Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જસ્ટીસ સંદિપભાઇ ભટ્ટઃ સમગ્ર સૌરાષ્ટ્રના વકિલ જગત માટે ગૌરવઃ ઝળહળતી કારકિર્દિ

રાજકોટ : ચા.મ.મોઢ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ, મોઢ જ્ઞાતિ મહામંડળના પૂર્વ પ્રમુખ અને રાજકોટનાં ખ્યાતનામ એડવોકેટ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનાં પૂર્વ વાઇસ ચેરમેન તથા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ  ચેરમેન શ્રી નટુભાઇ એસ.ભટ્ટના પુત્ર શ્રી સંદિપભાઇ ભટ્ટે ગઇકાલે ગુજરાત હાઇકોર્ટના  ન્યાયાધિસ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.તેઓનો જન્મ રાજકોટ મુકામે થયેલ હતો. પ્રાથમિક શિક્ષણ કોટક સ્કુલમાં અને માધ્યમીક શિક્ષણ  વિરાણી હાઇસ્કુલમાંથી મેળવેલ. ત્યારબાદ કોટક સાયન્સ કોલેજમાંથી સ્ટેટેસ્ટીક વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી ફર્સ્ટ કલાસ સાથે મેળવેલ અને એલ.એલ.બી.નો અભ્યાસ એ.એમ.પી.લો કોલેજ, રાજકોટમાંથી પુર્ણ કરેલ.

જસ્ટીસ સંદિપભાઇ ભટ્ટે ૧૯૯૪ના જાન્યુઆરી મહિનાથી હાઇકોર્ટના પ્રખ્યાત તથા આદરણીય વકિલ સ્વ. ગીરીશભાઇ ડી.ભટ્ટ સાથે જુનીયર એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરેલ. હાઇકોર્ટમાં પ્રેકટીસ દરમિયાન હાઇકોર્ટ એડવોકેટ એસોસીએશનના કમિટી મેમ્બર બાદમાં જોઇન્ટ સેક્રેટરી, બીજા વર્ષે જનરલ સેક્રેટરી અને ત્રીજા વર્ષે વાઇસ પ્રેસીડન્ટ તરીકે ચુંટાઇ આવીને પોતાની સેવાઓ આપેલ.

અભ્યાસ દરમિયાન રાજકોટમાં રોટરેકટ કલબના પ્રમુખ બન્યા અને બાદમાં ડીસ્ટ્રીકટ ૩૦૬૦ નો ડી.આર.આર. ત્થા ત્યાર બાદ અમદાવાદમાં રોટરી કલબમાં જોડાયેલ અને પ્રમુખ તરીકે સેવાઓ આપેલ.

તેમનાં ભાઇ સ્વ. ધીમંતભાઇ પણ રાજકોટના અગ્રણી વકિલ હતા. સ્વ. ધીમંતભાઇના સુપુત્રુ ધૈર્યવાન ભટ્ટ અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેકટીસ કરેછે. સંદિપભાઇના બીજા મોટાભાઇ શ્રી યતિનભાઇ રાજકોટ તથા મોરબી ખાતે ઘણા વર્ષોથી વકીલાત કરે છે. સંદિપભાઇના સસરા અરવિંદભાઇ અને સાળા વિજયભાઇ જુનાગઢ ખાતે વકીલાત કરેછે. સંદિપભાઇના પત્નિ સોનલબેન પણ વકીલ છે. તથા પુત્રી ખુશાલી ઇન્ટીયર ડીઝાઇનર તરીકે અમદાવાદમાં કાર્યરત છે. પુત્ર હર્ષિત એલ.એલ.બી.ના આખરી વર્ષમાં અભ્યાસ કર ેછે.

જસ્ટીસ સંદિપભાઇ ભટ્ટે હાઇકોર્ટ, ડી.આર.ટી. કન્ઝયુમર, એસ.એસ.આર.ડી. ખાતે છેલ્લા ર૭ વર્ષ પ્રેકટીશ કરેલ છે. તેમજ ઘણી બેંકો તથા ગુજરાત સરકારનાં તથા કેન્દ્ર સરકારના વકિલ તરીકે પણ સેવા આપેલ છે. આ ઉપરાંત જુદી જુદી બેંકોના પણ વકિલ તરીકે સેવા આપેલ છે. ગુજરાત હાઇકોર્ટના સીનીયર ન્યાયધીશોએ તેમની જજ તરીકે જવાબદારી સ્વીકારવા અંગે તેમના નામની ભલામણ સુપ્રિમ કોર્ટના ત્રણ સીનીયર જજોના બનેલ કોલેજીયમને કરતા તેઓની ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ તરીકે વરણી કરવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ભલામણ કરેલ છે. અને તે મંજુર થયે, તેઓની શપથવિધિ હાલમાંજ સંપન્ન થયેલ છે. સૌરાષ્ટ્ર ભરના વકીલ જગત તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:00 pm IST)