Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ક્રિકેટ રમતી વખતે ૧૪ વર્ષના રેનીશનું બેભાન થતાં મોતઃ નવાગામના મનોજભાઇનું લગ્નપ્રસંગમાં હૃદય બેસી ગયું

વાવડી નજીક લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં તરૂણના મોતથી પરિવારમાં ગમગની : ૩૭ વર્ષના મનોજભાઇ બાવળીયાનું કાગદડી મિત્રના દિકરાના લગ્ન પ્રસંગમાં હતાં ત્‍યારે ઢળી પડયા : પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૦: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનાઓ વચ્‍ચે ૧૪ વર્ષના એક બાળકનું કુટુંબી ભાઇ સાથે ક્રિકેટ રમતી વખતે બેભાન થઇ જવાથી મોત થયું છે. તો અન્‍ય બનાવમાં નવાગામના યુવાનનું કાગદડી ખાતે મિત્રના દિકરાના લગ્ન પ્રસંગમાં હૃદય બેસી જવાથી મોત થયું છે. બનાવથી બંને હતભાગીના પરિવારોમાં શોક છવાઇ ગયો છે.

ગોંડલ રોડ પર વાવડી નજીક લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો રેનીશ રઝાકભાઇ નકાણી (ઉ.વ.૧૪) નામનો ટેણીયો સાંજે સાતેક વાગ્‍યે ઘર નજીક મહમદી બાગ પાસે તેના કુટુંબી ભાઇ સહિતની સાથે ક્રિકેટ રમતો હતો ત્‍યારે એકાએક તબિયત બગડતાં તે બેસી ગયો હતો અને બાદમાં પડી ગયો હતો. દેકારો થતાં પરિવારજનો દોડી ગયા હતાં અને રેનીશને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. રેનીશ આઠમા ધોરણમાં અભ્‍યાસ કરતો હતો. તે ત્રણ ભાઇમાં બીજો હતો. પિતા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.

રેનીશનું મૃત્‍યુ હાર્ટએટેકથી થયું કે કેમ? તે જાણવા તબિબે પોસ્‍ટમોર્ટમ બાદ વિસેરા લઇ પરિક્ષણ માટે મોકલ્‍યા છે.

બીજા બનાવમાં નવાગામ સાત હનુમાન પાસે રહેતાં મનોજભાઇ નાગજીભાઇ બાવળીયા (ઉ.વ.૩૭) નામના યુવાન રાતે બારેક વાગ્‍યે કાગદડી ગામે પોતાના મિત્ર બાબુભાઇના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયા હોઇ રાતે વાડીએ એકાએક બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. મૃત્‍યુ પામનાર મનોજભાઇ રિક્ષાચાલક હતાં. તે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું પોસ્‍ટમોર્ટમ દરમિયાન જણાઇ આવ્‍યું હતું.

બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોફિકભાઇ જુણાચે તાલુકા તથા કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(11:00 am IST)