Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ચોરીમાં સામેલ હોવાની શંકાએ માલધારી સોસાયટીમાં બકાલી લક્ષમણની ધોલધપાટ

પડોશી રમેશ સોલંકી અને તેના બે દિકરા ધોકા-પાઇપથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૯: માલધારી સોસાયટીમાં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં દેવીપૂજક યુવાનને પડોશમાં રહેતાં દેવીપૂજક પિતા-પુત્રોએ પોતાના ઘરમાં થયેલી ચોરી બાબતે શંકા કરી ગાળો દઇ ઢીકાપાટુ અને ધોકા-પાઇપથી ફટકારતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું.

આ અંગે બી-ડિવીઝન પોલીસે યાર્ડ પાસે માલધારી સોસાયટી-૧ બાપા સિતારામ ચોકવાળી શેરીમાં નદી કાંઠે રહેતાં અને બકાલાનો ધંધો કરતાં લક્ષમણ બચુભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં સંજય રમેશ સોલંકી, કિરીટ રમેશ સોલંકી અને રમેશ રૂખડભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે.

લક્ષમણના કહેવા મુજબ તેની પત્નિ ગોૈરી દસેક વર્ષથી રિસામણે છે. પોતે બહાર બજારમાંથી ઘર તરફ જતો હતો ત્યારે બાપા સિતારામ ચોક પાસે રહેતાં રમેશ અને તેના બે દિકરા સંજય તથા કિરીટે આવી તેને અટકાવ્યો હતો અને તેના ઘરમાં રાતે ચોરી થઇ હોઇ તે બાબતે પોતાના પર શંકા કરી પુછતાછ કરી હતી. જેથી તેણે પોતે આ ચોરીમાં સામેલ નહિ હોવાનું કહેતાં ત્રણેયે ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ વધુ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ સંજયએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો અને રમેશે ધોકાથી ફટકાર્યો હતો.

મારની બીકથી પોતે ભાગીને ઘરે જતો રહ્યો હતો. એ પછી તેને બહેન કીડીબેને ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. લક્ષમણની ફરિયાદ પરથી બી-ડિવીઝનના પીએસઆઇ પી. એ. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:00 pm IST)