Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

દીકરાનું ઘર યોજે છે વિશીષ્‍ટ કાર્યક્રમ : ૯૦ વર્ષથી વધુ વયના દંપતીઓનું સન્‍માન કરાશે

જીંદાદિલ રહીએ જનાબ, યે ચહેરે પે ઉદાસી કૈસી ? વકત તો બીત હી રહા હૈ, ઉમ્ર કી ઐસી કી તૈસી : મા-બાપને સાથે રાખી સેવા કરતા પરિવારજનોને પણ સન્‍માનિત કરાશે

રાજકોટ, તા., ૧૯: શહેરમાં ૧૯૯૮માં સમાજનાન  નિરાધાર માવતરો માટે સ્‍થપાયેલ સંસ્‍થા દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ રપ વર્ષથી રાજકોટના ભાગોળે આવેલ ધરતીપુત્રનું ઐતિહાસિક ગામ ઢોલરા ખાતે કાર્યરત છે. જેમાં હાલ પ૪ વડીલો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહયા છે.

ભારતીય સંસ્‍કૃતિમાં મા-બાપને ભગવાનથી પણ વિશેષ સ્‍થાન આપવામાં આવ્‍યું છે ત્‍યારે દીકરાનું ઘર પોતાનું રજત જયંતી વર્ષ સેવામય રીતે સમગ્ર વર્ષ ઉજવવા જઇ રહયું છે ત્‍યારે આગામી તા.૧૪ ફેબ્રુઆરી વેલેન્‍ટાઇન ડે નિમિતે વડીલ વંદનાનો ભાવુક કાર્યક્રમ યોજવા જઇ રહી છે. જેમાં રાજકોટ શહેરમાં વસતા ૯૦ વર્ષથી ઉપરના માવતરોની વંદના કરાશે. પોતાના દેવદુત સમા મા-બાપને પરીવારમાં સાથે રાખી સેવા કરતા પરીવારજનોનું પણ સન્‍માન કરાશે. રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાવા જઇ રહયો છે.

કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો જોડાનાર છે. સમાજમાં એક સારો મેસેજ જાય, લુપ્ત થતી સંયુકત પરિવારની ભાવના મજબૂત બને, એવા ભાવથી આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ભાગ લેવા સમાજને હૃદય સ્‍પર્શી અપીલ છે.

સંસ્‍થાના સ્‍થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, કિરીટભાઇ આદ્રોજા સહિતના મહાનુભાવો દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા પરિવારો સંસ્‍થાની ઓફીસ ૩૦પ, ગુરૂરક્ષા કોમ્‍પલેક્ષ,  ભારત ટ્રાવેલ્‍સની બાજુમાં, ટાગોર રોડ, વિરાણી ચોક ખાતે સાંજે ૪ થી ૭ દરમિયાન સંપર્ક કરે અથવા મુકેશ દોશી ૯૮રપ૦ ૭૭૭રપ, સુનીલ વોરા ૯૮રપ૧ ૧૭૩ર૦, અનુપમ દોશી ૯૪ર૮ર ૩૩૭૯૬ અને નલીન તન્ના, ૯૮રપ૭ ૬પ૦પપ ઉપર સંપર્ક કરે. આયોજન યશસ્‍વી બને તે માટે સંસ્‍થાના મોભી મૌલેશભાઇ  ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, દોલતભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, ધીરૂભાઇ રોકડ, હસુભાઇ રાચ્‍છ, ડો. નિદત બારોટ સહિતના માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

(4:51 pm IST)