Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મનપા મનુષ્‍યના રહેવાની ચિંતાની સાથો સાથ અન્‍ય પશુ પક્ષીઓના રહેવાની પણ કરે છે ચિંતા : જનકભાઇ કોટક

પંછી પાની પીને સે, ઘટે ન સરિતા નીર, દાન કિયે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર ! રામ કિ ચીડિયા, રામ કા ખેત, ખાલો ચીડિયા, ભર ભર પેટ! : મહાનગરપાલિકા દ્વારા ૨૦ માર્ચ ‘સ્‍પેરો-ડે' નિમિતે વિનામૂલ્‍યે ૫ હજાર ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ પૂર્વ : મેયરના હસ્‍તે યોજાયો : શહેરોમાં કોંક્રીટના જંગલો વચ્‍ચે આ નિર્દોષ પક્ષી લુપ્‍ત ન થઇ જાય માટે તંત્ર ચિંતિત : પ્રદીપ ડવ

રાજકોટ તા. ૨૦ : બાળકો અને મોટેરાઓને પણ પોતાના તરફ આકર્ષિત કરતા કુદરતના અતિ માસુમ, સુંદર અને રમતિયાળ એવા ટચુકડા પક્ષી ચકલીની દિન પ્રતિ-દિન લુપ્ત થતી જાય છે. તેના રક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ ૨૦ માર્ચ ‘સ્‍પેરો-ડે' અંતર્ગત તા.૧૯ રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ પૂર્વ મેયર જનકભાઇ કોટકના  હસ્‍તે કરવામાં આવ્‍યો. આ કાર્યક્ર્‌મના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદીપ ડવ ઉપસ્‍થિત રહેલ.આ અવસરે પૂર્વ મેયર જનકભાઇ કોટક જણાવેલ કે ચકલી ખુબજ માસુમ પક્ષી છે. આજે પક્ષીઓ લુપ્ત થતા જાય છે. રાજકોટ મહાનગરપાલિકા ફક્‍ત મનુષ્‍યના રહેવાની ચિંતા ન કરતા અન્‍ય પશુ પક્ષીઓના રહેવાની પણ ચિંતા કરે છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિના મુલ્‍યે ચકલીના માળાનું વિતરણ ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફક્‍ત રોડ, રસ્‍તા, લાઈટ, ગટર, પાણી, સફાઈ, વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે, જે બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્‍યા હતા.

કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર ડો. પ્રદીપ ડવે જણાવેલ કે ૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ' અંતર્ગત આજરોજ વિનામુલ્‍યે ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, પૂર્વ મેયર જનકભાઈ કોટક ના કાર્યકાળથી અમલ શરૂ કરવામાં આવેલ છે, છેલ્લા દસ વર્ષથી આ પ્રકારે વિના મુલ્‍યે વિત્તરણ કરવામાં આવે છે. આ પ્રજાતિ માટે જાગરૂકતા બતાવીને ઉપસ્‍થિત સર્વે પક્ષીપ્રેમીઓને ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

વિશેષમાં, મેયરશ્રીએ જણાવેલ કે, આપણે જયારે ભણતા ત્‍યારે ‘ચકલી બોલે ચીં ચીં....' એવી એક કવિતા આવતી અને આંગણામાં આપણે સૌ ચકલીઓનો કલરવ સાંભળતાં, જે આજે બાળકોને જોવા મળતું નથી. ચકલી એક એવું નિર્દોષ પક્ષી છે, જેને જોઇને આબાલ વૃદ્ધો આનંદની લાગણી અનુભવતા હોય છે. આજે શહેરોમાં કોન્‍ક્રીટના જંગલો વચ્‍ચે આ નિર્દોષ પક્ષી લુપ્ત ન થઇ જાય, અને તેને રહેવા માટે માળો મળી રહે તે માટે આ માળાનું વિત્તરણ, તેમજ ઉનાળાની ઋતુમાં પીવા પાણી મળી રહે તે માટે કુંડાનું વિત્તરણ વિનામૂલ્‍યે કરવાનો રાજકોટ મહાનગરપાલિકાનો પ્રયાસ છે. જેના ભાગરૂપે આજે ૫૦૦૦ જેટલા માળા અને કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરેલ છે. તો ચાલો સૌ સાથે મળી અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવીએ, તેવી અપીલ કરેલ.

ઉપસ્‍થિત સૌ મહેમાનોના  હસ્‍તે પક્ષીપ્રેમીઓને માળા અને કુંડા અર્પણ કરવામાં આવ્‍યા હતા.

આ અવસરે ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, બાગબગીચા ચેરમેન અનિતાબેન ગોસ્‍વામી, તથા કોર્પોરેટરશ્રી મનીષભાઈ રાડિયા, ચેતનભાઈ સુરેજા, બીપીનભાઈ બેરા, જીતુભાઈ કાટોળીયા, વિનોદભાઈ સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, રવજીભાઈ મકવાણા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, લીલુબેન જાદવ, દેવુબેન જાદવ, મિતલબેન લાઠીયા, પ્રીતીબેન દોશી, અલ્‍પનાબેન દવે, રસીલાબેન સાકરિયા, સોનલબેન સેલારા, આ ઉપરાંત શહેરના પક્ષીપ્રેમીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા

(4:01 pm IST)