Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

લક્ષ્મીનગરમાં પુત્ર સાથે ચડભડ થયા બાદ હંસાબેન ચોહાણનો કીડી મારવાનો પાવડર પી લઇ આપઘાત

પતિ હયાત ન હોઇ મહિલા હોસ્પિટલમાં કેર ટેકર તરીકે કામ કરતા હતાં

રાજકોટ તા. ૧૯: લક્ષ્મીનગર શેરી નં. ૩માં રહેતાં હંસાબેન દિલીપભાઇ ચોહાણ (ઉ.વ.૫૪) નામના મહિલાએ ૧૬મીએ સાંજે ઘરે કીડી મારવાનો ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું રાત્રે મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ આર. બી. રાણા, દિલીપસિંહ જાદવ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ હંસાબેનનું બેભાન હાલતમાં જ મૃત્યુ થયું હતું. તેમના પતિ હયાત નથી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

હંસાબેનના સગા પાયલબેને કહ્યું હતું કે હંસાબેનના પતિ હયાત ન હોઇ તેઓ ઘરનું ગુજરાન ચલાવવા ખાનગી હોસ્પિટલમાં કેર ટેકર તરીકે કામ કરવા જતાં હતાં. પુત્ર કેતનભાઇ છુટક ગાડી સાફસફાઇનું કામ કરે છે. તે અવાર-નવાર ઘરમાં ચડભડ કરતો હોઇ કંટાળી જતાં હંસાબેને આ પગલુ ભર્યાની શકયતા છે.

(3:02 pm IST)