Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ન ખુશી, ન ગમ, હમ તો સિર્ફ પાર્ટી કે સંગ

ડે.મેયર પદેથી ડો. દર્શિતા શાહનું રાજીનામુઃ કોર્પોરેટર તરીકે યથાવત

મેયર પ્રદીપ ડવને રાજીનામુ સુપ્રત કર્યુ : નવા ડે.મેયરની ટૂંક સમયમાં ચૂંટણી : મારી મેયર તરીકેની ટર્મમાં ડો. દર્શીતાબેનનો ખૂબ જ સહયોગ મળ્‍યોઃ ડો. પ્રદીપ ડવ : ભાજપનો કાર્યકર પળના વિલંબ વિના પક્ષનો આદેશ સ્‍વિકારે છે : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૨૦ : ધારાસભાની ચૂંટણી પરિણામના બે માસ બાદ પ્રદેશ ભાજપ દ્વારા કોર્પોરેટરમાંથી ધારાસભ્‍ય બનેલા નેતાઓના એક પદ ઉપરથી રાજીનામુ લેવાની શરૂઆત આજે રાજકોટના ડે.મેયર પદેથી રાજકોટ-૬૯ના ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહથી થઇ છે. રાજ્‍યભરમાં કોર્પોરેટર બન્‍યા બાદ ધારાસભા લડી ભાજપની બેઠક જીતનાર ૫ થી ૬ નેતાઓ છે. જે તમામના રાજીનામા લેવાની પ્રદેશ ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

 

આજે સવારે ડે.મેયર અને ધારાસભ્‍ય ડો. દર્શીતાબેને મેયર ડો. પ્રદીપ ડવને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીની હાજરીમાં રાજીનામુ આપ્‍યું હતું. જેનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો. આ તકે ડો. દર્શીતાબેન શાહે જણાવ્‍યું હતું કે, ભાજપના કાર્યકર માટે પાર્ટીનો આદેશ જ સર્વોપરી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ દ્વારા ડે.મેયર પદેથી રાજીનામા અંગે જણાવતા મે તેને સહર્ષ સ્‍વીકારી મેયર ડો. પ્રદીપ ડવને મારૂ રાજીનામુ સુપ્રત કર્યું છે.

આ અંગે મેયર ડો. પ્રદીપ ડવે જણાવેલ કે, ડો. દર્શીતાબેને સહર્ષ પાર્ટીના આદેશથી રાજીનામુ આપ્‍યું છે. મારી મેયર પદની ટર્મ દરમિયાન ડે.મેયર તરીકે ડો. દર્શીતાબેનનો ખૂબ જ સાથ-સહકાર સાંપડયો છે. અનેક નિર્ણયોમાં ડો. દર્શીતાબેને યોગ્‍ય સલાહ - સૂચનો પણ કર્યા હતા. આમ રાજકોટને વધુ સુવિધાસભર બનાવવા ડો. દર્શીતાબેન દ્વારા વિવિધ પ્રોજેકટો અંગે રજૂઆતો પણ કરવામાં આવી છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવેલ કે, જ્‍યારે મે ડો. દર્શીતાબેનને ડે.મેયર પદેથી રાજીનામુ આપવા અંગે જણાવતા તેમણે પળનો પણ વિલંબ કર્યા વીના રાજીનામુ કયાં આપવા આવવું જણાવેલ. ભાજપનો કાર્યકર હોય કે નેતા તેના માટે પાર્ટીનો આદેશ શિરોમાન્‍ય જ હોય છે અને તેનો સહર્ષ સ્‍વીકાર પણ કરે છે.

ડો. દર્શીતાબેન શાહે જણાવેલ કે, મારી ગત સમયની ટર્મ તથા આ ટર્મમાં પણ મને ડે.મેયરની જવાબદારી સોંપી પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ દાખવ્‍યો છે તે બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ, રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્‍યાય, શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ તથા બંને વખત મારી સાથે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન રહેલા પુષ્‍કરભાઇ પટેલ સહિત તમામ કાર્યકરો અને પાર્ટીનો આભાર માનું છું.

તેમણે પોતાના ધારાસભ્‍યના કાર્યાલય અંગે જાહેરાત કરતા જણાવેલ કે, અકિલા પ્રેસ સામે મારી સુપ્રાટેક લેબોરેટરી ખાતે મારા ધારાસભા વિસ્‍તાર રાજકોટ-૬૯ના લોકો માટે કાર્યાલય શરૂ કર્યું છે. જ્‍યાં લોકો તેમના પ્રશ્નો તથા રજુઆત કરી શકે છે.

ડો. દર્શીતાબેને પોતાના સાડાચાર વર્ષના ડે.મેયર પદના કાર્યકાળ અંગે સંતોષ સાથે જણાવેલ કે, મે શહેરને સ્‍વચ્‍છ - સુવિધાસભર બનાવવા અનેક રજૂઆતો કરી હતી અને તે તમામ માન્‍ય રાખી મને વધુ કામ કરવાની પ્રેરણા આપી હતી. બંને ટર્મમાં મારા દ્વારા જે લોકોપયોગી કાર્ય થવાથી મને ખૂબ જ સંતોષ છે.

નવા ડે.મેયર અંગે શહેર ભાજપ દ્વારા પ્રદેશ પાસેથી નવી નિમણુંક માટે માર્ગદર્શન મેળવી મેયર પ્રદીપ ડવ દ્વારા ખાસ બોર્ડ બોલાવી નવા ડે.મેયરની નિમણુંક કરવામાં આવશે.

 

(3:44 pm IST)