Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પગાર અને પીએફની અનિયમીતતાના મુદ્દે અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના ૪૦૦થી વધુ કામદારો ભુખ હડતાલ ઉપર

ઓકટોબરમાં પાંચ કામદારો ભુખ હડતાલ ઉપર ઉતર્યા છતાં પ્રશ્નનો નિકાલ નહિ આવતા વધુ કામદારો હડતાલમાં જોડાયાઃ કંપનીના સંચાલકો તાકીદે ન્‍યાય આપે તેવી માંગણી

રાજકોટ, તા., ૧૯: આજી વસાહતમાં  પ્‍લોટ નં. ૩૩૨-૩૩ ઉપર આવેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા.લી.ના ૪૦૦ થી વધુ કામદારો  પગાર અને પ્રોવીડન્‍ડ ફંડની અનિયમીત ચુકવણીના મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી  લેબર કમિશ્નર, કલેકટર અને પ્રોવીડન્‍ડ ફંડ કચેરી ખાતે રજુઆતો કરી રહયા છે. આ લડતના ભાગ રૂપે આજે ઇન્‍ડસ્‍ટ્રીઝ ખાતે છેલ્લા ર૦ -૩૦ વર્ષથી કંપનીમાં કામ કરી રહેલા કામદારો ભુખ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

લેખીત રજુઆતમાં કામદારોએ જણાવયું છે કે અમે આ કંપનીમાં ૩ દાયકાઓથી કામ કરી રહયા છીએ. અમારી ઇન્‍ડસ્‍ટ્રીઝ સારી એવી નામના ધરાવે છે. અમારો પગાર અને પીએફ સમયસર જમા  થઇ જતો હતો. પરંતુ છેલ્લા ૩ વર્ષથી કારીગરો કે હેલ્‍પરોનો પગાર અને પીએફ નિયમીત જમા થતુ નથી. આ મુદ્દે કંપનીના સંચાલક મંડળ પાસે વારંવાર રજુઆત કરવા છતા ખોટા વાયદાઓ અમને નાના માણસો અને મજુરોને આપવામાં આવે છે. પરંતુ પગાર-પીએફ જમા થતા નથી. ઓકટોબર મહિનામાં પણ અમારા પૈકી પાંચ કામદારો ભુખ હડતાલ ઉપર ઉતર્યા હતા. પરંતુ પ્રશ્નનો નિકાલ નહિ આવતા આ આંદોલનમાં વધુમાં વધુ લોકો જોડાઇ ગયા છે. આજે ૪૦૦ થી ૪પ૦ કારીગરો ભુખ હડતાલ પર ઉતર્યા છે. અમે  ગાંધી ચિંધ્‍યા રાહે યોગ્‍ય ન્‍યાય ઇચ્‍છી રહયા છીએ તેવુ લેખીત રજુઆતમાં જણાવાયું છે.

(4:24 pm IST)