Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બીગ બાઝાર પાછળ આવેલા બગીચામાં કણકોટના કુલદીપ પર છરીથી હુમલો

યુવાન પોતાના ભાઇ-મિત્રો સાથે જમવા ગયો ત્‍યારે કપલની સામે જોવા મામલે ડખ્‍ખોઃ વચ્‍ચે પડેલા હર્ષાબેનને પણ ગાલે છરકા કરી ઝાપટ મારી બે શખ્‍સ ભાગી ગયા

રાજકોટ તા. ૧૯: નાના મવા રોડ પર બીગ બાઝાર પાછળ આવેલા સરદાર બાગ નામના બગીચામાં પોતાના ભાઇ, મિત્રો સાથે જમવા ગયેલા કણકોટના યુવાનને ત્‍યાં બેઠેલા યુવક-યુવતિ પૈકીના યુવાને તું શું સામે જોવે છે? કહી ગાળો દઇ ફોન કરી બીજા શખ્‍સને બોલાવી ઝઘડો કરી છરીથી હુમલો કરી ઢીકાપાટુ મારતાં તેમજ આ યુવાનની સાથેના બહેન વચ્‍ચે પડતાં તેને પણ  છરીથી છરકો કરી ઝાપટ મારી દેવાતાં દેકારો મચી જતાં બંને હુમલાખોર ભાગી ગયા હતાં.

આ બનાવમાં તાલુકા પોલીસે કણકોટ ગામ જીવણજ્‍યોત રાજાબાપાની ડેરીવાળી શેરીમાં રહેતાં અને જુનાગઢની કંપનીમાં હેરકેર પ્રોડક્‍ટનું માર્કેટીંગનું કામ કરતાં કુલદીપ મનસુખભાઇ દાફડા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્‍યા બે શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે.

કુલદીપ દાફડાએ જણાવ્‍યું હતું કે ગુરૂવારે બપોરે મેં મારા ભાઇ સચીનને ફોન કરી જમવાનું પાર્સલ લઇને સરદાર બાગ બીગ બાઝાર પાછળ આવી જવાનું કહેતાં થોડીવારમાં મારો ભાઇ સચીન તથા તેનો મિત્ર જયદિપ પરમાર અને હર્ષાબેન પરમાર પાર્સલ લઇને આવતાં અમે બધા સરદાર બાગ બગીચામાં જમવા બેઠા હતાં. એ પછી હું અને જયદિપ કચરો નાખવા જતાં ત્‍યાં બગાચામાં યુવક યુવતિ બેઠા હોઇ યુવકે મને કેમ સામુ જોવ છે? કહેતાં મેં તેને કહેલુ કે હું તમારી સામે નથી જોતો.

આ સાંભળી તે ઉશ્‍કેરાઇ ગયેલ અને મારી સાથે ગાળાગાળી કરવા માંડયો હતો. તેને ગાળો દેવાની ના પાડવા છતાં તેણે વધુ ગાળો દેતાં અમે ત્‍યાંથી ચાલતા થઇ ગયા હતાં. એ પછી તેણે ફોન કરીને કોઇને બોલાવ્‍યો હતો. અમે બગીચાના દરવાજા પાસે પહોચ્‍યા ત્‍યાં ફરીથી અમારી સાથે અંદર માથાકુટ કરનાર અને તેણે બોલાવેલા અજાણ્‍યા શખસે મળી શું તું હોશીયારી કરે છે? કહી ગાળો દીધી હતી અને પેન્‍ટના નેફામાંથી છરી કાઢી બીજીવાર અહિ દેખાયો તો મારી નાખીશ તેમ કહી છરી લઇ મારવા દોડતાં મેં હાથ આડો નાખતા જમણા હાથના પંજામાં ઇજા થઇ હતી.

મને લોહી નીકળવા માંડતા તેણે મને પગ અને જમણા હાથના ખભે પણ ઘા કરી ઇજા પહોંચાડી હતી. બીજા શખ્‍સે ઢીકાપાટુ માર્યા હતાં. આ વખતે અમારી સાથેના હર્ષાબેન વચ્‍ચે પડતાં તેને પણ ગાલ પર આ શખ્‍સે છરીથીછરકો કરી ઝાપટ મારી દીધી હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ શખ્‍સો એક્‍ટીવા લઇને ભાગી ગયા હતાં. મને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાતાં હાથમાં નવ ટાંકા લેવા પડયા હતાં. સારવાર બાદ પોલીસ સ્‍ટેશને જઇ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એલ. બી. ડીંડોર અને કિરીટભાઇ રામાવતે ગુનો નોંધ્‍યો હતો.

(4:26 pm IST)