Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

કોરોના ઇફેકટ : કાલે શહેરના તમામ કોર્પોરેટર - ધારાસભ્યો સાંસદોની બેઠક યોજતા કલેકટર : વેકસીનેશન મુખ્ય મુદ્દો

લોકો રસી માટે જતા નથી... કોર્પોરેટર - ધારાસભ્યો તેમના વિસ્તારમાં ફરી વળે તે અંગે ટાર્ગેટ અપાશે : આજે બપોરે ૪ વાગ્યાથી રસીમાં ઝડપ લાવવા કો-ઓર્ડીનેશન માટે DDO દ્વારા તમામ પ્રાંત મામલતદાર - TDO સાથે ખાસ વીસી

રાજકોટ તા. ૨૦ : રાજકોટમાં લોકો રસી માટે આવતા નથી, ગભરાય છે, આથી તેમને જાગૃત કરવા, રસીકરણ શકય હોય તેટલું ઝડપી બનાવવા અને રોજના ૧૦ હજારથી વધુને રસી અપાય તે પ્રમાણે ટાર્ગેટ ઘડી કાઢવા સંદર્ભે આવતીકાલે રાજકોટના તમામ ચૂંટાયેલા ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટર - ધારાસભ્યો અને સાંસદોની સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને અત્યંત મહત્વની મીટીંગ યોજી હોવાનું એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ મીટીંગમાં જિલ્લાના નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા, મ્યુ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, કોર્પોરેશનના ડે.કમિશનરો, પોલીસ કમિશનરશ્રી તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મીટીંગમાં કોરોના વેકસીનેશન, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝર વિગેરે મુખ્ય મુદ્દા રહેશે. ખાસ કરીને કોર્પોરેટરો તથા ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં સતત ફરી વળી લોકો કોરોના વેકસીન લ્યે, ગભરાય નહિ વિગેરે પ્રકારનું લાયઝનીંગ કરવા અને વેકસીન અંગે ટાર્ગેટ રોજેરોજ જળવાઇ રહે તે પ્રકારે કાર્યવાહી કરવા સૂચના અપાશે. દરેક કોર્પોરેટર પોતાના વિસ્તારમાં ૧૦૦ ટકા વેકસીનેશન કરાવે તે અંગે પણ સૂચનાઓ અપાશે.

દરમિયાન આજે બપોરે ૪ વાગ્યે ડીડીઓ શ્રી અનિલ રાણાવસીયાએ તમામ પ્રાંત, મામલતદારો, ટીડીઓ સાથે ખાસ વીસી યોજી છે, જેમાં કોરોના વેકસીનમાં ઝડપ લાવવા અને તેના કો-ઓર્ડીનેશન અંગે જરૂરી સૂચનાઓ અપાશે.

(2:45 pm IST)