Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા કાલે રાજકોટમાં: યુવા સંમેલનમાં હાજરી

શ્રી ઓમ કોલેજ- વિઝન સ્‍કૂલ ખાતે આયોજીત ‘રાષ્‍ટ્રીય શિક્ષણનીતિથી ભારતીય યુવાનોનું ઘડતર' શિર્ષક હેઠળ સંમેલનમાં માર્ગદર્શન આપશેઃ વિદ્યાર્થીઓ દ્વારા રેડકાર્પેટથી સ્‍વાગત કરાશેઃ ડો.પરેશ રબારી

રાજકોટઃ સૌપ્રથમ શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા  આવતીકાલે શુક્રવારના રોજ સવારે ૯ કલાકે યુવા આગેવાન ડો.પરેશભાઈ રબારીના આમંત્રણને માન આપીને શ્રી ઓમ કોલેજ- વિઝન સ્‍કૂલ, કુવાડવા રોડ દ્વારા આયોજીત રાષ્‍ટ્રીય શિક્ષણનીતિથી ભારતીય યુવાનોનું ઘડતર' શિર્ષક સાથે યુવા સંમેલનમાં ખાસ હાજરી આપવાના છે.

શ્રી પાનશેરીયા દ્વારા શિક્ષણ વિભાગનો હવાલો સંભાળ્‍યા બાદ શૈક્ષણિક રીતે આમુલ પરિવર્તનો લાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા નવી શિક્ષણનીતિનો પાયો ભારતભરમાં નખાઈ ચુકયો છે. ત્‍યારે ગુજરાતમાં તેનો મજબૂતાઈથી અમલ કરવા માટે શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ મકકમ નિર્ધાર કરેલ છે, નવી શિક્ષણનીતિમાં યુવાનોને કઈ રીતે ભાગીદાર બનાવી શકાય તે માટે આ યુવા સંમેલનમાં ખાસ માર્ગદર્શન આપશે.

શ્રી ઓમ કોલેજ દ્વારા શિક્ષણમંત્રીનું રંગારંગ ભાતીગળ સંસ્‍કૃતી મુજબ સૌપ્રથમ રેડ કારપેટ રાસ- ગરબાથી સ્‍વાગત કરાશે. તેમજ ૭૦૦થી વધારે યુવાનો શિક્ષણમંત્રીશ્રીના આ કાર્યક્રમમાં ભાગ લઈને માર્ગદર્શન મેળવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્રની એકમાત્ર શ્રી ઓમ કોલેજ દ્વારા દેશ માટે કામ કરનાર શહિદો, આર્મીના જવાનો અને પત્રકારોના સંતાનોને ૫૦ ટકા સ્‍કોલરશીપ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયરશ્રી ડો.પ્રદિપભાઈ ડવ, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, કુલપતિશ્રી ડો.ગિરીશભાઈ ભીમાણી, ધારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડ, અન્‍ય સામાજિક આગેવાનો તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના સિન્‍ડીકેટ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે.

આ યુવા સંમેલનને સફળ બનાવવા માટે શ્રી ઓમ કોલેજ અને વિઝન સ્‍કૂલના ટ્રસ્‍ટી અને સંચાલકશ્રીઓ પરેશભાઈ હાપલીયા, કેતનભાઈ ખટાણા, પરેશભાઈ લીંબાસીયા અને પરેશભાઈ રબારી (મો.૯૯૭૯૪ ૧૦૦૦૧) જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:32 am IST)