Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રિક્ષાચાલક દિપકને વ્‍યાજખોરે ધંધા વગરનો કર્યોઃ રિક્ષા ભંગારમાં વેંચાવી વ્‍યાજ વસુલ્‍યું, ગામ મુકાવી દીધું: ૪૦ના ૫૧ હજાર દીધા છતાં ૩ લાખ માંગ્‍યા!

બેડીપરામાં ભાડેથી રહેતાં યુવાનની કરૂણ કથનીઃ બે કોરા ચેકમાં દોઢ-દોઢ લાખ રકમ ભરી રીટર્ન કરાવી કેસ પણ ઠોક્‍યોઃ અન્‍ય રિક્ષાચાલકે લીધેલી રકમ પણ દિપક માથે નાંખી દીધીઃ બી-ડિવીઝન પોલીસે પારેવડી ચોકમાં રહેતાં સાગર વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: વ્‍યાંજકવાદ સામેના અભિયાન દરમિયાન વ્‍યાજખોરીનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં બેડીપરામાં રહેતાં રિક્ષાચાલક યુવાને રિક્ષા ખરાબ થઇ હોઇ મિત્રના સાળા પાસેથી પ્રારંભે ૧૫ હજાર મળી કટકે કટકે કુલ ૪૦ હજાર વ્‍યાજે લઇ તેની સામે ૫૧ હજાર આપી દીધા હોઇ તેમ છતાં તે વધુ ૩ લાખ માંગી ધમકાવતો હોઇ આ યુવાનને ગામમાંથી હીજરત કરવી પડી હતી. એટલુ જ નહિ વ્‍યાજની ઉઘરાણી માટે વ્‍યાજખોરે આ યુવાનની રિક્ષા પણ ભંગારના ડેલે લઇ જઇ ૮૦૦૦માં ભંગારના ભાવે વેંચી વ્‍યાજ વસુલી લીધુ હતું!

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડીપરા મુળા ભગતની મેલડીવાળી શેરીમાં ભાડેથી રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં દિપક જીવણભાઇ રામાવત (ઉ.૩૨)ની ફરિયાદ પરથી પારેવડી ચોક અક્ષરધામ કોમ્‍પલેક્ષ ફલેટ નં. ૨૦૨માં રહેતાં સાગર નારાયણભાઇ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

દિપક રામાવતે જણાવ્‍યું છે કે મારા પિતાજી ગુજરી ગયા છે, માતા મોંઘીબેન રસોડાના કામ કરે છે. મારી પત્‍નિ સુમન પણ ઘરકામ કરે છે. મારે ત્રણ સંતાન છે. પાંચેક વર્ષ પહેલા મેં સીએનજી રિક્ષા ચલાવતો હોઇ તે ખરાબ થઇ જતાં મિત્ર કાના મગનભાઇ રામાવતને વાત કરી હતી કે રિક્ષા ખરાબ છે અને પૈસાની જરૂર છે. જેથી તેણે કહેલું કે મારા સાળા સાગર પાસેથી તને પૈસા અપાવી શકું. આ પછી તેણે સાગરને ફોન કરી કહેલું કે મારા મિત્ર દિપકને પૈસાની જરૂર છે તેને તારી પાસે મોકલુ છું. હું સાગરની ઓફિસે ગયો હતો અને ૧૫ હજારની જરૂર છે તેમ કહેતાં સાગરે પોતે વ્‍યાજનો ધંધો કરતો હોઇ ૧૫ની સામે ૧૩૫૦૦ આપશે અને ૧૫૦૦ રૂપિયા દસ ટકા વ્‍યાજ લેખે કાપી લેશે.

આથી મેં હા પાડી હતી અને ૧૩૫૦૦ લીધા હતાં. જેનું વ્‍યાજ નિયમીત ભરતો હતો. એ પછી મારી સાથે રિક્ષા ચલાવતાં વલ્લભભાઇ કોળીને પૈસાની જરૂર હોઇ મેં તેની ઓળખાણ પણ સાગર સાથે કરાવતાં સાગરે વલ્લભભાઇના સોનાના બુટીયા ગીરવે રાખી ૫ હજાર દીધા હતાં. એ પછી વલ્લભભાઇ આ રકમ ભરી ન શકતાં સાગરે તેની રકમ પણ મારા ઉપર ચડાવી દીધી હતી અને આકરી ઉઘરાણી ચાલુ કરી હતી.   તેણે હવે તારે વલ્લભભાઇના પૈસા પણ દેવા પડશે તેમ કહી ધમકી આપી હતી. ત્‍યરાબાદ મારે ધંધો ન હોઇ ફરીથી સાગર પાસેથી ૨૦ હજાર ૧૦ ટકા વ્‍યાજે લીધા હતાં. જેમાંથી ૨ હજાર કાપીને મને ૧૮ હજાર જ આપયા હતાં.

સાગરને અમુક મહિના વ્‍યાજ ભર્યા પછી મારી હાલત ખરાબ હોઇ ત્રણ માસનું વ્‍યાજ ચડી ગયું હતુ. તે ઉઘરાણી માટે આવતાં મારી પત્‍નિ બિમાર હોઇ પૈસા નથી તેમ કહેતાં તેણે ગાળો દીધી હતી અને કહ્યુ઼ હતું કે-હવે તારી રિક્ષા વેંચીને મને વ્‍યાજ આપી દે. ત્‍યારબાદ તે બળજબરીથી મારી રિક્ષા લઇ ભાવાગનર રોડ પર ભંગારના ડેલા પર લઇ ગયેલો જ્‍યાં ભંગારના ભાવે મારી રિક્ષા વેંચાવી ૮૦૦૦ તેણે લઇ લીધા હતાં. આ પછી પણ તેણે વ્‍યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને મારી પત્‍નિની હાજરીમાં પણ ગાળો દેતો હતો. ચારેક વર્ષ પહેલા સાગરે કહેલું કે તું મને સિક્‍યુરીટી પેટે ચેક લખી દે. ધમકાવીને મારી પાસે બે કોરા ચેક લઇ ગયો હતો. એ પછી સાગરના ત્રાસથી કંટાળી હું રાજકોટ મુકી સુરેન્‍દ્રનગર જતો રહ્યો હતો. પાછળથી સાગરે મારા બે ચેકમાં દોઢ દોઢ લાખની રકમ ભરી બેંકમાં નાખી રીટર્ન કરાવ્‍યા હતાં અને મારા પર ફરિયાદ કરી હતી.

સાગર પાસેથી મેં કટકે કટકે કુલ ૪૦ હજાર લીધા હતાં. તેના ૫૧ હજાર ભરપાઇ કરી દીધા છે છતાં વધુ ૩ લાખ માંગી હેરાન કરે છે. મારી ૧૦૦૧ નંબરની રિક્ષા પણ તેણે ભંગારમાં વેંચાવી નાખી હોઇ હું ધંધા વગરનો થઇ ગયો હતો. હાલમાં વ્‍યાજખોરી વિરૂધ્‍ધ ગુના દાખલ થતાં હોઇ અંતે હું ફરિયાદ કરવા પહોંચ્‍યો હતો તેમ વધુમાં દિપકે જણાવતાં પીઆઇ આર. જી. બારોટે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:55 am IST)