Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાજકોટ પૂર્વમાં ‘અપૂર્વ' જંગઃ ભાજપ-કોંગીના બે બળિયા વચ્‍ચે ‘આપ' નિર્ણાયક

વિધાનસભા ૬૮માં આહીર, બ્રાહ્મણ અને લેઉવા પટેલ ઉમેદવારોના જંગ તરફ સૌની મીટ : ભાજપના ઉદય કાનગડ, કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજગુરુ તથા ‘આપ'ના રાહુલ ભુવા સહિત ૮ ઉમેદવારો મેદાનમાં:આ બેઠકમાં કુલ ૨,૯૭,૨૦૬ મતદારો

રાજકોટ,તા.૧૮: રાજકોટ શહેરમાં ધારાસભા-૬૯માં હાઇ પ્રોફાઇલ જંગ છે તો બીજી બાજુ  રાજકોટ ૬૮ (પુર્વ) માં બે બળીયા વચ્‍ચે ટકકર જામવા એંધાણની ભારે ચર્ચા છે.ે શહેરમાં યુ.કે. (સામાકાંઠા) તરીકે  ઓળખાતા આ મતક્ષેત્રમાં ભાજપની ટીકીટ પુર્વ મેયર અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડને મળી છે. તો સામે કોંગ્રેસે પણ પુર્વ ધારાસભ્‍ય  ઇન્‍દનીલ રાજગુરૂને ટીકીટ આપી છે.  જયારે આમ આદમી પાર્ટીમાંથી ગત કોર્પોરેશનની ચુંટણી લડેલા અને ૧૦ હજાર મત મેળવાનાર રાહુલ  ભુવા ચુંટણી લડી રહ્યા છે. અંહી ત્રીપાંખીયો જંગ જામ્‍યો છે.

ઉપલાકાઠાનો વિસ્‍તાર જુના રાજકોટ તરીકે ઓળખાય છે. અહી જ્ઞાતિગત સમીકરણો સમજનાર પક્ષ જીતે છ.ે ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇન્‍દ્રનીલ જીત્‍યા હતા તો ૨૦૧૭માં તત્‍કાલીન કોર્પોરેટર અને શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અરવીંદ રૈયાણીએ ફરીથી આ બેઠક ભાજપને      અપાવી હતી. આ ચૂંટણીમાં રૈયાણી સામે  કોંગ્રેસના મિતુલ દોંગા અને આપમાંથી અજીત લોખીલ ઉમેદવારો હતા. ગત ચૂંટણીમાં અરવીંદ રૈયાણીનો ૨૩ હજાર મતોથી વિજય થયેલ અને ૨૦૨૧માં ભુપેન્‍દ્રભાઇની સરકારમાં રાજય કક્ષાના  વાહન વ્‍યવહાર મંત્રી બન્‍યા હતા.

રાજકોટ-૬૮માં કુલ ૨.૯૭ લાખ મતદારોમાંથી લેઉવા પટેલ ૫૮ હજારથી વધુ મતો ધરાવે છે. લેઉવા પટેલ ઉપરાંત કોળી, દલીત, મુસ્‍લીમ, દેવીપુજક, પ્રજાપતિ, આહીર, બ્રાહ્મણ, પરપ્રાંતીય, ભરવાડ, લોહાણા, કડીયા, ક્ષત્રીય,જૈન, રજપુત, બાવાજી, લુહાર, વાણંદ સહીતના સમાજોની વસ્‍તી છે. આ બેઠકમાં વોર્ડ નં. ૩ (પાર્ટ), ,,,૧૫,૧૬ તથા ૧૮ (પાર્ટ)નો સમાવેશ થાય છે.

ભાજપના સિનીયર નેતા ઉદય કાનગડ મહાપાલિકામાં શાસક પક્ષના તમામ પદ પર કામ કરી ચૂક્‍યા છે. સંગઠનમાં યુવા મોરચાથી માંડી બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ સુધીની જવાબદારી નિભાવી છે. ઇન્‍દ્રનીલ રાજગુરૂએ અગાઉ અને તાજેતરમાં બે વખત કોંગ્રેસ છોડી હતી. છેલ્લે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તાજેતરમાં ફરી કોંગ્રેસમાં પરત ફર્યા છે. પક્ષે રાજકોટ પૂર્વની ટીકીટ આપી છે.

આ બેઠક પર બંને ઉમેદવારો બળીયા ગણાય રહ્યા છે તો આમ આદમી પાર્ટીના લેવાઉ પટેલ સમાજના ઉમેદવાર રાહુલ ભુવાનું તેમના વિસ્‍તારમાં વર્ચસ્‍વ રહેલું છે. વોર્ડ નં. ૪માંથી તેઓ કોર્પોરેશનની ચૂંટણી લડયા હતા અને ૧૦ હજારથી વધુ મતો મેળવ્‍યા હતા. ભાજપે આ વોર્ડ જીત્‍યો હતો. આ ઉમેદવારે બંને પક્ષના મત કાપ્‍યાની છાપ ઉપસી હતી.

૨૦૧૨થી રાજકોટમાં ં નવુ સીમાંકન અમલમાં આવતા ત્રણમાંથી ચાર બેઠક થઇ હતી. ત્‍યારથી બે ચૂંટણીમાં એક વખત કોંગ્રેસ અને એક વખત ભાજપ વિજય બન્‍યું છે. ભાજપે ઉપલા કાંઠે લગભગ દર ચૂંટણીમાં સતત ઉમેદવાર બદલ્‍યા છે. ઇન્‍દ્રનીલ રાજયગુરૂ ૨૦૧૨માં પૂર્વ, ૨૦૧૭માં પમિ અને હવે ફરી ૨૦૨૨માં ઇસ્‍ટમાં ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના ઉદય કાનગડની પક્ષમાં સિનીયોરીટી ક્ષમતા ટોચના નેતાઓનો વિશ્વાસ અને પોતાના પક્ષ અને સમાજ અને વ્‍યવસાય સંબંધો પ્‍લસ પોઇન્‍ટ જેવા છે. ઇન્‍દ્રનીલ રાજયગુરૂને ૨૦૧૨થી ૨૦૧૭ સુધીની આ વિસ્‍તારમાં કરેલી કામગીરી કામ આવે તેમ છે. ૨૦૧૨ પહેલા તેઓ બે વર્ષથી આ વિસ્‍તારમાં તેઓ એકટીવ હતા. તેમનું ઘણું નેટવર્ક આ વિસ્‍તારમાં ગોઠવાયેલું છે.

મતદારોનો મિજાજ અને ભાજપ - કોંગ્રેસ પ્રત્‍યેનો કોણ કેટલો વિશ્વાસ ખેંચી શકે છે તેના પર સૌની મીટ મંડાય રહી છે.

કયા કયા વોર્ડનો સમાવેશ

રાજકોટ ૬૮ (પૂર્વ) માં કુલ ૨,૯૭,૨૦૬ મતદારો છે. આ બેઠકમાં સાડા છ વોર્ડ આવે છે. તેમાં માત્ર એક વોર્ડમાં કોંગ્રેસની પેનલ ચૂંટાઇ હતી. આ રીતે વોર્ડની દ્રષ્‍ટિએ ભાજપ મજબુત છે. વોર્ડ નં.૩નો એક નાનો ભાગ અહીં આવે છે.જેમાં ૩૨ હજાર જેટલા મતદાર છે. વોર્ડ નં.૪ માં ૬૦ હજાર, વોર્ડ નં. ૫ માં  ૫૯ હજાર, વોર્ડ નં.૬માં ૫૨ હજાર, વોર્ડ નં.૧૫ માં ૫૮ હજાર, વોર્ડ નં. ૧૬માં ૩૩ હજાર અને વોર્ડ નં. ૧૮માં ૨૨૫૦ મત છે.

૮ ઉમેદવારો વચ્‍ચે જામશે જંગ

 આ વખતે ભાજપ અને કોંગ્રેસે ગત વખતની ચૂંટણીના ઉમેદવારોને રીપીટ નથી કર્યા. આમ આદમી પાર્ટીદ્વારા પણ નવા ચહેરાને ટીકીટ આપવામાં આવી છે. ગઇ કાલે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસના અંતે કુલ ૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં નોંધાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ તથા ભારતીય સામ્‍યવાદી  પક્ષ તથા અપક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રચાર કરી રહ્યા છે.

ગત ચુંટણીમાં ભાજપે મેદાન માર્યુ હતું

વિધાનસભા ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના કશ્‍યપભાઇ શુકલ સામે કોંગ્રેસના ઇન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરુ ચુંટણી લડયા હતા. જેમાં કોંગ્રેસના ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરુનો ૪૫૦૦ મતોથી વિજય થયો હતો. ગત ૨૦૧૨ની ચુંટણીમાં રાજકોટ -૬૮ બેઠક પરથી જીપીપીના પ્રવિણભાઇ આંબલીયાને ૧૫ હજાર મત મળ્‍યા હતા. ત્‍યારે ભાજપના ઉમેદવાર કશ્‍યપ શુકલનો ૪ હજાર મતે હારનો સામનો કરવો પડયો હતો. ગત વિધાનસભા૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના અરવિંદ રૈયાણીનો કોંગ્રેસના  મિતુલ દોંગા સામે  ૨૩ હજાર મતોએ વિજય થયો હતો. 

---

રાજગુરૂ લાવશે કોંગ્રેસનો રાજ્‍ય યોગ

રાજકોટ-૬૯ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂનો જન્‍મ ૨૬ જુન ૧૯૬૬ના રાજકોટમાં થયો છે.

સ્‍વતંત્ર સેનાની લોકપ્રહરી દાદા સ્‍વ. લક્ષ્મણભાઇ રાજગુરુ તથા કોંગ્રેસના લોખંડી મનોબળ ધરાવતા જિલ્લા પંચાયતના  પ્રમુખ સ્‍વ.સંજયભાઇ રાજગુરુ તરફથી લોકસેવા ગળથુંથીમાં મળેલ છે. જિલ્લા  પંચાયતના પ્રમુખ સ્‍પષ્‍ટ વકતા બિઝનેસમેન સ્‍વ. સંજયભાઇ રાજગુરુના સંતાનમાં ૩ પુત્રીઓ તેમજ ૨ પુત્રો માહેના ઇન્‍દ્રનીલ રાજગુરૂએ વ્‍યાપાર સાથે સાથે લોકસેવાની પગદંડી પસંદ કરી હતી. ભણતર બાદ શોખમાં હોર્સ રાઇડીંગ તેમજ ગ્રેટ હિમાલ્‍યન કાર રેલીમાં ભાગ લઇને રાજકોટને ભારતના નકશામાં સ્‍થાન અપાવેલ.૧૯૯૫ બાદ રાજકોટ શહેરના કોંગ્રેસના સક્રિય રાજકારણમાં ઝંપલાવ્‍યુ હતું.

૨૦૦૦માં કોર્પોરેશનની ચુંટણીમાં નગર સેવક તરીકે જંગી બહુમતીથી ચુંટાયા હતા અને અનુક્રમે ડેપ્‍યુટી મેયર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્‍યો હતો. સાલ ૨૦૦૯માં રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્‍યા હતા. ૨૦૧૨ની ચુંટણીમાં રાજકોટ-૬૮ બેઠક પર ભાજપના કશ્‍યપભાઇ શુકલને ૪ હજાર મતે હરાવીને ધારાસભ્‍ય બન્‍યા હતા. ૨૦૧૭માં શહેર કોંગ્રેસ પ્રમુખ બન્‍યા હતા. 

-----

રાહુલ  ભુવાઃ ‘‘આપ'' ના શિક્ષીત ઉમેદવાર

રાજકોટ જીલ્લાના નાનકડા ગામ ખારચીયામાં ૧૫ ઓકટોબર ૧૯૯૦ના રોજ સામાન્‍ય પરીવારમાં રાહુલ ભુવાનો જન્‍મ થયો. પિતા જયંતિભાઇ ભુવા ખેતી અને સાથે હીરાના કારખાનામાં મજુરી કરી ઘરનું ગુજરાત ચલાવતા. મધ્‍યમવર્ગીય પરિવારમાં જન્‍મેલ રાહુલ ભુવાને પિતા જયંતિભાઇ અને માતા હંસાબેને પેટે પાટા બાંધીને MSCIT  B.ED જેટલો ઉચ્‍ચ અભ્‍યાસ કરાવ્‍યો.  રાહુલ ભુવાાએ સમાજને કંઇક આપવાના હેતુથી શિક્ષક તરીકે કારર્કીદીની શરૂઆત કરી શિક્ષણ પ્રત્‍યેના આ શ્રેષ્‍ઠ વિચારો દિલ્લીના ઉપમુખ્‍યમંત્રી મનિષ સીસોદીયા સુધી પહોંચાડવાનો પ્રયત્‍ન કર્યો અને  તે બદલ રાહુલ ભુવાને દિલ્લી આઇ.આઇ.ટી દ્વારા સન્‍માન પણ મળ્‍યું. સતત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને આગળ લાવવા તેમણે છેલ્લા બે  વર્ષમાં એક પણ રૂપિયો લીધા વગર એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થઇ શકે અને શિક્ષણ થકી પોતાના પરીવારને  આગળ લાવી શકે તે હેતુથી સેમીનાર યોજ્‍યા. તેમણે એક લેખક તરીકે પરીક્ષામાં સફળતા નામની બુક લખી છે.તેઓ યોધ્‍ધા ફાઉન્‍ડેશન નામની સામાજીક સંસ્‍થા સ્‍થાપી અને સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. રાહુલ ભુવાએ સેવાની લાગણી સાથે અને સમાજમાં કંઇક કરી છૂટવાની ભાવનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયા. અને મહાનગર પાલીકાની ચૂંટણી લડી અને૧૦ હજાર મતો મેળવ્‍યા હતા. 

-----

બેઠક જાળવવાની જવાબદારી કાનગડના શીરે

 નામ          :  ઉદયભાઇ પ્રભાતભાઇ કાનગડ (આહિર)

 જન્‍મ તારીખ :  ૨૫-૧-૧૯૭૨, રાજકોટ

 અભ્‍યાસ              :  એસ.એસ.સી.

 વ્‍યવસાય             :  કન્‍સ્‍ટ્રકશન તથા ખેતી

 - ૧૯૯૨થી ભાજપમાં સક્રિય. વોર્ડ પ્રમુખ અને શહેર યુવા પ્રમુખ બન્‍યા

  - ૧૯૯૫માં સૌથી યુવા કોર્પોરેટર અને ૧૯૯૭માં સૌથી યુવા મેયર

  - ૨૦૨૦ સુધી સતત ૨૫ વર્ષ રાજકોટ મનપામાં કોર્પોરેટર

  - ૨૦૦૭-૦૮ અને જુન ૨૦૧૮થી ડિસે.-૨૦૨૦ સુધી સ્‍ટે.ચેરમેન

  - ૨૦૧૪-૧૫માં ડે.મેયર

  - મનપા શાસક પક્ષનું નેતા પદ પણ સંભાળ્‍યું

  - શહેર ઉપપ્રમુખ ત્રણ ટર્મ, મહામંત્રી એક ટર્મ, પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ખજાનચી

  - રાજકોટ-૭૦માં ત્રણ વખત ઇન્‍ચાર્જ, લોકસભામાં વિધાનસભા-૬૮ના ઇન્‍ચાર્જ

  -  ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હાલ કાર્યરત

રાજકોટ-૬૮ માં  સૌથી વધુ ઓબીસી મતદારોઃ જ્ઞાતીવાઇઝ  આંકડા

જ્ઞાતી           સંખ્યા

બ્રાહ્મણ         ૧૧૮૭૨

જૈન            ૮૫૧

લેઉવા પટેલ    ૫૮૯૩૮

કડવા પટેલ    ૩૭૩૫

લોહાણા         ૭૪૬૮

પ્રજાપતિ        ૧૪૩૭૪

કડીયા          ૫૨૫૩

કોળી (તળપદા)        ૨૯૪૫૧

કોળી(ચુવાળીયા)        ૧૨૫૬૦

સોની           ૩૦૬૫

ક્ષત્રીય          ૮૩૯૩

રજપુત         ૩૯૮૭

આહીર          ૧૨૯૧૫

ભરવાડ (નાનાભાઇ)    ૭૨૧૨

ભરવાડ (મોટાભાઇ)     ૪૮૯૩

રબારી          ૩૩૩૧

દલીત          ૨૪૯૮૩

મુસ્લીમ         ૨૪૨૪૨

દેવીપુજક       ૧૦૩૬૪

દરજી           ૩૩૨૫

બાવાજી         ૫૯૯૩

મોચી           ૧૯૯૦

સીધી           ૨૮૫૩

બારોટ          ૬૯૦

ગઢવી          ૧૧૯૬

સતવારા        ૯૬૮

વાણંદ          ૨૯૫૦

લુહાર          ૩૩૬૫

સુથાર          ૨૧૫૩

માળી           ૧૯૪૪

પરપ્રાંતીય      ૭૩૮૧

કંસારા          ૬૫૯

બોરીચા         ૪૧૭

લોધા           ૯૬

સગર           ૫૮૭

ખત્રી            ૧૫૫૦

દાઉદી વ્હોરા   ૧૨૭૪

અન્ય           ૩૮૦૫

 

 

(3:38 pm IST)