Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

સિવિલ કોવિડમાં ઘટીને ૨૩ થઇ ગયેલા કોરોનાના દર્દીઓનો આંકડો અઠવાડીયામાં ૧૦૮ થઇ ગયો

આજે નવા ૧૮ દર્દીઓ આવ્યાઃ માત્ર બીજા માળે આઇસીયુ ચાલુ હતાં: આજથી પહેલો માળ પણ ચાલુઃ વધારાના તબિબો, નર્સિંગ સ્ટાફ, એટેન્ડન્સને સ્ટેન્ડ ટુ રાખવા તૈયારી

રાજકોટ તા. ૨૦: કોરોના મહામારીએ રાજકોટમાં ફરી ઉપાડો લીધો છે. સતત પોઝિટિવ કેસ વધવા માંડ્યા છે. એક અઠવાડીયા પહેલા સિવિલમાં કોરોનાના દર્દી ઘટીને માત્ર ૨૩ થઇ ગયા હતાં. તે આજે ૧૦૮ સુધી પહોંચી ગયા છે. આજે નવા ૧૮ પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવતાં આંકડો ૧૦૮ થયો છે.

આખુ વર્ષ કોવિડ હોસ્પિટલમાં દરરોજ સેંકડો દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. છેલ્લે કોરોના એકદમ કાબુમાં આવી રહ્યો હોઇ તેવો માહોલ ઉભો થયો હતો. ગયા અઠવાડીયે જ માત્ર ત્રેવીસ દર્દીઓ હતાં. પણ પછી એકાએક પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવા માંડતાં આજે સિવિલના કોવિડ સેન્ટરમાં ૧૦૮ દર્દીઓ થઇ ગયા છે.

દર્દીઓ ઘટી જતાં કોવિડ સેન્ટરમાં માત્ર બીજા માળે જ આઇસીયુ ચાલુ રખાયું હતું. પરંતુ હવે દર્દીઓ વધી જતાં પહેલા માળે પણ દર્દીઓને દાખલ કરવાનું શરૂ કરવું પડ્યું છે. કોવિડમાં વધારાના તબિબો, નર્સિંગ સ્ટાફ અને એટેન્ડન્સને સ્ટેન્ડ ટુ રખાયા છે. આ ઉપરાંત જો હજુ વધુ દર્દીઓ આવે તો તેમને કેન્સર હોસ્પિટલ અને ઇએસઆઇસી હોસ્પિટલ ખાતે દાખલ કરી શકાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઇ રહી હોવાનું જાણવા મળે છે.

(3:50 pm IST)