Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

મુસ્લિમ વિસ્તારોમાં જુલૂસો યોજાયા : સાદગીભેર ઇદેમીલાદ સંપન્ન

ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર સાહેબની ૧૪પ૦ મી જન્મજયંતિએ પરોઢિયે રાજકોટની મસ્જીદો સલામીથી ગૂંજી ઉઠી : સતત બીજા વર્ષે ગાઇડલાઇનને માન આપીને ભવ્ય જુલૂસો મોકૂફ રહ્યા : મુસ્લિમ વિસ્તારોમાં કેક વિતરણ, નિયાઝના કાર્યક્રમનો ધમધમાટ

રાજકોટ શહેરમાં દૂધસાગર માર્ગ ઉપર આવેલા સિદ્દીકી મસ્જીદને રોશનીથી ઝળહળાટ કરાયો છે તેની તસ્વીર. (૯.૯)  : જુલૂસ : આજે સવારે નહેરૂનગર (રૈયા રોડ) અને સદર વિસ્તારમાં વિસ્તાર પુરતા ઇદેમીલાદ નિમિત્તે યોજાતા જુલૂસ, પ્રશાસનની શરતી મંજુરી સાથે યોજાયા હતા. જે વેળા મુસ્લિમ ધર્મગુરૂઓ, અગ્રણીઓ અને બિરાદરો જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :  ઇસ્લામ ધર્મના સ્થાપક, મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની ૧૪પ૦ મી  જન્મજયંતિ ''ઇદેમીલાદ'' ના સ્વરૂપમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવી રહી છે ત્યારે ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઇદ ગણાતી હોય આ દિવસે જુલુસ યોજવામાં આવે છે પણ પ્રશાસનની ગાઇડલાઇનને માન આપીને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલુસો મોકૂફ રખાયા હતા અને શરતી મંજુરી મળતા સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળોએ મુસ્લિમ વિસ્તારો સિમિત જુલૂસો યોજાયા હતા જે પૈકી રાજકોટ શહેરમાં પણ સવારના સમયે અનેક મુસ્લિમ વિસ્તારોમાં જુલુસો યોજાયા હતા જેમાં મોટી માત્રામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

રાજકોટ શહેર યૌમુન્નબી કમિટીની થોડા દિવસો પહેલા જ બેઠક યોજાઇ હતી જેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સર્વાનુમતે ભવ્ય જુલુસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયેલ અને હવે પછી શરતી મંજુરી મળતા પ્રમુખ હાજી યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન તળે પ્રશાસનની સુચના અનુસાર આજે સવારે રાજકોટ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જુલુસ સહિતના કાર્યક્રમો યોજી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન જાણવા મળ્યા મુજબ અંકુર સોસાયટી, રઝાનગર, જંગલેશ્વર, મઢી, નહેરૂનગર, સુભાષનગર, બજરંગવાડી, મોચીનગર, પોપટપરા, ભગવતીપરા, માજોઠીનગર, દુધસાગર માર્ગ, રામનાથપરા, જીલ્લા ગાર્ડન, ઘાંચીવાડ વિસ્તાર, બાબરીયા કોલોની, ખોડીાયરનગર અને સદર વિસ્તાર સહિતના અનેક મુસ્લિમ વિસ્તારોમાં જે તે વિસ્તાર સિમિત જુલૂસો નિકળ્યા હતા.

ખાસ કરીને આ પર્વ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ હોય સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય જુલુસ કાઢી પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવામાં આવે છે. પરંતુ મહામારીના લીધે ગાઇડલાઇડ યથાવત હોય ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ, જુનાગઢ, ધોરાજી, મોરબી, સુરેન્દ્રનગર, સહિતના અનેક શહેરોમાં કેન્દ્રીય જુલૂસ નીકળ્યા નથી અને જેતે મુસ્લિમ વિસ્તારોમાં આજે સવારે જુલૂસ નિકળ્યા હતા આમ આજે ફરી એકવાર સતત બીજા વર્ષ ઇદેમીલાદ સાદગી ભેર સંપન્ન થવા પામી છે.

જો કે પૈગમ્બર સાહેબના જન્મોત્સવના વધામણા રૂપે પરોઢિયે પ/ર૯ વાગ્યે સૌરાષ્ટ્ર કચ્છની તમામ મસ્જીદોમાં સલામી પઢવામાં આવી હતી આ પૂર્વે કેટલીક મસ્જીદોમાં  ૪ વાગ્યા થી મીલાદ શરીફ પઢવામાં આવી હતી જેના લીધે વહેલી સવારે મસ્જીદો સલામીથી ગુંજી ઉઠી હતી.

જે વખતે મુસ્લિમ સમાજ મોટી માત્રામાં મસ્જીદોમાં ઉમટી પડયો હતો.

બીજી તરફ રાજય પ્રશાસન દ્વારા જુલૂસ યોજવાની શરતી મંજુરી મળેલ હોઇ જે તે મુસ્લિમ વિસ્તારમાં નાના-નાના જુલૂસ યોજી મીલાદ શરીફ નિયાઝ કરવામાં આવેલ હતા.

આમ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની જન્મજ્યંતિ ઇદે મીલાદના સ્વરૂપમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે સાદાઇ પૂર્વક ઉજવવામાં આવી રહી છે.

વૈશ્વિક મહામારી અને તંત્રની ગાઇડ લાઇન્સ મુજબ ઉજવણી થઇ રહી હોય મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મીલાદના પ્રસંગે ખાસ આકર્ષણ રૂપ રાબેતા મુજબ યોજાતા જુલૂસ આજે કોઇપણ શહેર કે ગામમાં યોજાયા નથી અને સાદગીપૂર્ણ તમામ ધાર્મિક વિધિઓ મસ્જીદોમાં રાબેતા મુજબ સંપન્ન થઇ છે.

બીજી તરફ આજે ઇદે મીલાદની ઉજવણી જાહેર માંર્ગો ઉપર શકય નહીં થતા મુસ્લિમ વિસ્તારો પુરતી સિમિત બની રહી છે. ત્યારે ગઇ રાતથી અને આજે આખો દિવસ મુસ્લિમ વિસ્તારો પૈગમ્બર જયંતિના નાદ સાથે ગુંજતા રહ્યા હતાં.

લગભગ મુસ્લિમ વિસ્તારોમાં જાહેરમાં કેક કાપીને વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રી ભર ઇબાદ તો ચાલુ રાખી દેશ અને દેશવાસીઓની સુખ અને સમૃધ્ધિ ખાતર દુઆઓ માંગવામાં આવી છે.

સૌરાટ્ર-કચ્છમાં મળતા અહેવાલ અનુસાર ઇદે મીલાદની સર્વત્ર સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે.

પૈગમ્બર સાહેબની જન્મ જયંતિ દર વર્ષે 'ઈદે મીલાદ'ના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. અને એ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઉજવાય છે.

જો કે ગત ગુરૂવાર ર૭મી ઓકટોબરના ની સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રિથી ઇદેમિલાદનો ઉત્સાહ ચોતરફ ફેલાઈ જવા પામ્યો છે. અને ગામે ગામ લતેલતે એ જ રાત્રિથી જ ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની ગત રાત્રિના પૂર્ણાહુતિ થઇ છે.

ઇસ્લામ ધર્મની આ સૌથી મોટી ઇંદ હોઈ જેને ઇદે મિલાદ કહેવામા આવે છે. અને તેમા પૈગમ્બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જૂલૂસ કાઢવામાં આવે છે અને તેમા મુસ્લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે .

ઇદેમીલાદનો દિવસ વિશ્વભરમાં વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામા   આવી રહયો છે. ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્જીદોમાં ૭  વાગ્યે મીઠાઇ નિયાઝ વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત ઇદેમીલાદએ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામા આવ્યો છે. મસ્જીદ-મદ્રેસા- દરગાહોને શણગારવામાં આવ્યા છે અને ચોતરફ ઝંડા લહેરાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત દરેક મસ્જીદોમાં પૈગમ્બર સાહેબના પવિત્ર બાલ-મુબારકના પવિત્ર દર્શન કરાવવામાં આવેલ છે

ઇદે મીલાદના અવસરે મુસ્લિમ સમાજમાં અનેરો હર્ષ જોવા મળતો હોય છે તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ પરિવારો પોતાના મકાનોને ઝળહળતા કરતા હોય છે તેમ આજે પણ રંગબેરંગી રોશની કરવામાં આવી હોય મુસ્લિમ વિસ્તારો દરરોજ રાત્રીના ઝળહળી રહ્યા છે.

 નોંધનીય છે કે, વૈશ્વિક મહામારીના કપરા કાળમાં ઈસ્લામ ધર્મમાં પવિત્ર મનાતી મહત્વની રાત્રી શબે મેઅરાજ, શબે બરાત તે પછી પવિત્ર રમઝાન માસ, રમઝાનની ઇદુલ ફિત્ર, તે પછી ઇદુલ અદહા અને હજજનો મહીનો ઉપરાંત તાજીયાનું પર્વ આશૂરાહ અર્થાત મહોર્રમ માસ અને છેલ્લે ઉર્ષ રઝા સહિત ઉર્ષનો મહત્વનો સફર માસના તમામ પ્રસંગો ઘરે બેઠા અને સાદાઇથી જ ગત વર્ષ ૨૦૨૦માં અને હાલમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યા છે. ત્યારે આ સૌથી મોટો તહેવાર ઇદે મીલાદ પણ સતત બીજા વર્ષે સાદાઇથી ઉજવાઇ જશે.

જો કે છેલ્લા ૭ જેટલા મહત્વના પર્વોના કયાંય આયોજનો નહીં કરીને સાદાઇથી ઉજવવામાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા આપોઆપ સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન થઇ જતા ગાઇડ લાઇન્સના અમલની સાથે સાથે ખુદ પૈગમ્બર સાહેબના સાદગી, ભાઇચારાના પવિત્ર સંદેશનો પણ આપોઆપ અમલ થયો છે.

(2:55 pm IST)