Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શ્રી બજરંગ ટ્રસ્‍ટની સેવાની જ્‍યોતને ૩૯ વર્ષ, હનુમાન જયંતિ ઉજવાશે

પૂ. હરિચરણદાસજી મહારાજ દ્વારા ૧૯૮૫માં આ સંસ્‍થાની સ્‍થાપના થઇ હતી હનુમાન ચાલીસાના પાઠ, ધુન-ભજન, આખ્‍યાન, ભાગવતાચાર્ય અશોકભાઇ ભટ્ટ, હનુમાનદાદાની શકિત, ભકિત, સેવા અને મહિમા વર્ણવશે : સંસ્‍થાના આગેવાનો ‘અકિલા'ના આંગણે

રાજકોટ તા. ૧૯ : પ. પુ. સદ્‌ગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી મહારાજના અનન્‍ય શિષ્‍ય મહામંડલેશ્વર બ્રહ્મલીન પુ. હરિચરણદાસજી મહારાજ સ્‍થાપિત સેવા સંસ્‍થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (૯ રઘુવીર પરા, ગરેડીયા કુવા પાસે, પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર) રાજકોટ દ્વારા છેલ્લા ૩૯ વર્ષથી નિસ્‍વાર્થ સેવાના પ્રતિક પુ. હનુમાનજી મહારાજનો જન્‍મોત્‍સવ પરંપરાગત રીતે ધામધુમથી ટ્રસ્‍ટના ઉપરોક્‍ત કાર્યાલયે આયોજિત થયેલ છે.

તા. ૨૩ને મંગળવારે સવારે ૧૦થી ૧૨.૩૦ સુધી શ્રી પંચનાથ ધૂન મંડળના સાથ સહકારથી અનેક કાર્યક્રમોનું આયોજન થયેલ છે જેની શરૂઆત શ્રી હનુમાન ચાલીસાના પાઠ તથા ધૂન ભજન, આખ્‍યાનની રમઝટ તેમજ પ્રખર ભાગવતાચાર્ય પુ. અશોકભાઈ ભટ્ટ દ્વારા તેઓની આગવી શૈલીમાં શ્રી હનુમાનજી મહારાજની શક્‍તિ, ભક્‍તિ, સેવા અને સમર્પણના મહિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

શ્રી બજરંગ ટ્રસ્‍ટની સેવાની જયોતને ૩૯ વર્ષ, સૌરાષ્ટ્ર તથા રાજકોટમાં પ્રથમ વખત જ શ્રી હનુમાનજી મહારાજની ભવ્‍ય શોભાયાત્રા સળંગ ૨૨ વર્ષ સુધી તેમજ જન્‍મોત્‍સવ ઉજવણીને ૩૯ વર્ષ, જરૂરિયાતવાળા પરિવારોને અનાજની કીટ વિતરણને ૭ વર્ષ તેમજ વિનામૂલ્‍યે આયુર્વેદ દવાખાનાને ૧૭ વર્ષ તેમજ હોમીઓપેથી દવાખાનાને ૩૯ વર્ષ, દાંતના દવાખાનાને ૧૮ વર્ષ તથા એક્‍યુપ્રેસર સારવારને ૨૯ વર્ષ પૂર્ણ થતા તા. ૨૩ ને મંગળવારે સેવાના ભેખધારી શ્રી હનુમાનજી મહારાજના જન્‍મોત્‍સવના પાવન દિવસે સેવકનું સન્‍માન સેવાથીજ થાય' એ ન્‍યાયે ઉપરોક્‍ત તમામની વર્ષોની સેવાઓનું ઋણ સ્‍વીકાર' સન્‍માન ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવશે.

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ, રાજકોટની ૧૯૮૫ માં મહામંડલેશ્વર પુ. હરિચરણદાસજી મહારાજ દ્વારા સ્‍થાપના થયેલ જેનો પ્રારંભ ટ્રસ્‍ટીઓ સ્‍વ. ધનજીભાઈ કારિઆ, સ્‍વ. રમેશભાઈ કારિઆ, સ્‍વ. કે. ડી. કારિઆ, સ્‍વ. જમનાદાસભાઈ રાજદેવ, સ્‍વ. પ્રાગજીભાઈ પોપટ, સ્‍વ. રતિલાલભાઈ ભીમાણી, સ્‍વ. ચંદ્રકાન્‍તભાઈ પાવાગઢી, સ્‍વ. ઈશ્વરભાઈ ખખ્‍ખર, સ્‍વ. રમણીકભાઈ પાવાગઢી, સ્‍વ. બળવંતભાઈ પુજારા તથા પ્રભુદાસભાઈ તન્ના, નાનાલાલભાઈ ગંધા વગેરે દ્વારા થયો હતો.

આ સંસ્‍થામાં હોમીઓપેથ ડો. એન. જે. મેઘાણી, આયુર્વેદ ડો. કેતનભાઈ ભીમાણી, દંતરોગ નિષ્‍ણાંત ડો. બ્રિજેશભાઈ સોની, હોમીઓપેથ ડો. બી. એમ. વિઠલાણી તથા એક્‍યુપ્રેસરની ટીમ તેમજ નવા વરાયેલા ટ્રસ્‍ટીઓ તથા સંચાલકો રોહિતભાઈ કારિઆ, ધેર્યભાઈ રાજદેવ, અજયભાઈ કારિઆ, જીતેન્‍દ્રભાઈ કારિઆ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઈ પારેખ, રાજુભાઈ બુદ્ધદેવ દ્વારા સેવા કાર્યો થઇ રહ્યા છે.

આ ટ્રસ્‍ટ દ્વારા પછાત વિસ્‍તારોમાં આંખના ઓપરેશન, વિનામૂલ્‍યે દવાઓ સાથે નિદાન સારવાર કેમ્‍પ, અન્ન ક્ષેત્ર તથા જરૂરિયાત વાળાને અનાજની કીટ વિતરણ, રક્‍તદાન કેમ્‍પ, ફૂલડોલ ઉત્‍સવ દરમ્‍યાન દ્વારકા જતા પદયાત્રિકો માટે દેવ ગામના પાટિયા પાસે, ખીરસરા પેલેસની આગળ (૫ દિવસનું આયોજન), રાવટી દ્વારા ૨૪ કલાક ચા નાસ્‍તો, રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા, વિના મુલ્‍યે મેડીકલ સાધનો, ધાર્મિક કાર્યક્રમો વગેરે દ્વારા અવિરત સેવા થઈ રહી છે.

આ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૭૯૦ ૭૬૬૫૩ / ૮૮૬૬૨ ૨૪૪૩૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના આગેવાનો સર્વશ્રી રોહિતભાઇ કારીયા, ધૈર્ય રાજદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ, રાજુભાઇ બુધ્‍ધદેવ, દિનકરભાઇ રાજદેવ, જીત કારીયા અને મૌલીક બુધ્‍ધદેવ નજરે પડે છે.

(3:54 pm IST)