Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

બહારની દ્રષ્ટિને અંદર વાળવી એનું નામ આત્‍મજ્ઞાન :સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા.

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજ્‍ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજ્‍ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે તા.૧૯ નાં શ્રી રોયલપાર્ક સ્‍થાનકવાસી જૈન સંઘ,સી.એમ.શેઠ પૌષધ શાળા રાજકોટમાં આગમિક રહસ્‍ય બતાવતા ફરમાવેલ કે  શ્રમણ ભગવાન મહાવીર ફરમાવે છે કે આત્‍માને ઓળખો, આત્‍મવત્‌ બનો, જ્‍યાં સુધી શરીર પર નજર હશે, દૃષ્ટિ બહાર હશે ત્‍યાં સુધી આત્‍માને ઓળખી શકાશે નહીં. શરીરને જોવાનું બંધ થઇ જશે, શરીરનો ખ્‍યાલ નહીં આવે. શરીરથી ઉપર ઉઠીશું તો આત્‍માનાં દર્શન થઇ શકશે. માણસ સ્‍વસ્‍થ હોય ત્‍યાં સુધી શરીરનો ખ્‍યાલ આવતો નથી. વિક્ષિપ્ત હોય ત્‍યારે જ શરીરનો ખ્‍યાલ આવે છે. બહારની દૃષ્ટિને અંદર વાળવી એનું નામ આત્‍મજ્ઞાન.

યુધિષ્ઠિરને કોઇ માણસ ખરાબ લાગતો નહોતો અને દુર્યોધનને કોઇ માણસ સારો દેખાતો નહોતો. જેવી દૃષ્ટિ એવી સળષ્ટિ. સારા માણસને બધું સારું દેખાય અને ખરાબ માણસને બધું ખરાબ દેખાય. ગુણપ્રદોષ બધામાં હોય છે. સારું જોવાનો પ્રયાસ કરવો જોઇએ. માણસને આપણે બહારના દેખાવથી માપીએ છીએ એટલે કેટલીક વખત થાપ ખાઇ જઇએ છીએ. ઉપનિષદમાં એક કથા છે. સમ્રાટ જનકે એક વખત પંડિતોની મોટી સભા બોલાવી હતી. બધા પંડિતો અને જ્ઞાનીઓને નિમંત્રણો મોકલ્‍યા હતા. જનકની ઇચ્‍છા હતી કે પરમ સત્‍યનાં સંબંધમાં કાંઇક નવું જાણવા મળે. આ સંબંધમાં જે પંડિત કાંઇ નવો પ્રકાશ પાડશે તેમને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમંત્રણ જેમને અપાયું હતું તેઓ પ્રકાંડ પંડિતો હતા, જેને લોકો જાણતા હતા. જેમના પાંડિત્‍યની ચર્ચા થતી હતી અને જે વાદવિવાદમાં કુશળ હતા. પંડિતો વચ્‍ચે મોટી ખરાખરીની સ્‍પર્ધા હતી. એક માણસને આ સભામાં આમંત્રણ આપવામાં આવ્‍યું નહોતું પરંતુ તે અભ્‍યાસી, જાણકાર અને ખરો જ્ઞાની હતો.

તેનું નામ હતું અષ્ટાવક્ર. તેના શરીરનાં આઠે અંગ વાંકા હતાં. જનકના દરબારમાં અંદર આવ્‍યા. તેને જોઇને બધા પંડિતો ખડખડાટ હસવા લાગ્‍યા. તેની ચાલ જોઇને અને તેની કુરૂપતાને જોઇને કોઇપણ માણસને હસવું આવી જાય. બધા હસવા લાગ્‍યા તો અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્‍યા.

જનક મહારાજાએ પૂછયું : અષ્ટાવક્ર આ બધા લોકો શા માટે હસે છે તે તો હું સમજી શકયો. પરંતુ આપ શા માટે હસો છો તે મને સમજાતું નથી? અષ્ટાવક્રે કહ્યું: હું એટલા માટે હસ્‍યો કે તમે આ ચમારોની સભાને પંડિતોની સભા કહો છો. આ બધા ચમાર છે. તેમને માત્ર શરીર અને ચામડું દેખાય છે. હું બહારથી વાંકો છું પણ આ બધા અંદરથી વાંકા છે. તેમની પાસેથી સત્‍ય પ્રગટ થવાની આશા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવાની કોશિશ કરવા જેવું છે. આ બધું જોઇને મને હસવું આવી ગયું.

મૂળભૂત વાત એ છે કે તમે બહારનું જોવા ટેવાયેલા છો. બહારના દેખાવથી તમે પ્રભાવિત બની જાવ છો. તમારી નજર માણસનાં શરીર પર, ધન પર, પદ પર અને તેની પ્રતિષ્ઠા પર કેન્‍દ્રિત થયેલી છે. તમે શરીરને જોવો છો એટલે આત્‍મા દેખાતો નથી. ધનને જોવો છો એટલે ઊણપ દેખાતી નથી. પદ-પ્રતિષ્ઠાને જોવો છો એટલે બુરાઇ નજરે પડતી નથી. બહારના દેખાવથી આકર્ષાઇ જાવ છો. બહારની બધી વસ્‍તુઓ મોહક છે. તમે તમને સ્‍વયંને પણ બહારની નજરથી જોવો છો. કાંઇક પણ કરો છો ત્‍યારે પ્રથમ વિચાર એ આવે છે કે બીજાને કેમ લાગશે. તમે કપડાં, ઘરેણાં, ઝવેરાતની પસંદગીમાં પણ આ જ રીતે વિચાર કરો છો. આ શોભશે કે? તેનો અર્થ બીજાની નજરમાં તમે સારા લાગશો ને! તમને શું સારું લાગે છે. કઇ વસ્‍તુ મારાં હિતમાં છે અને કઇ વસ્‍તુ મારે કરવી જોઇએ એવો વિચાર તમે કરતા નથી. એટલે વ્‍યક્‍તિગત રીતે તમારા ગમે તેવા વિચારો હોય, મનોમન તમે માનતા પણ હો કે આ બધું ખોટું છે.

આમ છતાં સમાજ અથવા સમૂહ જે રીતે ચાલતો હોય છે તે રીતે તમે જીવ્‍યા કરો છો. કોઇ સાચું અને સ્‍પષ્ટ કહે એ તમને ગમતું નથી. સાચો માણસ ટોળામાંથી ફેંકાઇ જાય છે

(3:36 pm IST)