Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ચૂંટાયા બાદ મતદારોનો વિશ્વાસ ડગવા નહી દઈએઃ શુકલ- માંકડ

વોર્ડ નં.૭માં ભાજપના ચારેય ઉમેદવારોની જીત તો નકકી જ છે, માત્ર કેટલી સરસાઈથી જીતે છે એ પરિણામના દિવસે જોવાનું છેઃ કશ્યપ શુકલ

રાજકોટતા,૧૯: રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીના અંતિમ બે દિવસ બાકી છે. આમ તો શહેરભરમાં ભાજપ તરફી વાતાવરણ છે પરંતુ વોર્ડ નં. ૭માં તો હવે મતદાન માટે જાણે કોઇ ચિંતા જ નથી અહીં તો હવે વિજયોત્સવની જ તૈયારી કાર્યકર્તા કરી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ભાજપના ઉમેદવારો કેટલી સરસાઇથી ચૂંટણી જીતશે એ જ જોવાનું છે એ લોકોની જીત તો નક્કી જ  હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

વોર્ડ નં. ૭ના ભાજપના ઉમેદવાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટના સભ્ય ડો. નેહલ ચીમનભાઇ શુકલે જણાવ્યું હતું કે વોર્ડ નં. ૭માં અમને લોકોનો જે પ્રેમ મળ્યો છે એ ક્યારેય નહીં ભુલાય. પ્રચારના આટલા દિવસો દરમિયાન લોકસંપર્ક વખતે ભાજપ પર અને અમારા પર મતદારોનો અતૂટ વિશ્વાસ નજરે પડ્યો,મત તો લોકો આદરણીય નરેન્દ્રભાઇ મોદી અને આદરણીય વિજયભાઇ રૂપાણીના કામોને લીધે આપશે જ પરંતુ અમને તો મત ઉપરાંત અંતરના આશિષ પણ પ્રાપ્ત થયાં તે વિજયનું જ બીજું સ્વરૂપ છે.

વોર્ડ નં. ૭ના ઉમેદવાર ડો. નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબહેન ચાવડા અને વર્ષાબહેન પાંધીએ છેલ્લા પંદર દિવસમાં શેરી ગલીનો સંપર્ક પણ બાકી રાખ્યો નથી. એ લોકો કહે છે કે લોકોએ એટલા વિશ્વાસ અને પ્રેમથી આવકાર આપ્યો છે કે ચૂંટાયા પછી અમારી જવાબદારી વધી જશે. અમે પણ એમના વિશ્વાસને ડગવા નહીં દઇએ.

વોર્ડ નં. ૭ ભાજપ માટે અત્યંત સુરક્ષિત વિસ્તાર છે. મતદારો એક તરફી મતદાન કરવાના છે તે નકકી છે. આખા રાજ્યમાં ચૂંટણી માટે બુકી બજાર ગરમ થઇ ગઇ છે. અલગ અલગ જગ્યાએ ઉમેદવાર અને પક્ષ દીઠ ભાવ ખૂલી રહ્યા છે પરંતુ બુકીઓએ વોર્ડ નં.૭નો ભાવ જ ખોલ્યો નથી. ગોટે ચડ્યા છે કારણ કે અહીં ભાજપની જીત તો ઉમેદવારી પત્રો ભર્યાં ત્યારથી નક્કી છે. હવે સવાલ તો લીડ કેટલી છે એનો જ છે.

પ્રાથમિક સુવિધા, વિકાસકામો, લોક સંપર્ક સહિતના અનેક મુદ્દા અહીં કામ કરી રહ્યા છે. શિક્ષિત અને સંસ્કારી ઉમેદવારો ભાજપનું સૌથી મોટું જમા પાસું છે. આ વોર્ડમાંથી રાજકોટના શ્રેષ્ઠી કહી શકાય એવા લોકો વિવિધ ક્ષેત્રમાં આગળ વધ્યા છે. એક તરફી જુવાળ છે. એક તરફી વાતાવરણ છે. ચૂંટણીના પરિણામ આવે ત્યારે અહીં ભાજપનો જયજયકાર હશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)