Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બીએપીએસના સંત પૂ.ઈશ્વરચરણદાસજી અને પૂ.બ્રહ્મવિહારીદાસજીની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત

મારા આધ્‍યાત્‍મિક વિચારોના ઘડતરમાં પ્રમુખસ્‍વામીએ મોટુ યોગદાન આપ્‍યું છેઃ નરેન્‍દ્રભાઈ મોદી

રાજકોટઃ બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વરિષ્ઠ સંતવર્ય પૂજય ઈશ્વરચરણદાસ સ્‍વામી અને બ્રહ્મવિહારીદાસ સ્‍વામીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દિલ્‍હી ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. પૂજય ઈશ્વરચરણ સ્‍વામીએ પ્રાસાદિક પુષ્‍પહારથી શ્રી નરેન્‍દ્રભાઈને સન્‍માન્‍યા હતા.

આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્‍વામીએ બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા કોવિડ-૧૯  વિકટ સમયમાં આરંભથી લઈને આજ પર્યંત ચાલી રહેલી રાહત સેવાઓથી અવગત કર્યા હતા,આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ દ્વારા કચ્‍છના ભૂકંપ વેળાએ કરવામાં આવેલ સેવાકાર્યોની પણ સ્‍મૃતિ કરી હતી. યુક્રેનની બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે બીએપીએસ સંસ્‍થાએ કરેલ સેવાકાર્યોને પણ તેમણે બિરદાવ્‍યા હતા.

આગામી ડિસેમ્‍બર મહિનામાં અમદાવાદ ખાતે ઉજવાનાર પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવ અંગે પણ તેમણે ઊંડો રસ દાખવ્‍યો હતો. પ્રમુખસ્‍વામી મહારાજ સાથેના કેટલાક અવિસ્‍મરણીય સંસ્‍મરણોને વાગોળીને તેઓએ જણાવ્‍યું હતું કે તેમની આધ્‍યાત્‍મિક પ્રગતિમાં અને તેમના આધ્‍યાત્‍મિક વિચારોના ઘડતરમાં પ્રમુખસ્‍વામી મહારાજે ખૂબ મોટું યોગદાન આપ્‍યું છે.

પરમ પૂજય મહંત સ્‍વામી મહારાજની નિશ્રામાં અબુધાબી અને બાહરીન ખાતે બીએપીએસ દ્વારા બંધાઇ રહેલ હિન્‍દુ મંદિરોની તેમણે સરાહના કરી હતી. એક કલાકથી વધુ સમય માટે ચાલેલી આ શુભેચ્‍છા મુલાકાતના અંતે સંતો અને વડાપ્રધાનશ્રીએ ભગવાન સ્‍વામિનારાયણ તેમજ મહંત સ્‍વામી મહારાજની સ્‍મૃતિ સહિત વિશ્વભરમાં વ્‍યાપેલા ભારતીયોના સર્વાંગી ઉત્‍કર્ષ માટે પ્રાર્થના કરી હતી.

(3:08 pm IST)