Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દિવ્યતા, ભવ્યતા, અલૌકિકતાનો સંગમ એટલે ઉજ્જૈનનું મહાકાલ લોક કોરિડોર

લગભગ સાડા ત્રણ વર્ષની મહેનત બાદ મહાકાલ લોકના ખૂણે ખૂણે પથ્થરો કોતરીને મહાકાલનું એવું ભવ્યાતિભવ્ય સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે જેને જોતા આંખો માત્ર અભિભૂત થઇ તાકતી જ રહેશે : ભકતો મહાકાલેશ્વર જયોતિર્લિંગનાં દર્શન કરવા માટે ૯૪૬ મીટર લાંબા કોરિડોરથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચશે

.   અહીં ભગવાન શિવ, શકિત અને ધાર્મિક ઘટનાઓ સંબંધિત લગભગ ૨૦૦ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

.   આખા સંકુલમાં ફરવામાં ૫ થી ૬ કલાકનો સમય લાગશે પરંતુ આ સમયમાં હજારો વર્ષનો ધાર્મિક ઈતિહાસ જીવંત થઈ જશે.

.   સમગ્ર શિવપુરાણની કથાઓને લઇ દિવાલ પર અકલ્પનિય કોતરણી દ્વારા પ્રસંગો કંડારાયા છે.

.   દરેક પ્રસંગને એકથી લઇ ક્રમ મુજબ નંબર અપાયા છે. દરેકમાં નીચે સંસ્કૃત શ્લોક અને તે કયો પ્રસંગ છે તેની વિગતે માહિતી અપાઇ છે.

.   ઉજ્જૈનના રૃદ્ર સાગર તળાવના કાંઠે જે કોરિડોરની લાઇટીંગથી માહોલ બને છે તે ખરેખર દિવ્ય અને અતિભવ્ય

 

.   મહાકાલ મંદિરની આસપાસ ૮૫૬ કરોડ રૃપિયાના ખર્ચે મહાકાળ લોક ૨ ફેઝમાં બનાવવામાં આવી રહ્યું છે, જેના બીજા ફેઝનું કામ હાલ ચાલુ છે.

.   મહાદેવના આનંદ તાંડવને સમગ્ર કોરિડોરમાં ૧૦૮ સ્તંભોમાં દર્શાવવામાં આવ્યું છે.

.   કોરિડોરમાં બનાવવામાં આવેલી તેમજ બનાવવામાં આવી રહેલી મૂર્તિઓની કિંમત લગભગ ૪૫ કરોડ છે. જેને ગુજરાત અને રાજસ્થાનના કલાકારો દ્વારા મૂર્તિમંત કરવામાં આવી રહી છે.

.   કોરિડોરમાં ૧૮૦૦૦ મોટા છોડ રોપવામાં આવ્યા છે : આ માટે ખાસ આંધ્રપ્રદેશથી રૃદ્રાક્ષ, બીલિપત્ર અને શમીના છોડની આયાત કરવામાં આવી છે.

આકાશે તારકેલિંગમ્, પાતાળે હાટકેશ્વરમ્ટ્ટ મૃત્યુલોક અને મહાકાલમ્, ત્રયલિંગમ્ નમોસ્તુતે ।। શિવજીના આ મંત્ર પ્રમાણે ત્રણ લોક જણાવવામાં આવ્યા છે. આકાશ, પાતાળ અને મૃત્યુ લોક. આકાશ લોકના સ્વામી તારકલિંગ, પાતાળના સ્વામી હાટકેશ્વર અને મૃત્યુલોકના સ્વામી મહાકાલ. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નગરીમાં બિરાજતા દેવોના દેવ મહાકાલેશ્વર મહાદેવ જયોતિર્લિંગ થોડા સમયથી સમાચાર માધ્યમોની હેડલાઇન બન્યું હતું. કારણ અહિં અતિ ભવ્ય, દિવ્ય, અલૌકિક, અદભૂત મહાકાલ લોકના પહેલા ચરણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખુલ્લું મુકાયું. શું છે આ મહાલાક લોક? તે શા માટે અતિભવ્ય અને દર્શનિય છે? તાજેતરમાં આ લખનારે મહાકાલેશ્વર જયોતિર્લિંગના દર્શન બાદ આ અલૌકિક મહાકાલ કોરિડોરની મુલાકાત લીધી હતી અને તેની દિવ્યતા, ભવ્યતા અનુંભવી હતી.

હવે જયારે પણ તમે ઉજ્જૈન જશો ત્યારે તમને મહાકાલ મંદિરનો દેખાવ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળશે. અદ્ભૂત અને અલૌકિક મહાકાલ મંદિરમાં બનેલો આ કોરિડોર ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લગભગ સાડા ત્રણ વર્ષની મહેનત બાદ મહાકાલ લોકના ખૂણે ખૂણે પથ્થરો કોતરીને મહાકાલનું એવું ભવ્ય સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે જયાં તમારી આંખો માત્ર અભિભૂત થઇ તાકતી જ રહેશે.! અહીં ભગવાન શિવ, શકિત અને ધાર્મિક ઘટનાઓ સંબંધિત લગભગ ૨૦૦ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મહાકાલ કોરિડોરનું નિર્માણ ઐતિહાસિક શહેર ઉજ્જૈનના પ્રાચીન ગૌરવ પર ભાર આપવા માટે છે. આ જ કારણ છે કે તેના નિર્માણમાં પ્રાચીન મંદિર સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જયાં લોકોને તમામ અત્યાધુનિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. અહિં ધાર્મિક મહત્વની ઘણી વસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આખા સંકુલમાં ફરવામાં ૫ થી ૬ કલાકનો સમય લાગશે પરંતુ આ સમયમાં હજારો વર્ષનો ધાર્મિક ઈતિહાસ જીવંત થઈ જશે. અહીં સમગ્ર શિવપુરાણની કથાઓને લઇ દિવાલ પર અકલ્પનિય કોતરણી કરવામાં આવી છે. ભોલેનાથના લગ્નને પથ્થરો દ્વારા બતાવવામાં આવ્યા છે. અહિં શિવ વિવાહનું સ્ટોન ભીંતચિત્ર દેશનું સૌથી મોટું ૧૩૨ ફૂટ અને ૬ ફૂટ પહોળું છે. 'શ્રી મહાકાલ લોક' સામાન્ય અને વિશેષ મુલાકાતીઓ માટે દરરોજ સવારે ૬થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

હાલ તો કોરિડોરના પહેલા ચરણનેજ ખુલ્લો મુકાયો છે. કોરિડોર ને નિહાળવાની ખરી મજા રાતના લાઇટીંગ પછી છે. ઉજ્જૈનના રૃદ્ર સાગર તળાવના કાંઠે જે કોરિડોરની લાઇટીંગથી માહોલ બને છે તે ખરેખર દિવ્ય અને અતિભવ્ય છે. અમે જયારે કોરિડોરમાં જવા ચાર રસ્તાથી ચાલીને પ્રવેશ કર્યો ત્યારે દુર મહાકાલેશ્વર મંદિરનું શિખર અને તેની જમણીબાજુ અલૌકિક કોરિડોરની ઝાકજમાળ લાઇટોથી હ્રદય જુમી ઉઠ્યું. રૃદ્રસાગર તળાવમાં પડતું કોરિડોરનું પ્રતિબિંબ અને રંગીન લાઇટો તેમજ મહાદેવના શિખરને નિહાળી રહેલી આંખોથી મનમાં દિવ્યતાનો જે અહેસાસ થાય છે તે અનુંભવથીજ પામી શકાય તેવો છે. આગળ જતા કોરિડોરના કાંઠે રૃદ્ર સાગર તળાવ માં કલાત્મક ફુવારાઓ મન મોહી લેશે. હાલ તો કોરિડોરમાં પ્રવેશ ટીકિટ નથી પણ ભવિષ્યમાં પ્રવેશ ટીકિટનું પ્રાવધાન છે કારણ મુખ્ય દ્વાર (જે હાલ બંધ છે) તેની બાજુમાં લગભગ ૮ થી ૧૦ જેટલા ટીકિટ કાઉન્ટર બનાવાયા છે. તેની સામેજ અતિવિશાળ પાર્કિંગ સ્થળ બનાવાયું છે. અંદર પ્રવેશતાજ ચેકિંગ હાથ ધરાય છે જેમાં તમાકુ, ગુટખા, પાઉચ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ખાદ્ય સામગ્રી લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલુંજ નહીં શ્રી મહાકાલ લોકમાં સ્થાપિત શિવસ્તંભ અને મૂર્તિઓને સ્પર્શ કરનારા, ઉભા રહીને, અયોગ્ય જગ્યાએ ઊભા રહીને સેલ્ફી લેનારા, ફૂલો અને પાંદડા તોડનારા, ભીંતચિત્રની પ્રતિમા પર લખવા અથવા તોડનારાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ પણ છે.! અમે જેવા આગળ વધ્યાં કે ભગવાન શિવના પુત્ર ગણેશજીની વિશાળ પ્રતિમાના દર્શન થયા અને તેની સામેજ અતિભવ્ય આઠ કલાત્મક પીલરો પર ઉભેલો નંદિદ્વાર નજરે ચડ્યો. જે દ્વાર પર ચાર નંદિ દ્વારપાળની જેમ રક્ષા કરતા હોય તેવો ભાસ થાય છે.

આગળ વધતા આ સૌથી વિશાળ કોરિડોરની ભવ્યતા નજરે ચડે છે. આ કોરિડોરમા પ્રવેશવા બે ભવ્ય પ્રવેશદ્વાર - નંદી ગેટ અને પિનાકી ગેટ બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના મુખ્ય દ્વાર તરફ દોરી જાય છે. મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં ૧૦૮ અતિ ભવ્ય કલાત્મક કોતરણીઓથી મઢેલા થાંભલાઓ બનાવવામાં આવ્યા છે. મહાકાલ મંદિરની આસપાસ ૮૫૬ કરોડ રૃપિયાના ખર્ચે મહાકાળ લોક ૨ ફેઝમાં બનાવવામાં આવી રહ્યું છે, જેના બીજા ફેઝનું કામ હાલ ચાલુ છે. ભકતો મહાકાલેશ્વર જયોતિર્લિંગનાં દર્શન કરવા માટે ૯૪૬ મીટર લાંબા કોરિડોરથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચશે. ભકતો કોરિડોરમાં મહાકાલનાં વિવિધ સ્વરૃપોનાં દર્શન કરી શકશે. ૯૧૦ મીટરમાં પથરાયેલું આ આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું નજરે પડશે. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં જે સુંદર રીતે મહાકાલ વનની કલ્પના રજૂ કરવામાં આવી છે, તેને સેંકડો વર્ષો પછી વાસ્તવિકતા આપવામાં આવી છે.

કોરિડોરમાં બનેલી વિશાળ મૂર્તિઓમાં વેદ, પુરાણોમાં વર્ણવેલ ભગવાન મહાદેવના વિવિધ સ્વરૃપો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ૨૦૦ થી વધુ શિલ્પો અને અતિ ભવ્ય ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે જેમાં મહાદેવ ત્રિપુરાસુરનો વધ કરે છે, સાત પિલરો પર બેસેલા સપ્ત ઋષિ મૌન ધ્યાન કરે છે, ભગવાન શિવ કમળના પૂલમાં બેઠા છે, મા ગૌરી ગણેશને લાડ કરે છે, ભગવાન કાર્તિકેય વગેરે. ભગવાન શિવના વિવિધ અવતારોને મૂર્તિ રૃપે અહિં દર્શાવાયા છે. શિવપુરાણના દરેક પ્રસંગોને શરૃઆતથી લઇ અંત સુધી બખુબી રજુ કરાયા છે. જેમાં બીજા ચરણનું કામ બાકી છે. જયારે પહેલા ચરણમાં રજુ થયેલ દરેક ભિંત પર કોતરાયેલ પ્રસંગોને અકલ્પનિય રીતે રજુ કરાયા છે. તમે સાક્ષાત તે પ્રસંગમાં ખોવાઇ જાવ તેવું નિરૃપણ કરાયું છે. આ દરેક પ્રસંગને એક (૧) થી લઇ ક્રમ મુજબ નંબર અપાયા છે. દરેકમાં નીચે સંસ્કૃત શ્લોક અને તે કયો પ્રસંગ છે તેની વિગતે માહિતી અપાઇ છે. દરેક ઉપર રહેલી અતિસુંદર લાઇટીંગથી તે ઓર નીખરી ઉઠે છે. વધુમાં મહાદેવના આનંદ તાંડવને સમગ્ર કોરિડોરમાં ૧૦૮ સ્તંભોમાં દર્શાવવામાં આવ્યું છે. ૨૦.૨૩ હેકટર વિસ્તારમાં બનેલા આ કોરિડોરનો દરેક કણ ભારત-ભૂમિના હજારો વર્ષ જૂના ધાર્મિક વૈભવની વાર્તા કહે છે.

આગળ જતા નંદિ પ્રવેશદ્વારની ડાબી બાજુ કલરફુલ ફુવારા, હાથી, કમળ અને વચ્ચે મહાદેવની વિશાળ ધ્યાનસ્થ પ્રતિમાં છે. જેની જટામાંથી પણ ગંગા વહેતી હોય તેવું નિરૃપણ કરાયું છે. આજુ બાજુ બેસવા માટે સુંદર વ્યવસ્થા પણ છે. ત્યાંથી આગળ જતાજ નીચે રમણીય નાઇટ ગાર્ડનનો સુંદર નજારો જોવા મળે છે. જયાં રૃદ્ર સાગરના કિનારે બેસી સમગ્ર તળાવને જોઇ શકાય છે તેમજ ઉજ્જૈનની ભવ્યતા અને દિવ્યતાના દર્શન કરી શકાય છે. કોરિડોરમાં ઘણી વસ્તુઓ બનાવવામાં આવી છે અને હજી આવનાર પણ છે. જેમ કે- શિવ તાંડવ સ્તોત્ર, શિવ વિવાહ, મહાકાલેશ્વર વાટિકા, મહાકાલેશ્વર માર્ગ, શિવ અવતાર વાટિકા, ધર્મશાળા, પાર્કિંગ સેવા વગેરે. આ કોરિડોરના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા ૪૨૨ કરોડ રૃપિયા, મંદિર સમિતિ દ્વારા ૨૧ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા બાકીના રૃપિયા આપવામાં આવ્યા છે. મહાકાલ કોરિડોર પ્રોજેકટ હેઠળ, રૃદ્રસાગર બાજુ પર ૯૨૦ મીટર લાંબા કોરિડોર, મહાકાલ મંદિરના પ્રવેશદ્વાર, દુકાનો, મૂર્તિઓનું નિર્માણ ૭ માર્ચ, ૨૦૧૯ ના રોજ શરૃ થયું હતું. ગુજરાતની એક પેઢી આ કામ કરાવી રહી છે. અગાઉ તે સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂર્ણ થવાનું હતું. પરંતુ ઘણી વખત લંબાતા પહેલું ચરણ ૨૦૨૨ માં ખુલ્લું મુકાયું.

આ સંકુલ એટલું વિશાળ છે કે સમગ્ર મંદિર સંકુલની મુલાકાત લેવા અને ઝીણવટપૂર્વક દર્શન કરવામાં ૫ થી ૬ કલાકનો સમય લાગશે. આ વિશાળ વિસ્તારમાં ભગવાન શિવના ૧૯૦ વિવિધ સ્વરૃપોના દર્શન થશે. શિવ તાંડવ સ્તોત્રથી લઈને શિવ વિવાહ અને અન્ય પ્રસંગો પણ સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. જેમાં મહાકાલેશ્વર વાટિકા, મહાકાલેશ્વર માર્ગ, શિવ અવતાર વાટીકા, પ્રવચન હોલ, નવું શાળા સંકુલ, ગણેશ વિદ્યાલય સંકુલ, રૃદ્રસાગર બીચ ડેવલપમેન્ટ, હાફ પાથ વિસ્તાર, ધર્મશાળા અને પાર્કિંગની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. દર કલાકે લગભગ એક લાખ શ્રદ્ઘાળુઓ આ કોરિડોરની મુલાકાત લઈ શકશે. ત્રિવેણી મ્યુઝિયમ પાસે મહાકાલ પથનો મોટો દરવાજો બનાવવામાં આવી રહ્યો છે અને વચ્ચે ફુવારા, લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ હશે. તેની સામે ભકતો માટે મંડપ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધા લગભગ ચાર હજાર શ્રદ્ઘાળુઓને સમાવી શકે છે. કેન્દ્રમાં ૬૦૦૦ મોબાઈલ લોકર ઉપરાંત સામાન સંગ્રહવાળો કલાસ રૃમ પણ હશે. જયારે મહાકાલ કોરિડોરના બીજા તબક્કામાં મહારાજવાડા, રૃદ્ર સાગર રિનોવેશન, છોટા રૃદ્ર સાગર તળાવના કિનારે, રામ ઘાટનું બ્યુટિફિકેશન, પાર્કિંગ અને પર્યટન માહિતી કેન્દ્ર, હરિ ગેટ બ્રિજ અને રેલવે અંડરપાસ પહોળો, રૃદ્ર સાગર પર ફૂટબ્રિજ, મહાકાલ ગેટ, બાગ-બાગ માર્ગ, રૃદ્ર સાગર વેસ્ટર્ન રોડ અને મહાકાલ એકસેસ રોડ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કોરિડોરનો પ્રથમ તબક્કો ૩૧૬ કરોડમાં પૂર્ણ થયો છે. મહાકાલ મંદિરને ચારે બાજુથી ખુલ્લું બનાવવામાં આવી રહ્યું છે. કોરિડોર એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે કે એક લાખ લોકોની ભીડ હોય તો પણ ભકતો ૩૦ થી ૪૫ મિનિટમાં દર્શન કરી શકશે. શ્રી મહાકાલ લોક સંકુલ ની સુરક્ષા માટે અહિં ૪૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા કંટ્રોલ રૃમ સાથે જોડાયેલ છે. મહાકાલેશ્વર જયોતિલિંગની સાથે હવે ભોળાનાથના ભકતો સમગ્ર કોરિડોરને નિહાળી માણી શકશે તેમજ શિવપુરાણની સમગ્ર કથા જાણી શકશે. આ સ્માર્ટ યોજના હેઠળ કોરિડોરમાં બનાવવામાં આવેલી તેમજ બનાવવામાં આવી રહેલી મૂર્તિઓની કિંમત લગભગ ૪૫ કરોડ છે. જેને ગુજરાત અને રાજસ્થાનના કલાકારો દ્વારા મૂર્તિમંત કરવામાં આવી રહી છે. જાણીને નવાઈ લાગશે કે કોરિડોરમાં ૧૮૦૦૦ મોટા છોડ રોપવામાં આવ્યા છે. આ માટે ખાસ આંધ્રપ્રદેશથી રૃદ્રાક્ષ, બીલિપત્ર અને શમીના છોડની આયાત કરવામાં આવી છે. સાથે સુંદર રમણીય ફુલ છોડ શોભામાં અભિવૃધ્ધી કરે છે. હવે મહાકાલેશ્વર મહાદેવના દર્શનની સાથે લોકો મહાકાલ લોકની દિવ્યતા, અલૌકિકતા અને ભવ્યતાની અનુંભૂતિ પણ કરશે. જય મહાકાલ..

ગો-કાર્ટની સુવિધા...

મહાકાલ લોક વ્યવસ્થિત રીતે નિહાળવા હાલ ૫ થી ૬ કલાકનો સમય જોઇએ છે. જો કોઇ ચાલી નથી શકતું તો તેના માટે વ્હિલચેર તેમજ વૃધ્ધો અને અન્ય લોકો કે જેઓ મહાકાલ લોક નિહાળવા માગે છે તેના માટે ગો-કાર્ટની સુવિધા રખાઇ છે. હાલ બે ગો-કાર્ટ ની સુવિધા છે જેમાં ભવિષ્યમાં વધારો કરાશે. જોકે તેના માટે ટીકિટ પણ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે.

મ્ય્ કોડથી મૂર્તિઓ વિશે જાણી શકાશે..!

અહીં ભકતોને ભગવાન શિવ સાથે જોડાયેલી વાતો જાણવાનો મોકો મળશે. અહીં તમે સપ્તર્ષિ, નવગ્રહ મંડળ, ત્રિપુરાસુર સંહાર સાથે નંદીની વિશાળ પ્રતિમા જોઈ શકશો. જો તમે આ મૂર્તિઓ વિશે ઊંડાણપૂર્વક જાણવા માગો છો, તો તમારે મ્ય્ કોડ સ્કેન કરવો પડશે.

કોડ સ્કેન કરવાથી તમારા મોબાઇલમાં તે પ્રસંગની તમામ વિગતો આવી જશે. મ્ય્ કોડથી કોરિડોરમાં રહેલી તમામ મૂર્તિઓ અને તે પ્રસંગની ખાસીયત વિશે જાણી શકાશે.

મહાકાલ લોકના પ્રથમ અને બીજા તબક્કામાં શું છે ?

પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં મહાકાલ પથ, મહાકાલ વાટિકા, મહાકાલ પ્લાઝા, મિડવે ઝોન, મહાકાલ થીમ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. બીજા તબક્કામાં મહારાજવાડા, રૃદ્ર સાગર રિનોવેશન, છોટા રૃદ્ર સાગર તળાવના કિનારે, રામ ઘાટનું બ્યુટિફિકેશન, પાર્કિંગ અને પર્યટન માહિતી કેન્દ્ર, હરિ ગેટ બ્રિજ અને રેલવે અંડરપાસ પહોળો, રૃદ્ર સાગર પર ફૂટબ્રિજ, મહાકાલ ગેટ, બાગ-બાગ માર્ગ, રૃદ્ર સાગર વેસ્ટર્ન રોડ અને મહાકાલ એકસેસ રોડ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કોરિડોરનો પ્રથમ તબક્કો ૩૧૬ કરોડમાં પૂર્ણ થયો છે.

કોરિડોરમાં ૧૦૦૦

લોકોને મળશે રોજગાર...!

આ ભવ્ય કોરિડોરને ચલાવવા માટે એક હજાર લોકોની પણ જરૃર પડશે. તેના દ્વારા એક હજાર લોકોને રોજગારી આપવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ લોકોની સમિતિ દ્વારા મેનેજર, રિસેપ્શન, ટિકિટ કાઉન્ટર, રેસ્ટોરન્ટ, દુકાનો, વાહન, લિફટ, સ્વચ્છતા, સુરક્ષા ગાર્ડ વગેરે માટે નિમણૂક કરવામાં આવશે. જેની કામગીરી આરંભી દેવાઇ છે.

દેશનું પ્રથમ

નાઈટ ગાર્ડન..!

આ કોરિડોરમાં કુલ ૧૦૮ કલાત્મક થાંભલાઓ ઉભા કરાયા છે. જેના પર ભગવાન શિવની વિવિધ મુદ્રાઓ બનાવવામાં આવી છે. આ કોરિડોરને સુંદર લાઇટિંગ અને શિલ્પોથી શણગારવામાં આવ્યો છે. મહાકાલ કોરિડોરમાં દેશનો પહેલો નાઇટ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. જયાં ભગવાન શિવ સાથે સંબંધિત કુલ ૨૦૦ જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે છે જેમાંની પહેલા તબક્કામાં સ્થાપિત કરાઇ છે.

 

(4:16 pm IST)