Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પ્રથમ લગ્ન છુપાવી વિધવા સાથે બીજા લગ્ન કરી મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાધ્‍યાઃ જેલહવાલે રહેલા શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ

અગાઉ ડીગ્રી વગર ડોક્‍ટર બની હોસ્‍પિટલ ચાલુ કરી દીધી હતીઃ દવા ચોરીમાં પણ નામ ઉછળ્‍યું હતું :શાદી ડોટ કોમ મારફત બે દિકરીની માતા એવી ૨૭ વર્ષિય યુવતિના ઘરે લગ્નનું માંગુ લઇને ગયો અને લગ્ન કરી લીધાઃ માતા, પિતા, બહેને પણ આગલા લગ્નની વાત છુપાવી હોઇ તે પણ આરોપી બન્‍યાઃ આરોપીનો જેલમાંથી કબ્‍જો લેવાશે :અગાઉની પત્‍નિ સાથે છુટાછેડા પણ થયા નહોતાં: તેણીએ નોંધાવેલા ગુનામાં ધરપકડ થતાં હાલની પત્‍નિ સમક્ષ ભોપાળુ છત્તુ થયું: ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, બી. બી. જાડેજાએ દૂષ્‍કર્મ, મારકુટનો ગુનો નોંધ્‍યો :લગ્ન બાદ કહ્યું-તારી દિકરીઓને તારા માવતરે મુકી આવ તો જ તને અપનાવીશઃ આને કારણે માઠુ લાગતાં ભોગ બનનારે દવાના ટીકડા પણ પીધા'તા

રાજકોટ તા. ૨૦: શહેરમાં અગાઉ કોરોના કાળમાં ડીગ્રી વગર હોસ્‍પિટલ ચલાવતા ઝડપાયેલા તેમજ સિવિલ હોસ્‍પિટલમાંથી દવા ચોરવા જેવા ગુનામાં પણ જેની સંડોવણી ખુલી હતી તે જોલાછાપ ડોક્‍ટરની છાપ ધરાવતાં શખ્‍સ સામે વધુ એક વખત દૂષ્‍કર્મનો ગુનો દાખલ થયો છે.  આ વખતે તેણે પહેલા લગ્નમાં છુટાછેડા થયા ન હોવા છતાં શાદી ડોટ કોમ મારફત  એક યુવતિ કે જે વિધવા અને બે દિકરીની માતા છે તેની સાથે સંપર્ક કરી પોતે પરણેલો હોવાની વાત છુપાવી પોતાના માતા-પિતા-બહેનને સાથે લઇ આ યુવતિના ઘરે જઇ લગ્નનું માંગુ નાખી રજીસ્‍ટર મેરેજ કરી બાદમાં આ યુવતિની આગલા ઘરની દિકરીઓને ન અપનાવી ગાળો દઇ મારકુટ કરી ધરાર મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી લેતાં ફરિયાદ દાખલ થઇ છે. આરોપી યુવાન હાલ અગાઉના એક ગુનામાં જેલમાં હોઇ તેનો જેલમાંથી કબ્‍જો લેવામાં આવશે.

આ બનાવમાં ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી જોલાછાપ ડોક્‍ટરની છાપ ધરાવતાં યુવાન તેમજ મદદગારી બદલ તેના પિતા અને માતા તેમજ બહેન વિરૂધ્‍ધ  ગાંધીગ્રામ પોલીસે આઇપીસી ૩૭૬ (૨) (એન), ૪૯૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો છે. ભોગ બનનાર ૨૭ વર્ષની યુવતિએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હાલ ભાડાના ફલેટમાં ત્રણેક માસથી રહુ છું. પહેલા મારા માતા-પિતા અને મારી બે દિકરીઓ સાથે રહેતી હતી. પ્રથમ લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતાં અને પ્રથમ પતિ થકી બે દિકરીની માતા બની હતી. પતિ ગુજરી ગયા બાદ રાજકોટ એક ક્‍વાર્ટરમાં રહેતી હતી. થોડો સમય માતા પિતા સાથે રહી હતી. તા. ૨૬/૧૧/૨૩ના રોજ હું રાજકોટથી બહાર મારા બહેનના ઘરે હતી ત્‍યારે શાદી ડોટ કોમ એપમાં એક યુવાન સાથે સંપર્ક થયા બાદ અમે વ્‍હોટસએપ નંબરની આપ-લે કરી હતી.

એ પછી હું રાજકોટ આવી હતી અને મારી દિકરીની તબીયત સારી ન હોઇ તેણીને દાખલ કરી હતી. એ વખતે આ યુવાન મને મળવા આવ્‍યો હતો. ત્‍યારે મારા બહેન-બનેવી પણ હાજર હતાં. તેની હાજરીમાં તેણે મારી સાથે દોઢ બે કલાક વાત કરી હતી. એ વખતે તેણે મારી સાથે લગ્ન કરવાની ઇચ્‍છા દર્શાવી હતી. જેથી મેં વિચારીને જવાબ આપીશ તેમ કહ્યું હતું. થોડા દિવસ સુધી અમે વ્‍હોટ્‍સએપમાં મેસેજથી વાતચીત કરી હતી. બાદમાં અમે ઘનશ્‍યામના ઘરે કુટુંબના વડીલો સાથે ગયા હતાં. એ પછી તેઓ અમારા ઘરે આવ્‍યા હતાં. બંને પરિવારોની સહમતીથી અમે કોર્ટમેરેજ કરવાનું નક્કી કર્યુ હતું. તે વખતે યુવાન અને તેના માતા-પિતા-બહેન પણ હાજર હતાં. એ ડીસેમ્‍બર ૨૦૨૩માં વકીલ પાસે લખાણ કરાવી ફોટા પડાવ્‍યા હતાં. એ પછી બગસરાના હામાપર ગામે રજીસ્‍ટ્રેશન કરાવી લગ્ન કર્યા હતાં.

લગ્ન બાદ મને પતિએ થોડો સમય મારા માતાના ઘરે રહેવા મોકલી હતી. કમુહુર્તા ઉતરે પછી તેડી જઇશ તેમ કહ્યું હતું. બાદમાં તે બહાના બતાવી તેડવા આવતો નહોતો. ૧-૧-૨૪ના રોજ તે મને એન બે દિકરીને તેડવા આવ્‍યો હતો. પણ બાદમાં તેના ઘરે ન લઇ જતાં ભાડાનો ફલેટ શોધ્‍યો હતો. એ પછી રાજકોટમાં જ માધાપર ચોકડી આસપાસ ફલેટ ભાડે રાખ્‍યો હતો. જ્‍યાં ૫/૧/૨૪થી અમે રહેવા લાગ્‍યા હતાં. એ પછી તેણે મારી બંને દિકરીઓને અલગ સુવડાવવાનું કહેતો હતો. પરંતુ દિકરીઓ મારી સાથે જ સુતી હતી. જેના કારણે તે ઝઘડો કરતો હતો.  તેમજ મારી મરજી વિરૂધ્‍ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધતો હતો. હું ના પાડુ તો માર મારતો હતો.

તેના માતા-પિતા-બહેન ક્‍યારેક મળવા આવતાં ત્‍યારે હું તેમને તેના ઘરે લઇ જવાનું કહેતી તો તેઓ કહેતા કે તારી બંને દિકરીઓની સાથે અમે નહિ સ્‍વીકારીએ, તું એને તારા માતા-પિતાને આપી આવ પછી જ તને અમારા ઘરે લઇ જઇશું તેમ કહેતાં હતાં. પતિ પણ મને ગાળો દઇ કહેતો કે તારી બંને દિકરીઓને તારા માતવરે રાખીશ તો જ હું તને અપનાવીશ. જેથી હું મારી દિકરીઓને મારા ભાઇના ઘરે મુકી આવી હતી. એ પછી મને માઠુ લાગી જતાં મેં ઉતરાયણના તહેવાર વખતે દવાના ટીકડા ઘરે પડયા હોઇ તે પી લીધા હતાં. પણ મને દવાખાને લઇ ગયો નહોતો, મારી તબિયત સારી થઇ ગઇ હતી.

એ પછી માર્ચ-૨૦૨૪માં મારા પતિને મહિલા પોલીસ લઇ ગઇ હતી. જેથી હું અને મારા બહેન પણ ત્‍યાં ગયા હતાં. ત્‍યારે મને ખબર પડી હતી કે મારા પતિની વિરૂધ્‍ધમાં એક યુવતિએ અગાઉ ૨૦૨૦માં મેરેજ કર્યા હતાં અને છુટાછેડા પણ થયા નથી, તેણીએ કરેલી ફરિયાદને આધારે મારા પતિને ધરપકડ થઇ છે. હાલમાં પણ તે જેલમાં છે. આ રીતે તેણે પોતાના અગાઉ લગ્ન થઇ ગયા હોવાની વાત છુપાવી હતી અને તેના પરિવારજનો સાથે મળી મારી સાથે લગ્ન કરવાનું માંગુ લઇ ઘરે આવી અગાઉના લગ્નની વાત છુપાવી હતી અને  રજીસ્‍ટર મેરેજ કરી લઇ ગાળો દઇ મારી દિકરીઓને ન અપનાવી મારી સાથે અવાર-નવાર મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી લીધા હોઇ જેથી મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ભોગ બનનાર યુવતિએ જણાવતાં ગાંધીગ્રામના પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા, રાઇટર   મહેશભાઇ રૂદાતલાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

(3:09 pm IST)