Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મતદાન કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલઃ મતદારોને લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા અનુરોધ

બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ માટે આજે થયું હતું મતદાનનું આયોજન

રાજકોટઃ રવિવારે યોજાયેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેર પોલીસ સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાની હોઇ આ કારણે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મતદાનથી વંચીત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા આજે રાજકોટ શહેર પોલીસ માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શહેરની ચોૈધરી હાઇસ્કૂલ પાસે કુંડલીયા કોલેજ ખાતે મતદાન યોજાયું હતું. બપોરે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ ક્રાઇમ બ્રાંચ વી. કે. ગઢવી તથા બીજા અધિકારીઓ પણ જોડાયા હતાં. અહિ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. તસ્વીરમાં મતદાન મથક પર પહોંચેલા પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ, સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ વી. કે. ગઢવી પણ જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં મત કુટીરમાં શ્રી અગ્રવાલ તથા અન્ય તસ્વીરોમાં મતદાન માટે પહોંચેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોઇ શકાય છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે શહેરના તમામ મતદાતાઓએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઇ રવિવારે અચુક મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવવી જોઇએ. મતદાન વખતે કોરોનાને લગતા નિયમોનું પાલન કરવા અને શાંતિ જાળવી રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(10:21 am IST)