Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ચશ્‍મા પડી જતાં વાહન ઉભુ રહે એ પહેલા સાગરે ઠેકડો માર્યોઃ ત્રણેક ગોથા ખાઇ જતાં મોત

સાત હનુમાન પાછળ પીપળીયા પાસે બનાવઃ માટેલથી માનતા ઉતારી પરત આવી રહેલા નાગલપરના બારૈયા પરિવારના પચ્‍ચીસ વર્ષિય આધારસ્‍તંભ દિકરાના મોતથી અરેરાટી

રાજકોટ તા. ૨૦: કુવાડવા તાબેના પીપળીયા રોડ પર રાજવીર ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે બોલેરોના ઠાઠામાં બેઠેલો નાગલપરનો યુવાન સાથેના એક વ્‍યક્‍તિના ચશ્‍મા પડી જતાં બોલેરો ઉભી રખાવાઇ હતી. પણ વાહન હજુ થોડુ ગતિમાં હતું ત્‍યારે યુવાન ઠેકડો મારી ઉતરવા જતાં બે ત્રણ ગોથા ખાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ સાત હનુમાન પાછળ નાગલપર કલરવ પાર્કમાં રહેતો સાગર લક્ષમણભાઇ બારૈયા (ઉ.વ.૨૫) ગઇકાલે કાકાની દિકરીને ત્‍યાં દિકરો જન્‍મ્‍યો હોઇ તે સવા મહિનાનો થતાં તેને માટેલ પગે લગાડવાની માનતા હોઇ કુટુંબીજનો બોલેરો પીકઅપમાં બેસીને માટેલ ગયા હતાં. સાંજે પાંચેક વાગ્‍યે બધા પરત આવી રહ્યા હતાં ત્‍યારે પીપળીયા નજીક બોલેરોના ઠાઠામાં બેઠેલા લોકોમાંથી એકના ચશ્‍મા પડી જતાં બોલેરો ચાલકને વાહન ઉભુ રાખવા કહેવાયું હતું. ચાલક વાહનને સાવ ઉભુ રાખે એ પહેલા જ સાગરે ચશ્‍મા લેવા ઠેકડો માર્યો હતો. ત્‍યારે વાહન થોડુ ગતિમાં હોવાથી બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને સાગર બે ત્રણ ગોથા ખાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્‍યું હતું. મૃત્‍યુ પામના સાગર એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો અને ફોટોફ્રેમનું કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. યુવાન દિકરાના અણધાર્યા મૃત્‍યુથી પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)