Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વકિલાતની ડીગ્રી ધરાવતાં રાજપીપળાના કિશને હલેન્‍ડામાં દવાખાનુ ચાલુ કરી દીધું: શહેર એસઓજીએ દબોચ્‍યો

અગાઉ સરધાર સ્‍વામિનારાયણ મંદિરની ક્‍લીનિકમાં બેસતો હોઇ અનુભવને આધારે ડીગ્રી વગર દોઢેક વર્ષથી દવાખાનુ ધમધમાવતો હતોઃ સાંજે ૭ પછી જ દવાખાનુ ખોલતો : પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એસ. વી. ડાંગર, પીએસઆઇ મિયાત્રા, રવિભાઇ, કિશનભાઇ અને અજયભાઇની કામગીરી

રાજકોટ તા. ૧૯: શહેર-જીલ્લામાં અવાર-નવાર ડિગ્રી વગરના ડોક્‍ટર પકડાતાં રહે છે. લોકોની જિંદગી સાથે ચેડા કરતાં અનેક નકલી ડોક્‍ટર અગાઉ પકડાઇ ચુક્‍યા છે. શહેર એસઓજીએ આવા વધુ એક તબિબને દબોચ્‍યો છે. સરધારના હલેન્‍ડા ગામે પ્‍લોટ વિસ્‍તારમાં વિનાયક ક્‍લીનીક નામના દવાખાનામાં બેસતાં ડોક્‍ટર પાસે ડિગ્રી જ નહિ હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી કોટડા સાંગાણીના રાજપીપળા ગામે રહેતાં કિશન જયસુખ ગણોદીયા (કોળી) (ઉ.૨૭)ને ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં પકડી લીધો હતો.

આ શખ્‍સ પાસે પોલીસે ડિગ્રી માંગતા તેણે કોઇ ડિગ્રી નહિ હોવાનું અને પોતે એલએલબીની ડિગ્રી ધરાવતો હોવાનું કહેતાં પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ શખ્‍સ અગાઉ છ સાત વર્ષ સુધી સરધારના સ્‍વામિનારાયણ મંદિરના ક્‍લિનીકમાં કામ કરતો હોઇ તેના અનુભવને આધારે એક દોઢ વર્ષથી સરધારમાં દવાખાનુ ચાલુ કરી દીધુ હતું. તે સાંજના સાત પછી જ આ દવાખાનુ ખોલતો હતો અને ગ્રામજનોને દવા-ઇન્‍જેક્‍શન આપતો હતો. તેની પાસેથી પોલીસે દવા, ઇન્‍જેક્‍શન, મેડિકલ સાધનો મળી રૂા. ૧૦૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસ કમિશનરશ્રી, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી, ડીસીપી ક્રાઇમની સુચનાથી આ કામગીરી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એસ. વી. ડાંગર, પીએસઆઇ બી. સી. મિયાત્રા, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. કિશનભાઇ આહિર અને અજયભાઇ ચોૈહાણે કરી હતી. આ અંગે આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી ૪૧૯ અને મેડિકલ પ્રેકટીશનર એક્‍ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:40 pm IST)