Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રિક્ષાગેંગના બે સાગ્રીત, ચોરી-મારામારીમાં સામેલ શખ્‍સ સહિત ત્રણને પાસામાં ધકેલાયા

નારાયણનગરના સુરેશ ઉર્ફ સુરી અને સુરેશ સોલંકી, રૈયાધારના વાલજી ઉર્ફ પતારીયોને વડોદરા, અમદાવાદ જેલભેગા કરાયા : પીઆઇ આર. ટી. વ્‍યાસ, પીઆઇ એ. બી. જાડેજા, પીઆઇ આર. જે. દેસાઇ અને ટીમનો કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: ચૂંટણી અંતર્ગત પોલીસ અસામાજીક તત્‍વો સામે અટકાયતી અને પાસા તળે પગલા લઇ રહી છે. જેમાં વધુ ત્રણ શખ્‍સોને પાસા હેઠળ અલગ અલગ જેલમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે ધકેલી દીધા છે. આ ત્રણેય ચોરીઓ, મારામારીના ગુનામાં સંડોવાયા હતાં.

શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના પર્સ, મોબાઇલ, દાગીના ચોરી લેવાના ગુનાઓમાં બે શખ્‍સો સુરેશ દુલાભાઇ સોલંકી (ઉ.૪૨) તથા સુરેશ ઉર્ફ સુરી હેમાભાઇ ભોજવીયા(ઉ.વ.૩૫) (રહે. બંને ઢેબર કોલોની પાસે નારાયણનગર)ને પકડયા હતાં. આ બંનેના પાસા વોરન્‍ટ ઇશ્‍યુ થતાં  વડોદરા અને અમદાવાદ જેલમાં ધકેલાયા છે.

જ્‍યારે યુનિવર્સિટી પોલીસે ઇ-ગુજકોપમાં ઇતિહાસ ચેક કરી મારામારી અને ચોરીના ગુનામાં સામેલ વાલજી ઉર્ફ પતારીયો લાલજીભાઇ સાડમીયા (ઉ.૩૬-રહે. રૈયાધાર શાંતિનગર રોડ)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત કરતાં તે મંજુર થતાં અમદાવાદ જેલહવાલે કરાયો છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ તથા એસીપી ભાર્ગવ પંડયાની રાહબરીમાં વોરન્‍ટ બજવણીની કામગીરી પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્‍યાસ, યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા,  પીએસઆઇ એ. એ. ખોખર, એએસઆઇ સંજયભાઇ દવે, જનકભાઇ કુગશીયા, કલ્‍પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ તેમજ યુનિવર્સિટીનાં ગિરીરાજસિંહ, લક્ષમણભાઇ,  સિધ્‍ધરાજસિંહ જાડેજા તથા પીસીબી પીઆઇ જે. આર. દેસાઇ, રાજુભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રવિજયસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)