Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

નાગેશ્વર રોડ પર દૂકાનમાં એલસીબી ઝોન-૨નો દરોડોઃ રૂા.૩.૪૪ લાખનું નશાકારક આયુર્વેદિક સિરપ પકડયું

દિવ્‍યેશ અનડકટ આ સિરપ અમદાવાદ તરફથી લાવ્‍યાનું રટણઃ એફએસએલમાં પરિક્ષણ માટે મોકલાયું: ડીસીપી સુધીરકુમાર દેસાઇની ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ હરપાલસિંહ જાડેજા, જેન્‍તીગીરી અને ધર્મરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૨૦: તાજેતરમાં શહેર એસઓજીની ટીમે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્કમાં એક મકાનમાં દરોડો પાડી મિતેશપરી ગોસાઇને રૂા. ૨૩ લાખ ૧૨ હજારની કિંમતના નશાકારક કફ સિરપ સાથે પકડયો હતો. જેમાં સપ્‍લાયર તરીકે આદિપુર રહેતાં તેના કુટુંબી બનેવી સમીર ગોસ્‍વામીનું નામ ખુલ્‍યું હતું. ત્‍યાં હવે શહેર એલસીબી ઝોન-૨ની ટીમે જામનગર રોડના નાગેશ્વર સાોસાટી મેનઇ રોડ પરની દૂકાનમાં દરોડો પાડી રૂા. ૩,૪૪,૬૩૭ની કિંમતનું નશાકારક આયુર્વેદિક સિરપ પકડી લીધુ છે. આ જથ્‍થો જેના કબ્‍જામાંથી મળ્‍યો છે એ શખ્‍સની પ્રાથમિક પુછતાછ થતાં તે અમદાવાદ તરફથી આ જથ્‍થો લાવ્‍યાનું અને રાજકોટમાં પાન પાર્લર સહિતના સ્‍થળોએ છુટક સપ્‍લાય કરતો હોવાનું રટણ કર્યુ છે. એફએસએલના રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે.

જાણવા મળ્‍યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી ઝોન-૨ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ટીમના હેડકોન્‍સ. હરપાલસિંહ ઝાલા, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી તથા ધર્મરાજસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે નાગેશ્વર મેઇન રોડ પર રત્‍નમ એપાર્ટમેન્‍ટની નીચેના ભાગે આવેલી દૂકાન નં. ૩માં દરોડો પાડવામાં આવ્‍યો હતો. જેમાંથી નશાકારક આયુર્વેદિક સિરપનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે કાલ મેઘસવા અસવ અરિષ્‍ટા લખેલ ૩૭૫ એમલએલની રૂા. ૩,૪૨,૭૦૦ની ૨૩૦૦ બોટલો અને અર્જુન અરિષ્‍ટા અસવ અરિષ્‍ટા લખેલી ૩૭૫ એમએલની ૧૩ બોટલો મળી કુલ રૂા. ૩,૪૪,૬૩૭ની ૨૩૧૩ બોટલો કબ્‍જે કરી નમુનો લઇ એફએસએલ પરિક્ષણમાં મોકલ્‍યો છે.આ સિરપનો જથ્‍થો દિવ્‍યેશ દિનેશભાઇ અનડકટ (ઉ.વ.૪૪-રહે. એપલ ગ્રીન એપાર્ટમેન્‍ટ, યલ્લો વીંગ એ-બ્‍લોક નં. ૪૦૨, નાગેશ્વર રોડ) નામના શખ્‍સે પોતે ગોડાઉન તરીકે જે દૂકાન વાપરે છે તેમાં ઉતાર્યો હતો. આ નશાકારક પીણાનો જથ્‍થો અમદાવાદ તરફથી મંગાવ્‍યો હોવાનું તેણે રટણ કર્યુ છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપીશ્રી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એચ. આર. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર અને જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(3:55 pm IST)