો રહેતાં મેં સ્વસ્થ થઇ મારા પતિને જાણ કરી હતી. એ દરમિયાન પડોશીઓ પણ આવી ગયા હતાં અને પતિ પણ આવી જતાં ૧૦૮ દ્વારા મને હોસ્પિટલે ખસેડી હતી.

પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયન, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. બીજી તરફ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, ત્રણેય પીઆઇની રાહબરીમાં અલગ અલગ છ ટીમો બનાવી લૂંટારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે. લૂંટારો કોટેચા ચોક, ત્યાંથી ઇન્દિરા સર્કલ તરફ અને ગોંડલ રોડ ચોકડી તરફ રિક્ષામાં બેસીને ગયો હોવાનું સીસીટીવી ફૂટેજને આધારે જાણવા મળતાં ઝડપથી તે ઝડપાઇ જવાની પોલીસને આશા છે.

(1:58 pm IST)