Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

૨૦૧૫માં ભાજપના મતમાં ૫.૬૩ ટકાનું ગાબડુ પડવા છતા સતા ટકાવી

રાજકોટ મ.ન.પા.માં અઢી દાયકામાં કોંગ્રેસે સૌથી સારો દેખાવ ૨૦૧૫માં કર્યો હતોઃ ૩૪ બેઠકો : મેળવી હતી : ૨૦૧૦માં ભાજપે ૫૯ બેઠકો જીતીઃ ૨૦૧૫માં ૪૯.૫૩ ટકા મતદામાં ૩૮ બેઠકો મળી : ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૧૭ મહિલાઓ નગરસેવક બન્યા હતા

રાજકોટ તા. ૧૯ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના છેલ્લા અઢી દાયકામાં કોંગ્રેસનો સૌથી સારો દેખાવ વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં થયો હતો. ભાજપે સત્તા તો હાંસલ કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૦ની તુલનાએ ૫.૬૩ ટકા મતનું ગાબડું પડયું હતું. કોંગ્રેસે ૨૦૧૦ની સરખામણીએ ૧૧.૮૯ ટકા મત વધુ અંકે કર્યા હતા.

નવી વોર્ડ રચનાને લીધે આ વખતની પાલિકાની ચૂંટણીમાં રાજકીય ભુગોળ અને ગણિત બંને બદલાયા હોય પરિણામો અંગે અટકળો લગાવામાં આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા જીતના થઇ રહેલા દાવા વચ્ચે વર્ષ ૨૦૧૫માં યોજાયેલી અંતિમ ચૂંટણી ઉપર નજર કરવામાં આવે તો ભાજપને સત્તાનું સિંહાસન મળ્યું હતું પરંતુ કોંગ્રેસે ૨૫ વર્ષનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હોવાનું નોંધાયું હતું.

૨૦૧૦ની મ.ન.પા.ની ચૂંટણીમાં ભાજપને ૫૯ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ૧૦ બેઠકો જીતી હતી. વર્ષ ૨૦૧૦ની ચૂંટણીમાં ભાજપને ૫૧.૮૯ ટકા અને કોંગ્રેસને ૩૩.૭૯ ટકા મત મળ્યા હતા.

૨૦૧૫માં આરએમસીની ચૂંટણીમાં ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું તે વખતે ભાજપે ૩૮ બેઠકો જીતી હતી. કોંગ્રેસ ૩૪ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ ચૂંટણીમાં ભાજપને ૪૬.૨૬ ટકા અને કોંગ્રેસને ૪૫.૬૮ ટકા મત મળ્યા હતા. વર્ષ ૨૦૧૫માં પાલિકાની ચૂંટણીમાં ૨૦૧૦ની તુલનામાં કોંગ્રેસને ૬.૫૦ ટકા મત વધુ મળ્યા હતા. તો ભાજપને ભવ્ય જીત વચ્ચે ૫.૬૩ ટકા ઓછા મત મળ્યા હતા.

વર્ષ ૨૦૧૫માં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે મવડી, કોઠારીયા વિસ્તારના વોર્ડમાં સારો દેખાવ કરવામાં સફળ રહી હતી. ભાજપે સામાકાંઠે, વેસ્ટ ઝોન વિસ્તારોમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા હતા. ૨૦૧૦ની સરખામણીએ ૨૦૧૫માં મતદાનની ટકાવારીમાં ... ટકા જેટલો વધારો થયો હતો પણ તેનો ફાયદો ભાજપને થયો ન હતો. ભાજપને ૨૧ બેઠકોનું નુકસાન થયું હતું. તો બીજી તરફ કોંગ્રેસને ૨૪ બેઠકોનો ફાયદો થયો હતો.

વર્ષ ૨૦૧૫ની રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી. ચુંટણીના પરિણામોમાં હાર-જીતના માર્જિનમાં મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો હતો.

ગત ટર્મમાં વોર્ડ નં. ૧૭માં ત્રણ મહિલાઓ વિજય થયા હતા

રાજકોટ : વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ૩૬-૩૬ મહિલાઓને ટિકિટ ફાળવી હતી. આ પૈકી કમળના ચિન્હ ઉપર લડનારી ૨૦ મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો.

જ્યારે કોંગ્રેસ પક્ષના ૧૭ મહિલાઓ જીત્યા હતા. વોર્ડ નં. ૧૭માં કોંગ્રેસના ૨ અને ભાજપના ૧ સહિત કુલ ૩ મહિલાઓ વિજય થયા હતા.

(2:48 pm IST)