Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મનપાએ સરકાર પાસે ખોળો પાથર્યો : જમીન વેંચવાની છૂટ આપો

તંત્રની તિજોરી પર ખુબ જ આર્થિક સંકડામણ : રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનનો ૪૦૦ કરોડનો ટાર્ગેટઃ રાજયની તમામ મહાનગર પાલિકાની રજૂઆત : નવા વર્ષથી છૂટ આપવા સરકારની ખાત્રી

રાજકોટ તા. ૧૮ : કોઇપણ તંત્ર હોય તેને ચલાવવા માટે આર્થીક આવક ખુબ જ જરૂરી છે, ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્‍થિતિ સંકડામણભરી થઇ છે. જેથી તંત્ર દ્વારા આવક મેળવવા કે ઉભી કરવા પ્રયત્‍નો શરૂ કરવામાં આવ્‍યા છે.

આ અંગે રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યભરના મનપા તંત્ર દ્વારા રાજ્‍ય સરકારને પોતાની આર્થિક સ્‍થિતિનો સમગ્ર ચિતાર રજૂ કર્યો છે. સાથે જ હાલમાં રાજ્‍ય સરકાર દ્વારા મનપા હસ્‍તકની જમીનો વેચવા માટે મનાઇ કરી હોય તે ઉઠાવી લેવા પણ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆત અંગે સરકારે પણ હકારાત્‍મક વલણ દાખવી નવા વર્ષથી મનપા હસ્‍તકની જમીનો વેંચવા દેવા માટે ખાતરી આપી છે. પણ પ્રશ્ન એ છે કે આવતા વર્ષ સુધી તંત્રના ખર્ચ કઇ રીતે પુરા થશે ?

 મ્‍યુનિ. કોર્પોરેશનની ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ૨૩ અબજનું બજેટ વેરવિખેર થવા પાછળ ચૂંટણીના કારણે સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ઉદ્‌ઘાટનો અને ઉત્‍સવો ઉજવા પાછળ અંદાજ કરતા પણ અનેકગણો ખર્ચ વધી ગયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ મનપા તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજીત ૨૩૩૪ કરોડનું બજેટ બનાવાયું છે. જેમાં તંત્રએ રેવન્‍યુમાં ૮૦૦ કરોડ અને કેપીટલમાં ૪૯૮ કરોડ તથા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટની રૂા. ૯૬૮ કરોડ એમ કુલ ૨૩૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો ત્‍યારે આજદિન સુધીમાં કોર્પોરેશનની રેવન્‍યુ અને કેપીટલમાં ૬૦૦ કરોડની આવક તથા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટની ૪૫૫ કરોડ સહિત કુલ ૧૦૧૦ કરોડની આવક થવા પામી છે.

સરકારી ગ્રાન્‍ટ અંદાજ મુજબ મળતી ન હોવાથી અનેક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ છે. મ્‍યુનિ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ ગણાતી મિલકત વેરાની આજની સ્‍થિતિએ ૨૩૦ કરોડથી વધુની આવક થવા પામી છે. જ્‍યારે ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરાનો ૩૪૦ કરોડની લક્ષ્યાંક પૂર્ણ કરવા ૧૧૦ કરોડ જેટલું છેટુ છે. હવે વર્ષ પૂર્ણ થવામાં અઢી મહિના બાકી છે ત્‍યારે આ લક્ષ્યાંક પૂર્ણ કેમ કરવો ? તેની ચિંતા અધિકારીઓને સતાવી રહી છે.

આમ, આ વર્ષે આવક બાજુએ કરોડોનું ગાબડુ પડવાની ભીતી સર્જાય છે ત્‍યારે રિવાઇઝ બજેટમાં વેરા આવકનો લક્ષ્યાંક ઘટાડવો પડે તેવી સ્‍થિતિ સર્જાય છે. તેમજ મનપા તંત્રની જમીનો વેંચી ટાર્ગેટ પુરો કરવા સરકારને પત્ર લખ્‍યો છે. આ વર્ષે ૪૦૦ કરોડની જમીન વેંચી આવક ઉભી કરવાનો મનપાનો લક્ષ્યાંક છે.

(4:46 pm IST)