Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

અવસર ચુકયા મેહુલા જેવુ ઉતુંગ નાટક અતુપાર

વરિષ્‍ઠ નાટયકાર-નાટયગુરૂ કૌશીક સિંધવ કહે છે ‘કહેવાયુ છે કે દેવું કરીને પણ ઘી પીવુ એજ રીતે આ નાટક જરૂર જોવુ, નહિતર બસ, અવસર ચુકયા મેહુલા સમજજો

ર૦૧૭ ની જાન્‍યુઆરી માં ફુલછાબ ટ્રસ્‍ટ આયોજીત સુરોત્‍વના કાર્યક્રમમાં નિમંત્રીત તરીકે જોવા મળ્‍યું હતું. લાજવાબ નાટક ‘અકુપાર'. અવસર ચુકયા મેહુલા સમાન આ નાટક રાજકોટમાં ર૩ મી એપ્રિલના રજુ થનાર છે. ડબલ પૈસા વસુલ જેવુ આ  નાટક જોવાનો લ્‍હાવો નાટયપ્રેમીઓએ ખરેખર ચુકવા જેવો નથી જ નથી.

અસલમાં આ નાટક પ્રકૃતીપ્રેમી પ્રખ્‍યાત સાહિત્‍યકારશ્રી ધ્રુવ ભટ્ટની નોવેલ ‘અકુપાર' આધારત છે. નોવેલ વાંચ્‍યા બાદ તમે ગીરમાં જઇ આવ્‍યા હો તેવી મનઃ સ્‍થિતિ થઇ આવે. આ અકુપાર શીર્ષક વિશે ખુદ લેખક પોતે અવઢવમાં હતા. ‘ગોમંડલ'માં અકુપારના ઘણા અર્થો સંદર્ભો છે તે માહેનો અકુપારનો એક અર્થ છે. વાયોવૃધ્‍ધ કાચબો, એક કાળે મનાતુ કે પૃથ્‍વી શેષનાગની ફણા અને કાચબાની પીઠ પર ટકેલ છે. એ ટેકો જે બિન્‍દુ પર લાગેલ હશે તે બરાબર પૃથ્‍વી પરના આપણા ગીરના જંગલ નીચે જ હશે. તેથી પ્રકૃતીના આ બંને  ચેતનાત્‍મક બળને ધ્‍યાને ધરી સ્‍થાપીત કરેલ શીર્ષક અકુપાર વિશેની મહાભારતમાં નિર્દેષ્‍ઠીત કથાનું લેખકે આ નોવેલને અંતે સંક્ષિપ્તકરણ પણ આલેખેલ છે.

આ નોવેલનું રંગમંચીય નિર્માણ અમદાવાદના વર્ષોથી નિરંતરીત નાટયરંગી અદિતી દેસાઇએ કર્યુ છે. જેમણે આ પહેલા કસ્‍તુરબા ધાડ તેમજ સમુદ્ર મંથન જેવા સાચા અર્થના હટકે નાટકોના સર્જન કર્યા છે. અકુપાર વિષય જ પ્રકૃતિ અને પ્રાકૃતિકતાએ વસતા અને જીવતા જીવોના પરસ્‍પર સંબંધોનું સંવેદનાત્‍મક સંઘાનનો પડઘો પાડે છે. નાટક જોયા બાદ અનુભુતી થયા વિના રહે નહી કે એક જંગલ (ગીર)ની પ્રાકૃતિક જીવન વ્‍યવસ્‍થા અત્‍યથી કેટલી જુદી રીતે સમાહીત છે. ત્‍યાંના માનવો, પશુ પંખી પ્રાણી, એ સર્વેની એકા-બીજા માટેની વેદના સંવેદના, ચેતના અન આંતરભાવ એટલો પ્રભાવીત કરી જાય છે કે તેની અસરથી ક્ષુબ્‍ધ થઇ જવાય. ક્રુરજીવભક્ષી  પ્રાણીઓની દૈહિક સુંદરતા અને શકિત વિષે તો ઠીક પણ ગૈર્યના માનવીયુ માઇટે ને ઇ માનવીયુની આવા જીવો માઇટેની ભાવાત્‍મકતા, એક બીજા પ્રત્‍યેની સમજ, ખરેખર અકુપારના સશકત મંચન રજુઆત દ્વારા કવચીત પ્રેક્ષકોની આંખોને ઉભરાવી જાય છે.

નોવેલને નાટય સ્‍વરૂપે રૂપાંતરીત કરી નાટય સ્‍વરૂપે તખ્‍તે રજુ કરવુ એ રજુઆતકર્તા પોતે પોતાની આવડતની માપણીની એરણે મુકતા હોય તેવુ ગણવુ હોય તો ગણી શકાય. ઉપેન્‍દ્ર ત્રિવેદી જેવા નાટયખાએ મેઘાણીની ‘વેવિશાળ' નો વેલને તખ્‍તે રજુ કરી હતી ને ખુલ્લા મને સ્‍વીકાર્યુ હતું કે નોવેલની જેમ તેના નાટય સંસ્‍કરણને હું ચિરંજીવન બનાવી શકયો તેનો અફસોસ છે.

દેશ વિદેશમાં જેના ૭૦-૮૦ પ્રયોગ થઇ ચુકયા છે તે ખ્‍યાતી પ્રાપ્ત થઇ ચુકેલ સફળ નાટક અકુપારના શબ્‍દ દેહને રંગમંચીય દેહે ગીરની ગીરવાઇને અદલોઅદલ રજુ કર્તા દિગ્‍દર્શીકા નાટય સમ્રાટ અને રંગભુમીના એક વખતના ઠાકર જસવંતના પુત્ર અદિતી બહેને પ૦×૬૦ ના તખ્‍તે આબાદ જીવંત કરી બતાવી છે કેમ કે તેના તો જીન્‍સમાં રંગભુમી રણઝણતી હોય જ. આવી વારસાઇ ગુણીયલતા જ અકુપાર વિ.જેવા નુતન પ્રવાહમાં પણ નોખીભાત પાડતા નાટકો સર્જી શકે.

આ લખનારે ઉપરોકત વિગતે જણાવ્‍યા મુજબ અકુપાર નાટક જોયુ હોઇ એક રંગકર્મી નહી પરંતુ સુજ્ઞપ્રેક્ષકના પ્રતિક તરીકે પ્રતિભાવ આપુ તો આ નાટકના દરેક પાસા જેવા કે નાટય રૂપાંતર, દિગ્‍દર્શન, દેવકી અને અભિનવ બેંકર જેવા નાટકને જીવતુ કરી બતાવનાર સર્વે કલાકારોનો ગીર જેવો જ અત્‍યંત સાત્‍વીક અભિનય, કુદરત પ્રકૃતિને તાદ્રશ્‍ય કરાવતુ સંગીત, આંખોને ઠારે તેવી રંગ-વેષભુષા, નાટકની ગતી, આ તમામ જવાબદારીમાં પ્રચંડ પુરૂષાર્થ અને ધ્‍યેય નિષ્‍ઠા સર્વે કસબીઓની ક્ષણે ક્ષણે ઝબકતી જોઇ શકાય છે. આવુ મનોપોષક નાટક રાજકોટમાં લાવનાર બહેન દેવલ વોરાને અભિનંદન અંતે એટલુ જરૂર કહીશ કે હે નાટયપ્રેમીઓ, કહેવાયું છે કે દેવુ કરીને પણ ઘી પીવાય, બરાબર એ જ રીતે આ નાટક જોઇ લેવુ. જો ચુકયા તો ‘અવસર ચુકયા મેહુલા સમજ્‍જો' બસ નાટય આટલુ કહેવુઁ નાટયપ્રેમીઓ માટે શું કાફી નથી ?

(3:40 pm IST)