Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજકોટને સ્વચ્છ રાખવું આપણા સૌની ફરજ છે

રાજકોટ ચેમ્બર અને મ્યુ.કોર્પોના ઉપક્રમે સફાઇ જાગૃતિ અંગે સેમીનાર યોજાયો : મ્યુ.કોર્પો.ના આસી. કમીશ્નર કગથરા, કોર્પોરેટર દેવાંગ માંકડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી

રાજકોટ,તા. ૧૯: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા.૧૮–૧૦–ર૦ર૧ના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' કલીન ઈન્ડિયા અંતર્ગત સફાઈ જાગૃતિ અંગે સેમીનાર યોજવામાં આવેલ. જેમાં વોર્ડનં–૭ ના કોર્પોરેટરશ્રી દેવાંગભાઈ માંકડ, રાજકોટ મહાનગરપાલિકાના આસીસટન્ટ કમિશ્નરશ્રી એચ. કે. કગથરા, એન્વાયરમેન્ટ એન્જીનિયરશ્રી એન. એમ. પરમાર તથા નાયબ એન્જીનિયરશ્રી વલ્લભભાઈ જીંજાળા તથા રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઈ વસાણી ઉપસ્થિત રહેલ.

સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ ઉપસ્થિત કોર્પોરેટરશ્રી, અધિકારીશ્રીઓ તથા સભ્યોશ્રીઓને આવકારી રાજકોટ ચેમ્બર દ્ઘારા અવાર–નવાર વિવિધ સેકટરો માટે સભ્યોને જાણકારી મળી રહે તે માટે સેમીનારો તથા વેબીનારો યોજવામાં આવે છે. ભારત દેશ તથા રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરફ આગળ ધપાવવા સ્વચ્છતા એક મહત્વનો પાયો છે. ખાસ કરીને વિદેશી દેશોની જેમ રાજકોટ શહેરમાં પણ ડ્રેનેજ સિસ્ટમ અપનાવવી જોઈએ જેથી કરીને રોડ–રસ્તાઓની થતી ખરાબ હાલત અટકાવી શકાય. આપણે સૌ સ્વચ્છતા જાળવીએ અને આપણા શહેરને વધુ સ્વચ્છ બનાવીએ તેમ જણાવેલ.

સેમીનારમાં ખાસ ઉપસ્થીત આરએમસીના આસીસટન્ટ કમિશ્નરશ્રી એચ. કે. કગથરા, એન્વાયરમેન્ટ એન્જીનિયરશ્રી એન. એમ. પરમાર તથા કોર્પોરેટરશ્રી દેવાંગભાઈ માંકડએ પ્રાસંગીક ઉદ્બોધન કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બર દ્વારા આજના આ સેમિનારનું આયોજન કરવા બદલ આભાર વ્યકત કરેલ. તેમજ ભારત દેશ આઝાદીના ૭પ વર્ષ નિમિતે દેશના વિકાસ અને સિદ્ઘિની ઉજવણીના ભાગરૂપે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવવામાં આવી રહયો છે. આ ઉજવણીના ભાગરૂપે કલીન ઈન્ડિયા અંતર્ગત સફાઈ જાગૃતિ ખુબ જ મહત્વની છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ર ઓકટોબર ર૦૧૪ થી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરેલ અને હાલમાં પણ સ્વચ્છ ભારત મિશન ર ની શરૂઆત કરેલ છે તેને સાર્થક કરવું એ આપણા સૌની ફરજ છે. સમગ્ર દેશમાંથી રાજકોટ આજે સ્વચ્છતામાં ૬ ઠા નંબરના સ્વચ્છ શહેર તરીકે સ્થાન પામેલ છે. આવનારા સમયમાં આપણે વિશ્વના અન્ય દેશોની સામે હરિફાઈ કરી સ્વચ્છતામાં આગવું સ્થાન મેળવવાનો પ્રયાસ કરીશું. સ્વચ્છ શહેરને આગળ ધપાવવા રાજકોટ મહાનગરપાલિકા ખુબ જ જહેમત ઉઠાવી રહયું છે. ત્યારે ભારત દેશના નાગરીક તરીકે આપણે સૌ પોતાની નૈતિક જવાબદારી સમજી જયાં ત્યાં કચરો નાખીએ નહિ, ગંદકી કરીએ નહિ તેમજ અન્ય લોકોને પણ આવું કરતા અટકાવીએ. સાથો સાથ ઘર, ફેકટરી કે ઓફિસોમાં સુકા અને ભીના કચરા માટે ફરજીયાત કચરા ટોપલીનો ઉપયોગ કરવો. આ સેમિનાર દરમ્યાન ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવા માટેના સપથ પણ લેવામાં આવેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદ્મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમજ ઉપસ્થિત કોર્પોરેટરશ્રી, અધિકારીશ્રીઓ તથા સભ્યશ્રીઓનો આભાર વ્યકત રાજકોટ ચેમ્બરના કારોબારી સભ્યશ્રી મયુરભાઈ આડેસરાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:58 pm IST)