Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ભુખ હડતાલ દરમિયાન અમુલ ઇન્‍ડસ્‍ટ્રીના એક કર્મચારીની તબિયત લથડતાં હોસ્‍પિટલમાં ખસેડાયો

પગાર-પીએફ સહિતના મુદ્દે આજી વસાહત અમુલ ઇન્‍ડસ્‍ટ્રીના ૪૫૦ કર્મચારીઓ કરી રહ્યા છે હડતાલ

રાજકોટ તા. ૧૯: આજી વસાહતમાં આવેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના સાડા ચારસો જેટલા કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી ન્‍યાયની માંગણી સાથે ભુખ હડતાલ કરી રહ્યા છે. જેમાંથી એકની તબિયત આજે બપોરે લથડી જતાં સારવાર માટે સિવિલ  હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

માંડા ડુંગર પાસે ગોકુલપાર્ક-૪માં રહેતો રણધીર સુરેશભાઇ ઠાકુર (ઉ.૪૦) નામના મુળ બિહારનો યુવાન આજી વસાહત અમુલ ઇન્‍ડસ્‍ટ્રી પાસે ભુખ હડતાલ પર બેઠો હોઇ તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. રણધીરે કહ્યું હતું કે આ કંપનીના સાડા ચારસો જેટલા કર્મચારીઓ પગાર અને પીએફના મામલે છેલ્લા કેટલાક દિવસથી ભુખ હડતાલ કરી રહ્યા છે. પરંતુ મેનેજમેન્‍ટ દ્વારા કોઇ નિવેડો લાવવામાં આવી રહ્યો નથી. ત્રણ મહિનાથી પગાર અપાયો નથી અને બે વર્ષથી પીએફ પણ બાકી છે તેવો આક્ષેપ તેણે હોસ્‍પિટલના બિછાનેથી કર્યો હતો. પોતે આ કંપનીમાં સતર વર્ષથી નોકરી કરતો હોવાનું પણ તેણે જણાવ્‍યું હતું.

(4:24 pm IST)