Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વામ્‍બે આવાસ ક્‍વાર્ટરમાં ૬૦ વર્ષના નેપાળી વૃધ્‍ધાને નશાખોર પતિએ પીઠમાં કાતર ઝીંકી

ઘરથી બહાર જ રહેતો પતિ કાલુસિંગ ગમે ત્‍યારે ઘરે આવી માથાકુટ કરી ભાગી જતો હોવાનો આક્ષેપઃ વૃધ્‍ધા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ ક્‍વાર્ટરમાં બ્‍લોક નં. ૭માં રહેતાં મનસારાબેન કાલુસિંગ સિંઘ (નેપાળી) (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા પર સાંજે તેના પતિ કાલુસિંગે કાતરથી હુમલો કરી પીઠમાં ઘા ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મનસારાબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ પતિ કાલુસિંગ મનસારાબેનની સાથે રહેતાં નથી તે અલગ રહે છે અને ગમે ત્‍યારે ઘરે આવી માથાકુટ કરી ભાગી જાય છે. ગત સાંજે પણ નશો કરેલી હાલતમાં ઘરે આવી ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી કરતાં મનસારાબેને તેને ગાળો બોલવાની ના પાડતાં પીઠ પાછળ કાતરનો ઘા ઝીંકી દીધો હતો. મનસારાબેન લોહીલુહાણ થઇ જતાં અને દેકારો મચાવતાં પડોશી ભેગા થઇ જતાં પતિ ભાગી ગયો હતો.

(3:52 pm IST)