Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સોખડા ચોકડી પાસેથી ૨.૬૭ લાખના દારૂ - બીયર ભરેલી ઇનોવા કારમાંથી ભરત અને અમર પકડાયા

ડીસાના ચાર શખ્‍સો દારૂ-બીયરનો જથ્‍થો કારમાં ભરી ડીલવરી આપતા જતા'તા : કુવાડવા રોડ પોલીસે બેને કારમાંથી દબોચ્‍યા : પાઇલોટીંગ કરતા ડીસાના ખુશાલ માળી અને ચેતન સ્‍વીફટ કારમાં ભાગી ગયા

રાજકોટ તા. ૧૯ : કુવાડવા રોડ પર આવેલ સોખડા ચોકડી પાસે બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી રૂા. ૨.૬૭ લાખના દારૂ અને બીયરનો જથ્‍થો ભરેલી ઇનોવા કાર સાથે ડીસાના બે શખ્‍સોને પકડી લીધા હતા. જ્‍યારે અન્‍ય બે શખ્‍સો કારમાં નાશી ગયા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પરથી એક દારૂનો જથ્‍થો ભરેલી કાર પસાર થવાની હોઇ, તેવી કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ. વિક્રમભાઇ ગરચર, અજીતભાઇ લોખીલ, રાજેશભાઇ ચાવડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે વોચમાં હતા ત્‍યારે ત્‍યાંથી પસાર થતી જીજે-૫-સીએમ-૭૬૯૪ નંબરની ઇનોવા કારને શંકાના આધારે સોખડા ચોકડી પાસે રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૨,૬૭,૯૦૦ની કિંમતની દારૂની ૪૫૬ બોટલ અને રૂા. ૮૬૪૦ના ૭૨ બીયરના ટીન મળી આવતા ઇનોવા કાર ચાલક ભરત માયાભાઇ સમેજા (ઉ.વ.૩૯) અને અમરત શામજીભાઇ બળોઘણા (ઉ.૩૫) (રહે. બંને એસ.ટી. બસ સ્‍ટેશનની સામે ચંદન સોસાયટી ડીસા)ને પકડી લીધા હતા. જ્‍યારે ડીસાના ખુશાલ ધરમાજી માળી અને ચેતન નામના શખ્‍સોની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે ભરત અને અમરતની પૂછપરછ કરતા દારૂ અને બીયરનો જથ્‍થો ડીસાથી કારમાં ભરીને નીકળ્‍યા હતા. દારૂનો જથ્‍થો ક્‍યાં પહોંચાડવાનો હતો તે ખુશાલ જાણતો હતો તેથી ખુશાલ અને ચેતન બંને સ્‍વીફટ કારમાં પાયલોટીંગ કરતા હતા. દરમિયાન સોખડા ચોકડી પાસે કુવાડવા પોલીસે ઇનોકારને રોકતા ખુશાલ અને ચેતન સ્‍વીફટ કારમાં નાશી ગયા હતા.

આ કામગીરી પીઆઇ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.પરમાર, હેડ કોન્‍સ. અજીતભાઇ લોખીલ, વિક્રમભાઇ ગરચર, કોન્‍સ. રાજેશભાઇ ચાવડા, મુકેશભાઇ સબાડ અને નિલેશભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.

(1:45 pm IST)