Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

પૂ. શ્રી ઇન્દુબાઇ મ.સ.ની કાલે ૮૯ મી જન્મ જયંતિઃ ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃ ના નાદ ગુંજશે

સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચન સિધ્ધિકા

રાજકોટ તા. ૧૯: ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૮૯મી જન્મ જયંતિ પ્રસંગે તા. ર૦ ને શરદ પૂનમ બુધવારના રોજ રાત્રે ૮ વાગ્યાથી ૮:૩૦ વાગ્યા સુધી ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃ''ના નાદથી તીર્થધામ ગાજી ઉઠશે ગુંજી ઉઠશે. તેમના તમામ ગુરૂણીભકતો તથા શ્રી નાલંદા સકલસંઘ ભાવવંદના કરી ધન્ય બનશે. જેમનું નામ લેતાં પણ પાપ ધોવાય તેવા ગુરૂણીમૈયાના દર્શન-વંદન-માંગલિક સુણી ધન્ય બનો. જેમને શરદ પૂનમના આ આયોજનમાં જોડાવવું હોય તેમણે રાત્રે ૮ કલાકે નાલંદા તીર્થધામ પહોંચી જવાનું રહેશે.

આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીવર્યા-ગુરૂણી ભકતો-સોનલ સેવા મંડળ-સોનલ સહેલી મંડળ-સોનલ સિનિયર સીટીઝન, સોનલ સખી મંડળ-સોનલ સહારા ગ્રુપ ખાસ ઉપસ્થિત રહી ભાવવંદના કરશે. પૂ. મહાસતીજી માનવતાના મહાસાગર સમાન હોવાથી તેમની જન્મજયંતિ પ્રસંગે ભૂખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાશે. મુંગા પશુઓને અનુકંપાદાન અપાશે તથા સહાય અપાશે. અનેક દર્દીથી પીડાતા દર્દીઓને મેડીકલ સહાય અપાશે. ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાશે. ગરીબ પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. જરૂરિયાતમંદો-અનાથાશ્રમ-બાલાશ્રમ-મંદબુધ્ધિના બાળકોને જરૂરી સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવશે.

શરદ પૂનમના દિવસે પરમગુરૂણી ભકતો દ્વારા અનેક માનવસેવા તેમજ જીવદયાના કાર્યક્રમો કરવામાં આવશે. અનેક ધર્મકાર્યોથી નાલંદા તીર્થધામ ધમધમશે. જન્મદિને ગુરૂણીભકતો હાજર રહી એકધ્યાને-એકચિત્તે દર્શન-વંદન કરશે. શરદ પૂનમની રઢિયાળી રાતે નાલંદા તીર્થધામ ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમઃ''ના નાદથી ગુંજશે તો આ પ્રસંગે સર્વ ભાઇ-બહેનોને લાભ લેવા વિનંતિ. (૭.૩પ)

ઘાટકોપર હિંગવાલા જૈન સંઘમાં

તપસ્વી રાજ પૂ. પારશ મુની મ.સા.નું પ૩મુ માસ ખમણ

રાજકોટ તા. ૧૯: ચંપક ગરછ નાયક તપસ્વી રાજ પૂ. પારશ મુની મહારાજ સાહેબે ર૦ર૧ના ચાર્તુમાસ પ્રવેશ હિંગવાલા સંઘમાં માસ ખમણના તપ સાથે કરેલ ગુરૂદેવની તપસ્યાનો પ્રભાવથી અનેક ભકતો પણ તેમના ચાર્તુમાસ દરમિયાન તેમના પચખાણ અને આશીર્વાદ સાથે માસ ખમણનું તપ આદરે છે અને શાતા પુર્વક પુરૃં થાય છે. પારણા બાદ શાતા જળવાઇ રહે છે.

તપસ્વી રાજ પૂ. પારશ મુની મહારાજ સાહેબની ઉંમર ૬૬ વર્ષ છે. તેઓએ પંદર વર્ષની ઉંમરે દિક્ષા લીધેલ અને દિક્ષા પર્યાયના પ૧ વર્ષ દરમિયાન હિંગવાલા જૈન સંઘમાં તેમનું પ૩ મુ માસ ખમણ (૩૦ દિવસના ઉપવાશ) છે. તેઓ માસ ખમણ દરમિયાન દરરોજ વ્યાખ્યાન-વાચણી-માંગલીક આદી પ્રવૃતિઓ સતત કરતા રહે છે.

તપસ્યા દરમિયાન તથા પારણા બાદ તેમની શાતા જળવાઇ રહે તે માટે પ્રમુખ બિપીનભાઇ સંઘવી, મુકેશભાઇ કામદાર, મનસુખભાઇ કોઠારી, છાયા કોટિચા, ભરતભાઇ જશાણી આદીએ ભાવના ભાવેલ.

(2:58 pm IST)