Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

૧૮ દડામાં ૩૨ રન ફટકારી આઉટ થયેલા જીજ્ઞેશ ચોૈહાણની જિંદગીની સફરનો મેદાનમાં અંત

રેસકોર્ષમાં ઈન્‍ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં બનાવઃ રમત રમતાં-રમતાં યુવાન ખેલાડીઓના હૃદય બેસી જવાથી મોતથી વીસ દિવસમાં ચાર ઘટનાઓ

રાજકોટ તા. ૨૦: રમત રમતી વખતે યુવા ખેલાડીઓના હૃદય બેસી જતાંમૃત્‍યુની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. શહેરમાં અગાઉ મારવાડી કોલેજના છાત્રનું ફૂટબોલ રમતી વખતે, રેસકોર્ષમાં યુવાનનું ક્રિકેટ રમતી વખતે અને ત્‍યારબાદ શાષાી મેદાનમાંથી ક્રિકેટ રમીને નીકળેલા બનાસકાંઠા ડીસાના યુવાનનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયા બાદ ગઇકાલે રેસકોર્ષ મેદાનમાં ચાલી રહેલી ઇન્‍ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ક્રિકેટ રમતી વખતે યુવા ખેલાડીનું મૃત્‍યુ થતાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ યુનિવર્સિટી રોડ પર પ્રશિલ પાર્કમાં રહેતો અને અખબારમાં માર્કેટીંગનું કામ કરતો જીજ્ઞેશ નટવરલાલ ચોૈહાણ (ઉ.વ.૩૧) ગઇકાલે રવિવારે રેસકોર્ષ મેદાનમાં ઇન્‍ટરપ્રેસ ટુર્નામેન્‍ટના મેચમાં રમવા ગયો હતો. તેમની ટીમનો પહેલો દાવ હોઇ ઓપનીંગ ખેલાડી આઉટ થયા બાદ જીજ્ઞેશ બેટીંગ માટે ઉતર્યો હતો. તેણે ૧૮ દડામાં ૩૨ રન ફટકાર્યા હતાં. જેમાં ચાર ચોગ્‍ગા સામેલ હતાં. એ પછી તે આઉટ થયો હતો. મેદાન બહાર ખુરશી પર બેઠો હતો અને અમુક સેકન્‍ડ થઇ ત્‍યાં જ તે ઢળી પડયો હતો. તેને પરસેવો છુટવા માંડયો હતો. મિત્રોએ છાતીમાં પમ્‍પીંગ ચાલુ કર્યુ હતું અને તુરત ૧૦૮ બોલાવી સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ જાણ કરતાં પ્ર.નગરના વી.બી. રાજપૂતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જીજ્ઞેશ ચોૈહાણ બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં ચાર વર્ષની દિકરી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. શહેરમાં વીસ દિવસમાં આ ચોથી ઘટના બની છે જેમાં રમતાં રમતાં ખેલાડીઓનું હૃદય બેસી જતાં મૃત્‍યુ થયું હતું. એ પહેલા ભારતીનગરના રવિ વેગડાનું રેસકોર્ષમાં ક્રિકેટ રમતાં મૃત્‍યુ થયુ હતું. એ દિવસે જ મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતી વખતે છાત્ર મુળ ઓરિસ્‍સાના આર. વિવેકકુમારનું અવસાન થયું હતું. જ્‍યારે ત્રણેક દિવસ પહેલા બનાસકાઠાથી રાજકોટ ભાણેજના લગ્નમાં આવેલા યુવાનનું શાષાીમેદાનમાંથી ક્રિકેટ રમીને બહાર આવતાં હાર્ટએટેકથી મૃત્‍યુ થયું હતું.

(11:51 am IST)