Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મોરેશિયસના વડાપ્રધાન અને અન્‍ય મહાનુભાવો ભારતીય સંસ્‍કૃતિ વિરાસતથી પુલકિત : અઠંગા રાસે જમાવટ કરી

કલેકટર દ્વારા સ્‍વાગત પ્રવચન : વડાપ્રધાન જુગનાથ અને અન્‍યો સવારે જામનગર જવા રવાના

રાજકોટ : રાજકોટ આવી પહોંચલા મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિન્‍દ જુગનાથના ભવ્‍ય રોડ-શો બાદ હોટલ લગુન ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, તસ્‍વીરમાં વડાપ્રધાન શ્રી પ્રવિન્‍દ જુગનાથ સજોડે ગણપતિ દાદાની સ્‍તુતિ - ગણેશ વંદના નિહાળતા નજરે પડે છે, નીચેની તસ્‍વીરમાં તેઓ દિપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્‌્‌ઘાટન કરતા, બીજી તસ્‍વીરમાં કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ સૌ પ્રથમ સ્‍વાગત પ્રવચન કરી વડાપ્રધાનશ્રી, મંત્રીશ્રીઓ, સચિવો- અન્‍ય મહાનુભાવો- મેયર-સાંસદોને આવકાર્યા તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (પ-૮)

રાજકોટ તા. ૧૯: રાજકોટ પધારેલા મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્‍દ જૂગનાથની શાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એકથી ચડિયાતા સાંસ્‍કૃતિક કાર્યક્રમો પેશ કરવામાં આવ્‍યા હતા.

મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્‍દ જુગનાથ તથા શ્રીમતિ કોબિતા જૂગનાથ અને ઉપસ્‍થિતો સમક્ષ ગણેશ સ્‍તુતિ પ્રસ્‍તુત કરાઈ હતી. ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાષાીય વાદનની ઉત્‍કૃષ્ટ કૃતિઓ વડાપ્રધાનશ્રીના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. ટાન્‍ઝાનિયા-રવાન્‍ડા-નાઈજીરીયા-ઈથોપીયાના છાત્રોએ ‘વંદે માતરમ' ગીત રજૂ કરીને ઉપસ્‍થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. કલ્‍ચરલ એક્‍સચેન્‍જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના વડાપ્રધાનને હૂંફાળા વાતાવરણમાં મળ્‍યા હતા અને વાતચીત કરી હતી.

આમંત્રિતોના હસ્‍તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્‍યથી શુભારંભ થયા બાદ કલેક્‍ટર અરૂણ મહેશ બાબુએ  સ્‍વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું. વડાપ્રધાનશ્રી જૂગનાથને કલેકટરએ સ્‍મૃતિચિહ્ન એનાયત કરી સન્‍માનિત કર્યા હતા.

આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી સર્વાનંદ શોનોવાલ અને મહેન્‍દ્ર મુન્‍જપરા, રાજયના આરોગ્‍ય મંત્રી રૂષિકેશ પટેલ, સંસદસભ્‍ય રામભાઇ મોકરીયા અને ભારતીબેન શીયાળ, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, મેયર પ્રદીપ ડવ,મોરેશિયસ ખાતેના ભારતીય હાઈ કમિશનર એસ.વી. હનુમાનજી,  એડીશ્નલ ચીફ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલ,    મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી કે.બી. ઠક્કર, એડિશનલ કલેક્‍ટર એન.એફ. ચૌધરી તથા એન આર ધાધલ, પ્રાંત અધિકારીઓ શ્રી લિખિયા, દેસાઈ, બાટી તથા શ્રી વર્મા,  જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજ સિંહ વાઘેલા, રમત ગમત અધિકારી પાંડાવદરા તથા જાડેજા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી જનકસિંહ ગોહિલ, રાજકોટ ખાતે પધારેલા વિવિધ દેશોના ડેલીગેટ્‍સ, રાજકોટમાં નિવાસ કરતા વિદેશી નાગરિકો તથા છાત્રો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહયા હતા. આયુષ મંત્રાલયના સચિવ ડોક્‍ટર રાજેશ કોટેચાએ આભાર દર્શન કર્યૂ હતુ. 

(11:33 am IST)