Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

બે સગી બહેનો સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં પ્રથમ કિસ્સો : મશીનરીની દુકાન ધરાવતા શખ્સે પોતાની બે પરીણિત ભાણીઓ સામે મકાન પચાવી લીધાની ફરિયાદ કરી

રાજકોટ,તા.૧૯ : પ્રથમ વખત રાજકોટમાં બે મહિલાઓ સામે નવા બનેલા એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રેસકોર્સ રિંગ રોડ પરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાતમાં માળે બ્લોક નં.૭૧માં રહેતા અરવિંદભાઈ ન્યાલચંદભાઈ મહેતાએ પોતાની બે પરિણીત ભાણેજ હિના દીપકભાઈ છનીયારા અને અમિતાબેન શૈલેષભાઈ પારેખ વિરુદ્ધ પોતાનું વાણિયાવાડીમાં આવેલું મકાન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ભક્તિનગર પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમો ઉપરાંત આઈપીસી કલમ ૫૦૬(૨), ૧૧૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી અરવિંદભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમણે રેડીયો સર્વિસીસનો અભ્યાસ કર્યો છે. અગાઉ ગરેડીયા કુવા રોડ પર મશીનરીની દુકાન ધરાવતા હતા. ૨૦૧૬થી નિવૃત્ત જીવન ગાળે છે. તેમને સાત બહેન અને ત્રણ ભાઈઓ છે. ૧૯૬૪ની સાલમાં આફ્રિકામાં રહેતા બનેવી અનિલભાઈ મહેતાનું અવસાન થતાં તેમના બહેન મંજુબેન ત્રણ પુત્રી અને બે પુત્રો સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા. દસેક વર્ષ સુધી તેમના જૂના મકાન પ્રહલાદ પ્લોટમાં રહ્યા હતા. ૧૯૭૪ની સાલમાં તેમના પિતાએ કહ્યું કે, પ્રહલાદ પ્લોટવાળા મકાનમાં હવે બધા પરિવારના સભ્યોનો સમાવેશ થતો નથી.

            જેથી માનવતાના ધોરણે બહેન મંજુબેનને વાણિયાવાળી વાળું મકાન કે જે તેમણે ૧૯૬૭ ની સાલમાં ખરીદ કર્યું હતું, તેમાં રહેવાની મંજૂરી આપવી જેથી પોતે બહેન મંજુબેન અને તેમના સંતાનોને વાણિયાવાડીવાળું મકાન ઉપયોગ કરવા માટે આપ્યું હતું. તે મકાનમાં રહેવા ગયાના પાંચેક વર્ષ બાદ બહેન મંજુબેનનું અવસાન થયું હતું. ત્યારબાદ ભાણેજો ચેતન, મિલન, કલ્પના, અમિતા અને હિના તે મકાનમાં રહેતા હતા. મોટા ભાણેજ ચેતનને લગ્ન કરી લેતા પરિવાર સાથે ચંદ્રપાર્કમાં રહેવા જતો રહ્યો હતો. આ પછી તેમની ત્રણેય ભાણેજોના પણ લગ્ન થઈ ગયા હતા. છેલ્લે ભાણેજ મિલન લગ્ન થતાં ન હોવાથી મકાનમાં એકલો રહેતો હતો. ગઈ તા.૪/૨/૨૦૨૦ના રોજ તેનું પણ અવસાન થતાં તેની અંતિમવિધિ બાદ બંને ભાણેજો હિના અને અમિતાએ વાણિયાવાડી મકાનમાં તાળું મારી દીધું હતું. એટલું જ નહીં ફોન કરી ચાવી માંગતા કહ્યું કે, મકાન તમે ભૂલી જાવ, ચાવી તમને આપવાની નથી. જેમ બને તેમ જલદી અમને દસ્તાવેજ કરી દો નહીંતર સારાવટ નહીં રહે. બંને અવારનવાર આ પ્રકારની ધમકી આપતા હતા. થોડા સમય પહેલાં ભાણેજ અમિતા તેમના ઘરે આવી હતી અને વાણિયાવાડીવાળા મકાનનો દસ્તાવેજ જો નહીં કરી આપો તો ટાંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી.

(9:03 pm IST)