Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શહેર પોલીસ દ્વારા ગુરૂવારથી રામનાથપરા કોમ્યુનિટી હોલ ખાતે હથીયારો તથા કોમ્બેટ વ્હીકલનું પ્રદર્શન

શહિદ સંભારણા દિવસે તમામ પોલીસ સ્ટેશનોમાં શહિદ પોલીસમેનોના ફોટા લગાવી શ્રધ્ધાંજલિ અપાશે : રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પણ શહેર પોલીસના અલગ અલગ કાર્યક્રમોઃ બાઇક રેલીનું સ્વાગત કરાશે : ચિત્ર સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન અને સમાજમાં પોલીસની ભુમિકા વિષય પર વ્યાખ્યાન, નિબંધ સ્પર્ધાનું આયોજન

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસ દ્વારા ૨૧ ઓકટોબરના રોજ પોલીસ શહિદ દિવસ અને ૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમીતે શહેર પોલીસ દ્વારા ગુરૂવારે ૨૧મી ઓકટરથી ૩૧મી ઓકટોબર સુધી શહેરના રામનાથપરા કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને લડાઇમાં વપરાતા વાહનો (કોમ્બેટ વ્હીકલ)નું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ૨૧ ઓકટોબર ૧૯૫૯ના રોજ લદાખ ના હોટ સ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ. જેમાં દેશ માટે બહાદુરી પુર્વક લડતા ભારતના દસ સી.આર.પી.એફ. જવાનો શહીદ થયા  હતાં. તેમની બહાદુરીને યાદ કરી ભારતમાં ૨૧ ઓકટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી ભારત દેશના સુરક્ષા દળના શહીદ થયેલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.

આ ઉપરાંત ૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ દેશનો આધાર તેની એકતા અને અખંડિતતામાં રહેલો છે. ભારત દેશ ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યો હતો. આનું સૌથી મોટું કારણ લોકોમાં એકતાનો અભાવ હતો. આ ઉપરાંત અખંડ ભારત પર ઘણા અલગ અલગ દેશી રજવાડાઓનું શાસન હતું. આને કારણે, ભારતમાં વિવિધ જાતિઓ વિકસિત થઈ શાસનમાં પરિવર્તન અને વિચારોમાં તફાવતોને કારણે મતભેદો ઉભા થયા અને દેશ અલગ-અલગ ટુકડાઓમાં વહેચાયેલો હતો દેશનો વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડિતતા માત્ર એકતાના કારણે જ શક્ય છે જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના લીધે દેશની એકતા નબળી થાય છે. દેશના સરદાર વલ્લભભાઇ પટેલ તથા અન્ય મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રથમ આ મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કર્યો અને દેશમાં સૌપ્રથમ લોકોને એકતાનું મહત્વ જણાવ્યું હતું તેમજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓએ દેશને એકજુથ કરવા માટે પર દેશી રજવાડાનુ એકીકરણ કરવા ખુબજ મહત્વની ભુમીકા ભજવેલ જેના પરિણામે આપળે હાલ અખંડ ભારતમાં વશીએ છીએ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા તે મસયે તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ કાર્યો મુજબ તેઓની વિશ્વમાં સૌથી ઉંચી -તિમા બને અને દેશમાં એકતાનો સંદેશો ફેલાય તે સ્વપ્ન જોયેલું અને તે મુજબ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચાઇની પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું. જે વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા છે. ૨૦૧૪ માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતની એકતા અખંડિતતા અને સલામતી જળવાય રહે તે માટે ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી.

આ વખતે પણ ૨૧ ઓકટોબર પોલીસ શહીદ સંભારણા દિવસ થી ૩૧ ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાયું છે.  જેમાં ૨૧ ઓકટોબરના રોજ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા રાજકોટ શહેરના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને યાદ કરી રાજકોટ શહેર પોલીસ પરીવારના કોરોના વોરીયર એ.એસ.આઇ. સ્વ. શ્રી અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, હેડકોન્સ. સ્વ. શ્રી રણવીરસિંહ દિલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણ થતા તેઓનુ અવસાન થયું હોઇ યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.

તેમજ શહીદ સંભારણા દિવસના રોજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેરના શહીદ  પોલીસ કર્મચારીઓના ફોટો પોલીસ સ્ટેશનમાં લગાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.  આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ચિત્ર સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન વિષય પર વ્યાખ્યાન, નિબંધ તથા સમાજમાં પોલીસની ભુમીકા પર વ્યાખ્યાનનંુ આયોજન કરવામાં આવનાર છે. રામનાથપરા કોમ્યુનિટી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ પાસે ઉપલબ્ધ હથિયારો, કોમ્બેટ વ્હીકલો તથા અગત્યની સાધન સામગ્રીનું પ્રદર્શન તથા આંતકવાદી હુમલો તથા કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. જેમાં શાળાના વિધાર્થીઓ તથા એસ.પી.સી.ના કેડેટને આમંત્રીત કરવામાં આવનાર છે.

 તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૧ ઓકટોબર અનુસંધાને રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવનાર છે. ૧૬મીએ કચ્છથી નીકળેલી મોટર સાઇકલ રેલી ૩૧મી કેવડીયા પહોંચવાની છે. આ રેલી ૨૧મીએ રાજકોટ શહેરમાં પહોંચશે ત્યારે તેનું શહેર પોલીસ તેમજ પ્રજાજનો,  વહીવટી તંત્રના અધિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ, સામાજીક સંસ્થાઓ, એનજીઓ, કલબો, પ્રબુધ્ધ નાગરીકો, એન.સી.સી. કેડેટ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ૨૧ ઓકટોબરના રોજ રાજકોટ શહેર રામનાથપરા કોમ્યુનીટી હોલ ખાતે પોલીસ સંભારણા દિન અનુલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના સ્વજનોને આમંત્રિત કરી સન્માનીત કરવામાં આવશે. 

(2:57 pm IST)