Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

હું પ્રજાની વચ્‍ચે રહીશ, મારૂ કોઈને પણ કામ પડશે ત્‍યારે હંમેશ હું હાજર રહીશઃ રમેશભાઈ ટીલાળા

ભાજપે રાજકોટ જ નહી સમગ્ર રાજયનો સંતુલીત વિકાસ કર્યોઃ ગોવિંદભાઈ પટેલ

રાજકોટઃ રાજકોટ વિધાનસભા-૭૦ પરથી ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના વોર્ડ નં. ૧૮ના ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રાજકોટ-૭૦ના વર્તમાન ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ભાજપે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્‍યનો સંતુલિત વિકાસ કર્યો છે અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવા પગલા લીધા છે.  આ વિસ્‍તારમાં રહેતા લોકો તેમજ વ્‍યવસાયિક એકમો ધરાવતા લોકોના પ્રશ્નો પરત્‍વે ભાજપ હંમેશા જાગળત રહ્યો છે અને તેના નિવારણ માટે પૂરતા પ્રયાસો કર્યા હોવાનું અખબારી યાદીમાં જણાવેલ.

આ તકે ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે, રમેશભાઈ ટીલાળા એક સારુ અને સરળ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે જે અનેક પ્રકારના સેવાકીય કામો પણ કરે છે. ભાજપને કાયમ ગુજરાતના લોકો વોટ આપીને વિજયી બનાવતા આવ્‍યા છે જેનુ કારણ છે ભાજપ અવિરતપણે પ્રજાલક્ષી કાર્યો કરે છે. ૨૦૧૪ માં જ્‍યારે સંપૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર આવી ત્‍યારે કોંગ્રેસ સરકારે ઘણા કૌભાંડો કરેલા જેના ખાડા પૂરતા ૮ વર્ષ થઈ ગયા, આપણે સૌ ૪૫૦ વર્ષથી જેની પ્રતીક્ષા કરીએ છીએ, એ રામ મંદીર બનાવવાનું સપનુ ભાજપે પૂર્ણ કર્યું છે, એવુ કહી શકાય. આવા અનેક  પ્રશ્નોનું નિરાકરણ ભાજપના શાસનમાં આવ્‍યું છે.

રમેશભાઈ ટીલાળાએ પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, હું એક ખેડુત પુત્ર છું, હું બધા લોકોને ખાત્રી આપુ છું, જ્‍યારે પણ કોઈને પણ મારૂ કામ પડશે ત્‍યારે હું હાજર રહીશ, હું ઘણી સેવાકીય સંસ્‍થા સાથે જોડાયેલો છું. નાનામાં નાના લોકોના પ્રશ્નો, ખેડુતોની સમસ્‍યાઓથી હું સારી રીતે વાકેફ છું. આ વિસ્‍તારને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનો મારો પ્રત્‍યન રહેશે, હું લોકોની તમામ સમસ્‍યાઓ અને સવાલોનું નિરાકરણ કરું અને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આ મતવિસ્‍તારને સર્વોત્તમ બનાવું.

આ અવસરે વોર્ડ નંબર ૧૮ના પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ ધવાએ જણાવ્‍યું હતું કે અત્‍યારે કેન્‍દ્રમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીન સરકાર કાર્યરત છે. આ ડબલ એન્‍જીનની સરકાર ગુજરાતને વધુ સારૂ અને શ્રેષ્ઠ બનાવવા ઈચ્‍છે છે ત્‍યારે આપણને આ કાર્યમાં સહભાગી થવાની એક તક મળી છે. રમેશભાઈ ટીલાળા એક ખેડુત પુત્રથી લઈને એક સફળ ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક છે જે અનેક સેવાકીય પ્રવળત્તિઓ કરે છે અને લોકોની મદદ કરે છે.

આ પ્રસંગે પૂર્વ સ્‍ટેંન્‍ડીંગ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ બુસા, પ્રભારી જીગ્નેશભાઈ, મહામંત્રી હીતેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવીભાઈ હમીરપરા, કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસીંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા તેમજ ડોકટરો, વકીલો  તેમજ કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

 

(4:49 pm IST)