Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

વધુને વધુ ટેસ્ટીંગ અને વેકસીનેશનનો લાભ લ્યો

માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો, સામાજીક સંસ્થાઓને પણ જોડાવવા રાજકોટ મહાપાલીકા આરોગ્ય સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની અપીલ : હાલ બે સ્થળોએ ટેસ્ટીંગ બુથની વ્યવસ્થા, જરૂર પડયે બુથ વધારાશેઃ ડોર ટુ ડોર સર્વે, ૧૦૪ની સુવિધા, સંજીવની રથ પણ ચાલુઃ ડો.રાજેશ્રીબેન ડોડીયા- દક્ષાબેન વસાણી

રાજકોટ,તા.૨૦:  કોરોનાએ ફરી ઉપાડો લીધો છે. કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. લોકોને વધુને વધુ કોરોના ટેસ્ટ કરાવવા અને વડીલોને વેકસીનનો લાભ લેવા અપિલ કરાઈ રહી છે.

રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા અને વાઈસ ચેરમેન દક્ષાબેન વસાણીએ જણાવ્યું હતું કે શહેરના રૈયા ચોકડી અને કેકેવી હોલ પાસે ટેસ્ટીંગ બુથ શરૂ કરી દેવામાં આવ્યા છે. જરૂર પડયે શહેરમાં વધુ સ્થળોએ ટેસ્ટીંગ ચાલુ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ધન્વંતરી રથ સંજીવની રથ, ૧૦૪ સહિતની સુવિધાઓ ચાલુ કરી દેવામાં આવી છે. ફરીથી ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરાયો છે. લોકોએ વધુને વધુ કોરોનાના ટેસ્ટીંગનો લાભ લ્યે અને મેકસીમમ વેકસીનનો પણ લાભ લેવા અપીલ કરી હતી.

ડો.રાજેશ્રીબેન ડોડીયા અને દક્ષાબેન વસાણીએ વધુમાં જણાવેલ કે વેકસીન લેવાથી કોઈ જ આડઅસર થતી નથી. વેકસીન લેનાર અન્ય લોકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપે કે વેકસીનથી કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી. કોરોના ટેસ્ટીંગ અને વેકસીન અંગે શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓએ પણ જોડાવવાની સાથે લોકોમાં જાગૃતિ લાવવા અનુરોધ કરાયો હતો.

શહેરીજનોએ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.

તસ્વીરમાં આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા (મો.૯૦૯૯૯ ૦૬૬૬૪) અને વાઈસ ચેરમેન દક્ષાબેન વસાણી (મો.૯૪૨૬૮ ૧૭૯૨૫) સાથે નજરે પડે છે.

(3:47 pm IST)