Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પ્રભુ મહાવીર જન્‍મ કલ્‍યાણકની ધર્મયાત્રામાં તિરંગાની થીમ

જૈનમ સંકલીત ધર્મયાત્રામાં ૨૫૨ સ્‍કૂટર, ૨૭ ફલોટ તથા ૫૪ કાર જોડાશેઃ અઢારે આલમ દ્વારા સ્‍વાગત કરાશે :રંગોળી સ્‍પર્ધામાં ૨૪ લોકોએ ભાગ લીધોઃ આજે ચિત્ર સ્‍પર્ધાઃ કાલે રાત્રે એનીમેટેડ મુવી : બેન્ડના ગ્રુપના સભ્યો કેસરી, સફેદ તથા લીલા વસ્ત્રોમાં સજ્જ બનશેઃ નવપદના નવ સ્ટેજ પર બાળકો પણ તિરંગા કલરના કપડામાં ધર્મયાત્રાનું સ્વાગત કરશે

અકિલાની મુલાકાત દરમિયાન સેજલભાઇ કોઠારી, શૈલેષભાઇ માઉં, રાજેશભાઇ મોદી, ધીરેનભાઇ ભરવાડા, હિતેષ શાહ, કૌશિકભાઇ કોઠારી, હિમાંશુ પારેખ, અમીત લાખાણી, કેવીન ઉદાણી, જયદત સંઘાણી, ભવ્‍ય વોરા, વિશાલભાઇ મહેતા, રાકેશ શેઠ દ્વારા માહિતી અપાઇ હતી.

રાજકોટ,તા. ૧૯: રવિવાર તા.૨૧નાં રોજ જૈનમ્‍નાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્‍ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં આ વખતની ભવ્‍ય અને દર્શનીય ધર્મયાત્રા મહાવીર જન્‍મ કલ્‍યાણક નિમિતે થવા જઈ રહી છે જેમાં અનેકવિધ ફલોટ, અનુકંપારથ, પ્રભુજીનો ચાંદીનો રથ, વિરપ્રભુનું પારણું, મ્‍યુઝીકલ બેન્‍ડ, કળશધારી બહેનો, વેશભુષામાં સજ્જ બાળકો જોડાવવાના છે એવી સુંદર ધર્મયાત્રા અને ધર્મયાત્રા પૂર્ણ થયે યોજાનાર ધર્મસભા કે જેમાં અનેક સાધુ-સાધ્‍વીજી ભગવંતો આર્શિવચન પાઠવશે, સમાજ શ્રેષ્ઠીઓ પ્રેરક ઉદ્‌બોધન આપશે, અલગ  અલગ સ્‍પર્ધાનાં વિજેતાઓને ઈનામોથી નવાઝવામાં આવશે. તેવી ધર્મસભા તથા ધર્મયાત્રાનાં આ વખતનાં અધ્‍યક્ષ તરીકે ઉદારદીલા દાનવીર દાતા એવા દામીનીબેન પીયુષભાઈ કામદારની વરણી કરવામાં આવી છે.

આ વખતે જૈનમ સંકલીત પ્રભુ મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં તિરંગાની થીમ રાખવામાં આવી છે. જેમાં ધર્મયાત્રા દરમિયાન બેન્‍ડમાં પણ પંજાબી બેન્‍ડ સંપૂર્ણ કેસરી વષાોમાં મહિલાઓનું બેન્‍ડ સફેદ વષાોમાં જ્‍યારે જનરલ બેન્‍ડ લીલા કલરના વષાોમાં સજ્જ થઇ આકર્ષક જમાવશે. ઉપરાંત નવ પદના નવ સ્‍ટેજ ખાતે પણ બાળકો તિરંગા કલરના વષાોમાં ધર્મયાત્રાનું સ્‍વાગત કરનાર છે.

ધર્મયાત્રામાં જોડાતા તમામ ફલોટ ધારકોને  આર્થિક સહયોગ મળી રહે તેવા હેતુથી સબસીડી, જન્‍ક કલ્‍યાણકનાં દિવસે યોજાતી વેશભુષા સ્‍પર્ધાનાં તમામ સ્‍પર્ધકોને ગીફટ તેમજ આ સ્‍પધામાં વિજેતા થનાર બાળકોને ઈનામો આ ઉપરાંત નવ નવકાર મંત્રનાં પદનાં સ્‍ટેજ જેમાં કુલ ૧૦૮ બાળકો  ધર્મયાત્રાને સ્‍વાગત કરવાનાં છે તમામ બાળકોને ગીફટ જાણીતા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી દ્વારા આપવામાં આવનાર છે. ધર્મયાત્રામાં જોડાનાર અનુકંપા રથ કે જેમાંથી ધર્મયાત્રાનાં રૂટ ઉપર ભાવિકોને પ્રભાવના વિતરણ કરવામાં આવશે તેનો લાભ નીતીનભાઈ કામદાર (જુલીયાના ફેશન)  દ્વારા લેવામાં આવીયો છે. ધર્મસભા પૂર્ણ થયે લાડુંની પ્રભાવના હરેશભાઈ વોરા તથા રાજુભાઈ પારેખ દ્વારા કરવામાં આવનાર છે. હાલમાં પડી રહેલ ભયંકર તડકાનાં માહોલમાં શ્રાવકોને રક્ષણ માટે હિતેશભાઈ મહેતા દ્વારા ૫૦૦ ટોપીનું વિતરણની સેવા કરવામાં આવનાર છે.

તા.૨૦ ને શનિવારનાં રોજ રાત્રે ૮ કલાકે યોજાનાર એનીમેશન શો નું સાંજ સમાચારનાં એડીટર કરણભાઈ શાહ તથા દાદાવાડી જિનાલય, માંડવી ચોકનાં પ્રમુખ જીતુભાઈ દેસાઈ દ્વારા ઉદ્‍ઘાટન કરવામાં આવશે. વેશભુષા સ્‍પર્ધા કે જેમાં મોટી સંખ્‍યામાં બાળકો ભાગ લઈ રહયા છે તેવી આ સ્‍પર્ધાનાં સ્‍ટેજને ખારા પરિવારનાં વડીલો સર્વશ્રી વિરેન્‍દ્રભાઈ ખારા, ગીરીશભાઈ ખારા, જિતેન્‍દ્રભાઈ ખારા, સુનીલભાઈ ખારા વિગેરે દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.ભગવાન મહાવીર સ્‍વામીનાં બાળ સ્‍વરૂપને પ્રભુજીનું પારણું બનાવી ઝુલાવવામાં આવશે આ પારણામાં ચાંદીથી બનેલા ૧૪ સ્‍વપનો, ફળફળાદી વિગેરેથી સજાવટ કરી બનાવવામાં આવશે. જે જોવું એ એક લ્‍હાવો છે. આ પ્રભુજીનું પારણું ને દાતા પ્રદિપભાઈ વોરા દ્વારા દર્શનાથીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. રવિવારનાં રોજ જે પણ દેરાસરમાં ભગવાનશ્રી મહાવીર સ્‍વામી બિરાજમાન છે તે તમામ દેરાસરમાં  પ્રભુજીની પ્રતીમા ને વિશેષ આંગી જૈનમ દ્વારા કરવામાં આવશે.

ધર્મયાત્રાનાં રૂટ ઉપર ઠેર ઠેર યાત્રામાં જોડાયેલ શ્રાવકો માટે સાતાકારી સેવા અનેક સંસ્‍થા પરિવાર દ્વારા કરવામાં આવનાર છે જેમાં કસ્‍તુરબા રોડ ખાતે સાંજ સમાચાર  દ્વારા શરબત, સર્કિટ હાઉસ પાસે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા લીંબ્‍ુા પાણી, ફુલછાબ ચોક ખાતે ફુલછાબ દૈનિક પરિવાર દ્વારા સરબત, મોટી ટાંકી ચોક ખાતે નેમીનાથ વિતરાગ યુવક મંડળ દ્વારા પેકડ બોટલ, એવરસાઈન હોટલ સામે કિશોરભાઈ દોશી દ્વારા છાસ, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર દ્વારા છાસ, ત્રિકોણ બાગ ખાદી ભવન પાસે સુખડીયા કંદોઈ સમાજ દ્વારા શરબત, બાપુનાં બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ ગ્રુપ દ્વારા પેક્‍ડ બોટલ, રાજેશ્રી સીનેમા પાસે સ્‍થાનકવાસી પ્રતિક્રમણ મંડળ દ્વારા ઠંડા પીણાની બોટલ, દિવાનપરા પોલીસ ચોકી પાસે જયભાઈ ખારા, મનીષભાઈ કામાણી, જીતેશભાઈ મહેતાનાં સહયોગથી વરીયાળીનું સરબત વિગેરેની સેવા આપવામાં આવનાર છે.

ગઈકાલે યોજાયેલ રંગોળી સ્‍પર્ધામાં ૨૪ તિર્થંકરો જેટલી સંખ્‍યામાં ૨૪ સ્‍પધર્કોએ હોંશભેર ભાગ લીધો હતો. આ રંગોળી સ્‍પર્ધાનું ઉદ્‌ઘાટન દામીનીબેન પીયુષભાઈ કામદાર, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, જાગૃતિબેન કમલેશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરાંત સ્‍પર્ધા દરમ્‍યાન મોનીટરીંગ અને બાળકોને પ્રોત્‍સાહન કાજલબેન જુગલભાઈ દોશી અને કામીનીબેન ભાવીનભાઈ ઉદાણી દ્વારા કરેલ, આ તમામ સ્‍પર્ધકોને સન્‍માન પત્ર તથા રોકડ પુરસ્‍કારનાં કવર અંકીતાબેન જયભાઈખારા, રૂપલબેન સેતલભાઈ સોલંકી, કવિતાબેન પારસભાઈ શેઠ નાં હસ્‍તે એનાયત કરવામાં આવેલ હતા. આ સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરીનાં રૂપલબેન સેતલભાઈ સોલંકી,હેમાબેન મુકેશભાઈ વ્‍યાસ કવિતાબેન પારસભાઈ શાહ, શીતલબેન અમીષભાઈ દેસાઈ, વિરબેન ભાવિકભાઈ શાહ એ સેવા આપેલ હતી.

જ્‍યારે આજરોજ બપોરે ૪ થી ૬ દરમ્‍યાન ઓપન રાજકોટ ચિત્ર સ્‍પર્ધા યોજાનાર છે જેમાં ૧૦૦ થી વધુ સ્‍પર્ધકો ભાગ લેનાર છે, આ બન્ને સ્‍પર્ધાનાં રંગોળી અને ચિત્રો નીહાળવા માટે તા.૨૧ રવિવાર સુધી સવારે ૮ થી રાત્રે ૧૦ કલાક સુધી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. જેનો તમામ જૈન સમાજ અને અન્‍ય સમાજનાં ભાઈ-બહેનોએ બહોળી સંખ્‍યામાં લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

મહાવીર સ્‍વામી જન્‍ક કલ્‍યાણક મહોત્‍સવ નિમિતે આયોજીત અનેકવિધ કાર્યક્રમનું સંકલન જૈનમનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી તથા જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહયું છે, અને વ્‍યવસ્‍થા માટે બનેલી અલગ અલગ કમીટીનાં મિત્રો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે.

(3:47 pm IST)