Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

શહેરના મોલમાં કોવિડ-૧૯નું ચુસ્ત પાલન કરાવવા કોર્પોરેશન કાર્યરત

માસ્ક, સોશ્યલ ડિસ્ટન્શનો અમલ કડક બનાવાયો : ડીસ્ટન્શ રાખવા સર્કલ દોરાવાયા : નાયબ મ્યુ.કમિશનર એ.આર.સિંહે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા ચકાસી

રાજકોટ,તા. ૨૦: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. લોકોએ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોવીડ પ્રોટોકોલનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે. કોરોના વાઇરસ સામેની વેકસીનેશન હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે તેની સાથોસાથ લોકોએ પોતાની આજુ-બાજુ સ્વચ્છતા જાળવવી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું પણ અગત્યનું છે. શહેરના વિવિધ મોલમાં ગ્રાહકો અને સ્ટાફ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે વિગેરે સહિતના કોવીડ પ્રોટોકોલનું પાલન થાય તે અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવા માટે આજે તા. ૨૦ના રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ અને અન્ય અધિકારીઓએ વિવિધ મોલની રૂબરૂ મુલાકાત લઇ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

ક્રિસ્ટલ મોલ અને ડી-માર્ટ ખાતે આવતા ગ્રાહકો માટે પ્રવેશ દ્વાર પર જ સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી ખરીદી કરી શકે તે માટે સર્કલ દોરાવવામાં આવ્યા છે. બીગ બજાર અને રિલાયન્સ મોલ ખાતે મોલના સ્ટાફ માસ્ક પહેરે અને આવતા ગ્રાહકો પણ માસ્ક પહેરે તે અંગેની વ્યવસ્થા કરાવવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે. કોરોના વાઇરસ સંક્રમણની ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહકાર આપીએ તેમજ કોવીડ પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

(3:41 pm IST)