Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે મોરબીમાં રવિવારથી ભાગવત કથા

પૂ.નિખિલભાઈ જોષી કથાનું સંગીતમય રસપાન કરાવશે : નૃસિંહ પ્રાગટય, વામન-રામ-કૃષ્‍ણ પ્રાગટય સહિતના પ્રસંગો સાથે સર્વરોગ નિદાન - ડાયાબીટીસ ચેક અપ કેમ્‍પ યોજાશે : જરૂરીયાતમંદ પરિવારના લાભાર્થે ૩ દીકરીઓના સમૂહલગ્નનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૯ : મોરબી ખાતે વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોકમાં આગામી તા.૨૪ના રવિવારથી તા.૩૦ના શનિવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે.

કોરોનામાં મૃત્‍યુ પામેલા સર્વજ્ઞાતિના સર્વપિતૃઓના દિવ્‍યાત્‍માઓના મોક્ષાર્થે આ ભાગવત કથાનું આયોજન થયુ છે. કથામાં વ્‍યાસપીઠે પ્રસિદ્ધ કથા પ્રવકતા મોરબીવાળા પૂ.નિખિલભાઈ જોષી કથાનું સંગીતમય રસપાન કરાવશે.

કથાના મુખ્‍ય આયોજક શ્રી પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા (પદુભા)એ જણાવેલ કે આ કથા દરમિયાન ૨૯મીના રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાશે. આ દરમિયાન જરૂરીયાતમંદ પરીવારોના લાભાર્થે ૩ દીકરીઓના સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં દીકરીઓને કરીયાવરની ઢગલાબંધ વસ્‍તુઓ આપવામાં આવશે.

તા.૨૪ના રવિવારે બપોરે ૩ કલાકે મોરબીના કલ્‍યાણેશ્વર મહાદેવ મંદિરેથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળશે. કથા દરમિયાન ૨૬મીના સાંજે નૃસિંહ પ્રાગટય, ૨૭મીએ સાંજે ૬ કલાકે વામન - રામ - કૃષ્‍ણ પ્રાગટય, ૨૮મીએ સાંજે ૬ કલાકે ગોવર્ધન લીલા, ૨૯મીના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. કથાનો સમય બપોરે ૩ થી ૭ રહેશે.

ભાગવત કથાની સાથોસાથ સર્વ રોગ નિદાન કેમ્‍પ અને ફ્રી ડાયાબીટીસ ચેક અપ કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યુ છે. ભાવિકોને કથામૃતનો લાભ લેવા મોરબીના સામાજીક કાર્યકર પ્રદ્યુમનસિંહ ઝાલા (પદુભા) મો.૯૯૭૯૬ ૭૩૯૭૬ દ્વારા અનુરોધ કરાયો છે.

કથામાં પોથી નોંધાવવા તેમજ સમૂહલગ્નમાં નામ નોંધાવવા માટે વિમલભાઈ દવે (મો.૯૮૭૯૨ ૭૬૫૬૯)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને ભાગવત કથાનું આમંત્રણ આપતા કથાકાર શ્રી નિખિલભાઈ જોષી, પ્રદ્યુમનસિંહ ઝાલા (પદુભા), મેહુલભાઈ ચૌહાણ (અંબે જવેલર્સ), મુકેશભાઈ બુદ્ધદેવ (ગંગોત્રી પાર્ક), મદલાણીભાઈ વિમાવાળા, તુષારભાઈ જયસ્‍વાલ, રૂચીભાઈ કારીયા (અક્ષર ડેવલોપર્સ), ઈમરાનભાઈ માંડકીયા વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:14 pm IST)